તારે નામે લખું છું – કુમાર પાશી
તારે નામે લખું છું : સિતારા, પતંગિયા, આગિયા
તારા રસ્તાઓ સીધા સરળ હોય
એના પર છાયા હોય ઝગમગતા આકાશની
અણદેખ્યા વિશ્વનાં રૂપાળાં રહસ્યો ખૂલતાં જાય તારા પર
જેથી આંખોમાં તારી સ્વપ્નો હોય ઊંચેરી ઉડ્ડયનનાં
તારે નામે લખું છું : આનંદ, આરજૂ, ખુશબૂ
તારો એકએક દિવસ ખૂબસૂરત હોય, નમૂનેદાર હોય
તારી કોઈ પણ રાત ચાંદ-તારાથી ખાલી ન હોય
સવાર થતાં જ્યારે તું ઊઠે
તારી સામે ફેલાયેલી હોય દિશાઓ ફૂલોની
જ્યારે રાત આવે
તારી આંખોમાં સ્વપ્ના હોય હિંડોળાના
તારે નામે લખું છું : એ આખુંય ખુશનુમા શહેર
જે મેં જોયું નથી
તારે નામે લખું છું સઘળાએ ખૂબસૂરત શબ્દો
જે મેં લખ્યા નથી
તારે નામે ઊજળી સવાર, રંગીન સાંજ લખું છું
સનાતન જામ લખું છું
જે સુખની ક્ષણો મને પ્રાપ્ત થઈ છે એ બધી જ તારે નામે લખું છું
તારે નામે લખું છું.
– કુમાર પાશી
( અનુવાદ- સુરેશ દલાલ)
કવિ પ્રિયજને ભેટ કરવા માટે સૌથી મોંઘેરી ચીજો એકઠી કરે છે. બધું એમા મૂક્યા પછી છેલ્લે ઉમેરે છે… પોતાને પ્રાપ્ત થયેલી સુખની બધી ક્ષણો !