અને પછી હું કરું શું એ પહેલાં વાત કરો,
તમે કહો છો, તમારો લગાવ મૂકી દઉં.
ભરત વિંઝુડા

આપણી યાદગાર ગઝલો : ૦૨ : જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે – કલાપી

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

-કલાપી
(1874 – 1900)

‘કલાપી’ ગુજરાતી કવિતાનો પહેલો rock star હતો. રાજવી કુળ, એમની સાથે સંકળાયેલી પ્રણયકથાઓ અને નાની વયે મૃત્યુ – એ બધાએ એમને એક દંતકથા સમાન બનાવી દીધા છે. જેમના જીવન પરથી ફીલ્મ બની હોય એવા એ એક જ ગુજરાતી કવિ છે. આપની યાદી વિશે કાંઈ લખવું જરૂરી નથી – આપણે બધા એને પાઠ્યપુસ્તકમાં ભણી જ ચૂક્યા છીએ. છેલ્લા બે શેર મારા અતિ પ્રિય શેર છે. આટલા વર્ષે પણ રોજબરોજમાં વાપરવાના થાય છે. લોકો એક જમાનામાં ચર્ચા કરતા કે આ ગઝલ ભગવાનને સંબોધીને લખી છે કે પ્રેમિકાને સંબોધીને લખી છે. એના પર ઘણા સંશોધન પણ થયા છે. મારે તો એટલુ જ કહેવાનું કે ‘કલાપી’ માટે તો પ્રેમ જ ઈશ્વર હતો…  આગળ તમે પોતે જ સમજી જાવ !

18 Comments »

  1. Jayshree said,

    December 5, 2008 @ 12:02 PM

    ખરેખર ચિરંજીવ ગઝલ…

    મને નવાઇ એ વાતની લાગે છે કે – આટલી લોકપ્રિય ગઝલ કોઇએ compose કરી છે ખરી? કરી તો હશે જ… વાચકોમાંથી કોઇ પાસે માહીતી હોય તો આપવા વિનંતી..

    ટહુકો શરૂ કર્યો ત્યારથી આ ગઝલને સ્વર – સંગીતસાથે મુકવાની ઇચ્છા છે…

  2. અનામી said,

    December 5, 2008 @ 12:12 PM

    કલાપી ની આ ગઝલ વિશે કશું જ કહેવાનું રહેતુ નથી.

    આશા છે તેમની નીચેની ગઝલો પણ અહી ઉપલ્બધ થશેઃ

    “યારી ગુલામી શું કરુ તારી સનમ,
    ગાલે ચુંમુ કે પાનીએ તુને સનમ.”

    હું જાંઉ છુ હું જાંઉ છુ ત્યાં આવશો કોઈ નહી…

    સનમની શોધમાં…..

  3. kantilalkallaiwalla said,

    December 5, 2008 @ 12:46 PM

    Sachi Ghazal ej kahevay je ishwarne tatha premikane sarkhij lagoo pade. Sufi santo ishwarne premika mane chhe a reete kalapini a ghazal THE BEST kahi sakay .Mari a priya ghazal chhe

  4. ડો.મહેશ રાવલ said,

    December 5, 2008 @ 5:09 PM

    કવિશ્રી કલાપીની કદાચ સૌથી વધુ લોકજીભે ચડેલી કહી શકાય એ ગઝલ છે આ.
    ગઝલ વિષે જે લખો તે ક્યાંક,ક્યારેક તો લખાઈ જ ગયું હશે…..!
    એટલ,શાણપણ મારી દ્રષ્ટિએ એ ગણાશે કે માત્ર ને માત્ર પ્રસ્તુત ગઝલને,એના અલંકાર,ઉપમા અને સનમીયત સહિત માણીએ અને કવિએ વ્યક્ત કરેલ,જે તે સમયના ભાવ,અભિવ્યક્તિ સુધી પહોંચીએ..!

  5. uravshi parekh said,

    December 5, 2008 @ 6:46 PM

    આપના થકી,જે થોડી થોડી પન્ક્તિ ઓ સામ્ભળી છે તે હવે આખિ વાન્ચવા મળે છે.
    ઘણી પ્રખ્યાત ગઝલ છે. પ્રેમ ને સરસ રિતે શબ્દો મા ઉતર્યો છે.

