ગઝલ – શશિકાન્ત ભટ્ટ ‘શૈશવ’
સતત એષણાઓનું રણ વિસ્તરે છે,
મને કોઈ મૃગજળ બની છેતરે છે.
હરણ-ફાળ મંઝિલ તરફ હું ભરું છું,
ને મારો જ રસ્તો મને આંતરે છે.
હથેળીમાં વિસ્તાર રેતીનો કાયમ,
હથેળીમાં ઇચ્છાનાં હરણાં મરે છે.
નસીબે ફકત ઝાંઝવાં છે લખાયાં,
છતાં પ્યાસ મારી બધે કરગરે છે.
નજર સામે ધુમ્મસ ને ધુમ્મસની પાછળ,
નગર સ્વપ્ન કેરું યુગોથી સરે છે.
– શશિકાન્ત ભટ્ટ ‘શૈશવ’
આ કવિના નામની અડફેટે હું તો પહેલી જ વાર ચડ્યો પણ ગઝલ વાંચતા જ આહ નીકળી ગઈ. કયા શેરને વધુ ગમાડવો એ પ્રાણપ્રશ્ન થઈ રહે છે…