લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.
વિવેક મનહર ટેલર

દુહા – ચિનુ મોદી

લાખ મથીને રાખતો દિવસે જેને શાંત,
રાતે છાપો મારતું ડંખીલું એકાંત;

એક સમે ક્યારેક ને આજે બારે માસ,
આંસુ ઝાંઝર પ્હેરતાં નખ નાખે નિશ્વાસ;

રાત મળી સરખી છતાં હું કેવો લાચાર,
તું પહેરે છે ચાંદની હું ઓઢું અંધાર;

આંસુને વરસાવશું નાહક ના મૂંઝાવ,
એક નદી નિપજાવશું જેને બન્ને કાંઠે નાવ;

સૈયર, કેવી પ્રીત આ ને કેવો આ સંગાથ ?
આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ.

-ચિનુ મોદી

વિરહ અને પરિણામે જન્મતા ‘ડંખીલા’ એકાંતની પીડા કવિના હાથમાંથી સરતા આંસુ બનીને અહીં આ પાંચ દુહાઓમાં કાગળ પર ઉતરી આવી છે. દિવસ આખો દુન્યવી બાબતોમાં વ્યસ્ત રહી એકાંતને ખાળ્યા કરો તો એ રાતના નીરવ અંધારામાં કેવા ડંખ સાથે છાપો મારે છે! પ્રિયજનની અનુપસ્થિતિમાં આજે બારેમાસ આંસુની જ છમ-છમ સંભળાયા કરે છે એ વાતની સાથે કવિ નખના નિશ્વાસને સાંકળી લે છે. શું અભિપ્રેત હશે અહીં કવિને? છૂટી ગયેલા સગપણને કવિ ‘આંગળીથી નખ છેટાં’ના સંદર્ભે જોવા માંગે છે કે શું? (આંસુ અને નખને સાંકળી લેતી ચિનુ મોદીની જ બીજી પંક્તિ, આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની અહીં તરત જ યાદ આવી જાય છે!) એક તરફ કવિ પાસે કદાચ (!) બંને કાંઠે જન્મતા મૂંઝારાનો ઈલાજ પણ છે તો બીજી તરફ રડી-રડીને અને રાહ જોઈ-જોઈને થાકી ગયેલી આંખની અવેજીમાં જે હાથમાં બીજા હાથનો સંગાથ ક્યારેક હતો એ ‘હાથ’ને રડતો બતાવી વિરહ-વેદનાને ખાસ્સી ધાર કાઢી આપે છે…

2 Comments »

 1. Pragnaju Prafull Vyas said,

  December 15, 2007 @ 11:13 am

  સુંદર
  આ પંક્તીઓ વધુ ગમી
  યાદ આવ્યા કાવ્યો
  એકાંત પીડે છે?
  કેમ?
  તું દુ:શાસન બની નથી શકતો?
  તેના ચીર ખેંચી નથી શકતો?
  તેની હાંસી ઉડાવી નથી શક્તો?
  તું દુર્યોધન બની જાંઘ પર થાપ દે
  એકાંત તો દ્રૌપદી છે.
  પણ…
  ડરું છું શબ્દોનાં કૃષ્ણથી
  જે કાવ્યનાં તેને ચીર પુરે છે.
  અને
  ભડ ભડ ભડ કાળું એકાંત
  ઈંધણ થઈ હોમાતી જાત
  અફવામાં પણ નહીં વરસાદ
  વરસે છે અણિયારી યાદ…

 2. ધવલ said,

  December 15, 2007 @ 10:05 pm

  લાખ મથીને રાખતો દિવસે જેને શાંત,
  રાતે છાપો મારતું ડંખીલું એકાંત;

  એક સમે ક્યારેક ને આજે બારે માસ,
  આંસુ ઝાંઝર પ્હેરતાં નખ નાખે નિશ્વાસ;

  – સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment