અમે ઢાઈ આખરને પૂર્ણાંક લેખ્યા,
અમારી ગણતરી વિષમઘાત થઈ છે.
વિવેક મનહર ટેલર

ન હું ઝાઝું માગું – સુંદરજી બેટાઈ

(ખંડશિખરિણી)

ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
પણ હૃદયમાં જે વ્રણ પડયા,
સહુ સકળ એની બળતરા,
વિના ચીસે,
વિના રીસે;
.                    બસ સહનનું એવું બલ દે.

ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ રિપુ રિપુત્વે મચી રહે
છતાં મારે હૈયે કદીય પ્રતિશત્રુત્વ ફણગો
ફૂટીને ફેલાયે વિષતરુ – ન એવું કદિ બને;
.                    બસ સહનનું એવું બલ દે.

ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ જ જીવન છો ને, વિફલ આ
બને, તોયે કો’નાં ઉર-ઉપવનો ધ્વસ્ત કરવા,
અજાણે કે જાણે,
કદીય કો ટાણે; મુજ થકી કશુંયે નવ બને;
.                    બસ સહનનું એવું બલ દે.

ન હું ઝાઝું માગું,
કરું વા ના ત્રાગું,
પણ કદાપિ એવું પણ બને:
હું જેવાની રાખે જન્મભૂમિનાં ખાતર બને,
દઉં તો દગ્ધી હું મુજ જીવન સંપૂર્ણ હૃદયે;
.                    હૃદય ગરવે મત્ત ન બને,
.                    મન નવ ચઢે તર્કચકવે;
.                    બસ મરણનું એવું બલ દે.

– સુંદરજી બેટાઈ

હૃદયમાં પડેલા સકળ ઘા અને પીડા ચીસ પાડ્યા વિના કે રીસ રાખ્યા વિના સહન કરી શકાય, શત્રુ ભલે એનો ધર્મ નિભાવે પણ પોતાના હૃદયમાં સામી દુશ્મનીનો ફણગો ફૂટી-ફાલીને વિષવૃક્ષ બની ન જાય એટલી સહનશક્તિ કવિ ઇચ્છે છે. પોતાનું જીવન ભલે નિષ્ફળ જાય પણ જાણ્યે-અજાણ્યે અવર કોઈની જીવન-વાટિકા પોતાનાથી નાશ ન પામે એ જ કવિ ઇચ્છે છે. અને અંતે જો જન્મભૂમિમાં ખાતર બનતું હોય તો કવિ પોતાની જાત પણ બાળી આપવા તૈયાર છે… આજે તો જો કે આપણી માંગણીઓ જ બદલાઈ ગઈ છે…

(ત્રાગું= હઠ; વ્રણ=ઘા; રિપુત્વ= શત્રુત્વ; વિષતરુ=ઝેરરૂપી વૃક્ષ; દગ્ધી=જલાવી, બાળી)

5 Comments »

  1. perpoto said,

    April 11, 2013 @ 3:13 AM

    ઘા ખોતરીયો
    ભમરો વને વને
    ફુલો સુગંધી

  2. jahnvi antani said,

    April 11, 2013 @ 7:32 AM

    વાહ્.. સરસ રચના…

  3. HariK Patel said,

    April 11, 2013 @ 9:52 AM

    ભ્લે તુ ઝાઝુ ના માગુ
    પ્ન હુ ત્ને આટ્લુ તો આપુ
    ઝાઝુ ના આપુ પ્ન્
    શાબાશિ તો આપુ

  4. pragnaju said,

    April 11, 2013 @ 11:01 AM

    સુંદર
    ન હું ઝાઝું માગું,
    નથી મારું ત્રાગું;
    મુજ જ જીવન છો ને, વિફલ આ
    બને, તોયે કો’નાં ઉર-ઉપવનો ધ્વસ્ત કરવા,
    અજાણે કે જાણે,
    કદીય કો ટાણે; મુજ થકી કશુંયે નવ બને;
    . બસ સહનનું એવું બલ દે.
    વાહ્

  5. Maheshchandra Naik said,

    April 11, 2013 @ 4:46 PM

    સરસ પ્રાર્થના…………………….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment