બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બિસ્મિલ અઝીમાબાદી

બિસ્મિલ અઝીમાબાદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પથપ્રવર્તક કાવ્યો: ૦૬ : સરફરોશી કી તમન્ના – -બિસ્મિલ અઝીમાબાદી

सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है
देखना है ज़ोर कितना बाज़ू-ए-क़ातिल में है

સરળ અર્થ છે.

ऐ शहीद-ए-मुल्क-ओ-मिल्लत मैं तिरे ऊपर निसार
ले तिरी हिम्मत का चर्चा ग़ैर की महफ़िल में है

ઐ દેશ અને ધર્મ ઉપર શહીદી વહોરનાર ! હું તારા પર કુરબાન છું, તારી હિંમતની ચર્ચા દુશ્મનોની મહેફિલમાં પણ છે !

वाए क़िस्मत पाँव की ऐ ज़ोफ़ कुछ चलती नहीं
कारवाँ अपना अभी तक पहली ही मंज़िल में है

હાય આ પગોની કિસ્મત…અશક્તિ જરાય ચાલે તેમ નથી,હજુ તો આપણો કારવાં પહેલા પડાવ પર છે….ઘણો લાંબો રસ્તો બાકી છે….

रहरव-ए-राह-ए-मोहब्बत रह न जाना राह में
लज़्ज़त-ए-सहरा-नवर्दी दूरी-ए-मंज़िल में है

મહોબ્બતના માર્ગના યાત્રી ! તું ક્યાંક રસ્તે અટકી ન જતો – રણમાં રખડવાની મજા તો મંઝિલ દૂરસુદૂર હોય તો જ છે.

शौक़ से राह-ए-मोहब्बत की मुसीबत झेल ले
इक ख़ुशी का राज़ पिन्हाँ जादा-ए-मंज़िल में है

મહોબ્બતની રાહની મુસીબતો પ્રસન્નતાથી સહી લે….આનંદનું એક રહસ્ય મંઝિલ પર પહોંચવાના રસ્તામાં છૂપાયેલું છે.

आज फिर मक़्तल में क़ातिल कह रहा है बार बार
आएँ वो शौक़-ए-शहादत जिन के जिन के दिल में है

આજે વધસ્તંભ ઉપર જલ્લાદ વારે વારે કહી રહ્યો છે – જેના જેના હૈયે સરફરોશીનો ઉન્માદ હોય તે આવો !

मरने वालो आओ अब गर्दन कटाओ शौक़ से
ये ग़नीमत वक़्त है ख़ंजर कफ़-ए-क़ातिल में है

વધ થનારાઓ આવો….ઉત્સાહભેર ગરદન કપાવો – આ જ યોગ્ય સમય છે,કાતિલના હાથે ખંજર છે.

माने-ए-इज़हार तुम को है हया, हम को अदब
कुछ तुम्हारे दिल के अंदर कुछ हमारे दिल में है

લજ્જા તારા બયાનમાં બાધા છે અને મારા માટે બાધક છે મારી તમીઝ….કંઈક તારા દિલમાં છે કંઈક મારા દિલમાં.

मय-कदा सुनसान ख़ुम उल्टे पड़े हैं जाम चूर
सर-निगूँ बैठा है साक़ी जो तिरी महफ़िल में है

મયકદા સુમસામ છે,સુરાહી ઉલટી પડેલી છે અને પ્યાલા ચૂરેચૂરા છે…તારી મહેફિલમાં સાકી સર ઝૂકાવી નિરાશ બેઠો છે ( પીઠામાં તબાહીનો માહોલ છે )

खींच कर लाई है सब को कत्ल होने की उम्मींद,
आशिकों का जमघट आज कूंचे-ऐ-कातिल में है **

સરળ અર્થ છે.

वक्त आने दे बता देंगे तुझे ऐ आसमां,
हम अभी से क्या बतायें क्या हमारे दिल में है **

અર્થ સરળ છે

अब न अगले वलवले हैं और न वो अरमाँ की भीड़
सिर्फ़ मिट जाने की इक हसरत दिल-ए-‘बिस्मिल’ में है

હવે કોઈ બેસબરી નથી,નથી અરમાનોની ભીડ…હવે “બિસ્મિલ”ના હૈયે માત્ર મરી ફીટવાની તમન્ના છે….