  6. Deepak Rindani said,

    December 5, 2008 @ 10:07 PM

    Dear Jayshreeben,
    Happy to inform you that this beautiful Gazal by Kavi Kalapi has been composed by Shri Haresh Bakshi in Raag Madhuvanti and wondefully sung by Bansari Yogendra. She can be contacted on yhbhatt@yahoo.com to publish the same on Tahuko

  7. Sandhya Bhatt said,

    December 5, 2008 @ 11:11 PM

    Gujarati gazal has such a powerful heritage. The poet of this generation fondly remembers Kalapi.Ankitbhai,you have done an appreciative job.

  8. Pinki said,

    December 6, 2008 @ 12:01 AM

    ગુજરાતી સાહિત્યમાં ગઝલ એટલે જ્યાં જ્યાં નજર મારી ….. !!
    એવી સાદી સીધી સમજણ…. અને તે જ તેની સિદ્ધિ !!

  9. Pinki said,

    December 6, 2008 @ 12:41 AM

    જયશ્રી,
    કવિ કલાપીના જીવન પર એક ગુજરાતી ચલચિત્ર પણ છે અને તેમાં આ ગઝલ છે જ્….
    મેં પોતે જ પિક્ચર જોયું છે પણ અત્યારે ખાસ કંઈ યાદ નથી.

  10. sudhir patel said,

    December 6, 2008 @ 2:55 PM

    કવિ શ્રી કલાપી મારા જન્મ-સ્થળ લાઠીના ઠાકોર સાહેબ હતા અને એમની આ ગઝલ ખરે જ પ્રથમ પાંચ ગુજરાતીની યાદગાર ગઝલોમાં સ્થાન મેળવવા પાત્ર છે. ધવલભાઈએ અહીં આ ગઝલ મૂકીને તેમની સૂઝનો પરિચય સુપેરે આપ્યો છે! અભિનંદન અને આભાર્.
    સુધીર પટેલ.

  11. Purni Mehta said,

    December 6, 2008 @ 9:47 PM

    કવી કલાપી ની આ ગઝલ બન્સરી યૉગૅન્દ્ર ના સ્વર મા સાભળવી તે ઍક લ્હાવો છે

  12. kantilalkallaiwalla said,

    December 9, 2008 @ 8:35 AM

    comments are invited and comments are opinion therefore one should not guide directly and/or indirectly, knowingly and/or unknowingly, willingly and/or unwillingly, intentionally and/or unintentionally. Let the readers enjoy ghazal in their own way.Let the words speak not the art of words. This is the best ghazal.

  13. વિવેક said,

    December 10, 2008 @ 5:51 AM

    ગુજરાતી કવિતાનો પહેલો રોક-સ્ટાર!!! આ વાત વાંચતા જ પચી ગઈ…

  14. falgun said,

    June 9, 2011 @ 4:58 AM

    શુ ગઝલ છે ?

  15. Harshad V. Shah said,

    September 24, 2015 @ 5:42 AM

    Wonderful collection and presentation.
    Please keep it up.

  16. Bharvad Ganu said,

    August 8, 2017 @ 8:27 AM

    ખૂબ સરસ રીતે પ્રેમ ની રજૂઆત કરી છે આ કવિતા મા
    હ્રદયને ટચ કરી જાય છે
    આભાર

  17. Parbatkumar said,

    December 25, 2020 @ 10:58 AM

    વાહ
    અદભૂત અદભૂત

  18. -કેતનકુમાર કાંતિલાલ બગથરિયા"રાહી" said,

    July 8, 2023 @ 11:22 PM

    “તારી કૃપા”
    શું ઇચ્છું ઈશ તારાં વગર તવ સંસારમાં?
    તારી કૃપા વગર શક્ય કશું ના સંસારમાં,

    પાલક પોષક આધાર તું જ આ સંસારમાં,
    સઘળું સમરસ, ભળે જો તું મમ્ જીવનમાં,

    જીવન મુક્તિ તવ ભક્તિ વિના મળેના સંસારમાં,
    શક્તિ અપાર તોય રાખનું ઢેભુ રહે શરીર જીવનમાં,

    જ્યાં તું ત્યાં કોઈ કમી ના રહે સંસારમાં,
    તું નથી કંઈ નથી આ ચરાચર જીવનમાં,

    તું પ્રાપ્ય સહજ ભક્તિ ભાવે સંસારમાં,
    “રાહી” પામે તવ સહજ ભક્તિ આ જીવનમાં.
    ✍ -કેતનકુમાર કાંતિલાલ બગથરિયા “રાહી”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment