ચોમાસાએ… – નીરજ વ્યાસ
ચોમાસાએ ફૂંક્યો મંતર,
કૂંપળ ફૂટે પથ્થર પથ્થર.
હાથ હવાએ લંબાવ્યો ત્યાં,
મ્હેકી ઊઠે આખું અંબર.
ટૌકા વેરી વગડો નાચે,
માથે ઓઢી લીલું છત્તર.
ફૂલો પર ઝાકળ બેસીને
મનભર પીતાં મીઠું અત્તર.
ભીની ભીની ફોરમમાંથી,
શમણાં કોળે સુંદર સુંદર.
– નીરજ વ્યાસ
કોણે કહ્યું કે ગઝલ એટલે પ્રિયતમા સાથે એકાંતમાં કરાતી ગૂફ્તેગૂ ? આ જુઓ… નખશિખ સૌંદર્યરસપ્રચૂર ગઝલ… એક એક શેરમાંથી નિતાંત પ્રકૃતિ નીતરે છે…