– બિસ્મિલ અઝીમાબાદી
(ભાવાનુવાદ: તીર્થેશ મહેતા)

આ અમર ગઝલ લખાઈ હતી ૧૯૨૧ માં અને અખંડ ભારતની ધડકન બની ગઈ ૧૯૨૫ અને ૧૯૨૭ની આજુબાજુમાં. આ ગઝલના શાયરનું કોઈ પુસ્તક પ્રકાશિત હોવાનું જાણમાં નથી,તેઓની ડાયરીમાં અગિયાર શેરની આ ગઝલ સચવાયેલી હતી. સમય સાથે આ ગઝલમાં અમુક શેર અજ્ઞાત હસ્તોએ ઉમેરાયા છે,કોઈકે આ આખી ગઝલને અમુક ફેરફાર સાથે નઝમના સ્વરૂપમાં આલેખી છે ( જે પણ સુંદર છે ) અને ૫-૬ હિન્દી પિક્ચરમાં પણ આ ગઝલના અમુક ભાગ લેવાયા છે – એટલે ચોક્કસપણે મૂળ ૧૧ શેર ક્યા છે તે બાબતે કોઈ એકમત નથી. મેં અહીં કુલ ૧૨ શેર લીધા છે અને જે પંક્તિઓ જરાપણ બંધબેસતી નથી તેને અવગણી છે. ** નિશાન ધરાવતા શેરની અધિકૃતતા શંકાસ્પદ છે. એ સિવાયના શેર ચોક્કસપણે આ શાયર વડે રચાયા છે.

૧૯૨૫માં થયેલા “કાકોરી ટ્રેન રોબરી” નામના એક દિલધડક ક્રાંતિકારી હુમલા માટે જવાબદાર રામપ્રસાદ બિસ્મિલ અને તેઓના સાથીઓની ગિરફતારી બાદ તેઓએ કોર્ટમાં બચાવ દરમ્યાન કઠેડામાંથી આ ગઝલનો મત્લો બુલંદ સ્વરે લલકાર્યો હતો એવી પણ નોંધ છે અને ૧૯૨૭માં તેઓની ફાંસીની સજાના અમલ ટાણે અંતિમ ક્ષણોમાં ફાંસીના માંચડેથી પણ આ જ મત્લો લલકાર્યો હતો તેવી પણ નોંધ છે – અને આ ઘટના આ ગઝલને અખંડ ભારતના દિલની ધડકન બનાવી દે છે….મા ભારતીના સપૂતોના હૈયે અને હોઠે આ શેર સતત પ્રેરણાસ્ત્રોત બનતો રહે છે… વળી,ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ અને શાયરની અટક એક જ હોવાથી હજુ આજેપણ અમુક લોકો આ ગઝલના શાયર રામપ્રસાદ બિસ્મિલને માને છે 😁😁

કવિતાની આ જ ખરી તાકાત છે – અમુક કવિતામાં ઇતિહાસના પાનાં પલટી નાંખવાની ક્ષમતા હોય છે. સામાન્ય રીતે કવિતા માનવીના જીવનના એક અંગત ખૂણાની સાથી/સાક્ષી હોય છે,પરંતુ આવી અમુક યુગપ્રવર્તક રચનાઓ રાષ્ટ્રીય/સામાજિક ચેતનાને ઝંઝોડી મૂકતી હોય છે. “વંદે માતરમ્” કક્ષાની આવી કવિતાઓ માત્ર કવિતા નથી રહેતી,એ લોહીમાં વણાઈ જાય છે.

અંગત રીતે મને કોઈપણ આઈડિયોલોજી/આદર્શ માટે સાચા અર્થમાં જાનની બાજી લગાવનાર સરફિરાઓ માટે કૂણી લાગણી રહી છે. અમુક સંજોગોમાં કદાચ તેઓની આઈડિયોલોજીનું હું સમર્થન ન પણ કરતો હોઉં,પણ તેઓની જાનફેસાનીની ઈમાનદાર તૈયારી માટે હ્રદય હંમેશા સલામ કરવા ઉભું થઈ જાય. હું જાણું છું કે નક્સલવાદીઓની આઈડિયોલોજી સાચી નથી-પણ તેઓ માટે ઘ્રુણા નથી થતી. એ લોકો પણ ભારતમાતાના જ સંતાનો છે અને એક તક આપવી જોઈએ એવો વિચાર આવે. પોતાના વિચાર માટે જાન કુરબાન કરવા સિંહનું જિગર જોઈએ. રામપ્રસાદ બિસ્મિલ અને તેમના વીર સાથીઓની મન:સ્થિતિ અંગે સદાય કૌતુક થાય કે તેઓ કેવા પ્રચંડ મનોબળના સ્વામી હશે જે લોકો જીવનની અંતિમ ક્ષણે આ મત્લો લલકારે….!!!!

આઝાદ ભારતે ૧૯૪૭ બાદ સતત પોતાના સશસ્ત્ર ક્રાંતિકારીઓને હડહડતો નીચતાપૂર્ણ અન્યાય કર્યો છે. રાજનૈતિક લાભ ખાટવાના મલિન ઈરાદે આઝાદીના આવા અપ્રતિમ વીરતા બતાવનારા સશસ્ત્ર ક્રાંતિકારીઓને કદી ઉચિત સન્માન નથી આપ્યું તેમજ બહુ જ જૂજના કુટુંબીજનોને કોઈ સરકારી સહાય મળી છે. નહેરુંએ પોતે પોતાની જાતને ભારતરત્ન ૧૯૫૬ આસપાસ સત્વરે આપી દીધો પરંતુ એકપણ સશસ્ત્ર ક્રાંતિકારીને ભારતરત્ન કોઈપણ સરકારે આપ્યો નથી-સુભાષચંદ્ર બોઝને પણ નહીં !!! મા ભારતીની સેવામાં કોનું યોગદાન મોટું – સુભાષબાબુનું કે રાજીવ ગાંધીનું ?????   આઝાદ હિંદ ફોજના સૈનિકોને આઝાદ ભારતની ફોજમાં સમાવવામાં ન આવ્યા એટલું જ નહીં – અમુક સૈનિકો ઉપરના ક્રિમિનલ કેસ પણ પરત લેવામાં નહોતા આવ્યા !!! આઝાદ ભારતના બાળકોને એક જ પિપૂડી સંભળાવવામાં આવી કે – “ દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ,સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ “ !!! જાણે કે સશસ્ત્ર ક્રાંતિકારીઓનો કોઈ ફાળો કદીપણ કશે જ હતો જ નહીં !! એક ભગતસિંહના અમર ક્રુત્યએ એવી પ્રચંડ રાષ્ટ્રીય ચેતના જગાવી હતી કે જેની સરખામણીએ સમગ્ર કોંગ્રેસના તમામ કાર્યક્રમો પાણી ભરે છે !!! તો આવા તો કેટલા ભગતસિંહ મા ભારતીની કૂખ ઉજાળી ચૂક્યા છે !! અત્રે અહિંસક ચળવળનો કોઈ વિરોધ નથી પરંતુ ૧૯૪૭ બાદની સરકારોની અંગત લાભ ખાટવા આવા અકલ્પ્ય બલિદાનોને કુટિલતાપૂર્વક નજરઅંદાજ કરવાની દુષ્ટ પેરવીની ભર્ત્સના છે.

આ ગઝલ “વંદે માતરમ્”ની સાથે સાથે તે સમયનો એક યુદ્ધઘોષ બની ગઈ હતી….આજે પણ આ ગઝલનું પિક્ચર “રંગ દે બસંતી” માં કરવામાં આવેલું ભાવવાહી પઠન આપણા રૂંવાડાં ખડા કરી દે છે….

Comments (4)