ચીતરું છું એનું નામ હથેળી ઉપર ‘મરીઝ’,
વિશ્વાસ મુજને મારા મુકદ્દર ઉપર નથી.
મરીઝ

વિશ્વ-કવિતા:૦૫: – (ઈઝરાઈલ) યેહુદા અમિચાઈ અનુ.: ઇન્દ્રજીત મોગલ

બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો
અને એની વિનાશશક્તિના વર્તુલનો વ્યાસ સાત મીટર હતો.
અને એ મર્યાદાવર્તુલમાં પડ્યા હતા ચાર મરેલા અને અગિયાર ઘવાયેલા
અને એમની આજુબાજુ વેદના અને સમયના વધુ વિસ્તરેલા વર્તુલમાં
વેરવિખેર ઊભાં છે બે દવાખાનાં અને એક કબ્રસ્તાન.
પણ સો કરતાં વધુ કિલોમીટર દૂરની ભૂમિમાંથી
આવેલી સ્ત્રીને જ્યાં ભૂમિદાહ કર્યો તે બિન્દુ
વર્તુલને ખૂબ વિસ્તારી દે છે.
અને તેના મૃત્યુ પર આંસુ સારતા એકાકી માનવીનું બિન્દુ
દૂરના પ્રદેશના એક દૂરના ખૂણામાં
સમસ્ત વિશ્વને વર્તુલમાં સમાવી લે છે.
અને હું ચૂપ જ રહીશ અનાથ બાળકોનાં આંસુ વિશે
કે જે ઈશ્વરના સિંહાસન સુધી પહોંચે છે
અને ત્યાંથી એ વધુ વિસ્તરી
વર્તુલને અનંત અને ઈશ્વરવિહોણું બનાવે છે.

યેહુદા અમિચાઈ (ઈઝરાઈલ)
અનુ.: ઇન્દ્રજીત મોગલ

ક્યારેક શબ્દો કોઈ શક્તિશાળી બૉમ્બ કરતાં પણ વધુ પ્રબળતાથી આપણને હચમચાવી શકે છે એની પ્રતીતિ આ કાવ્ય વાંચતાવેંત જ થાય. થોડું પણ મનુષ્યત્વ આપણી અંદર જીવતું ન હોય તો જ આપણી રગોમાં દોડતું લોહી થીજી જતું ન અનુભવાય આ વાંચીને. કવિ સેન્ટિમીટરથી શરૂ કરીને અનંતતા અને મનુષ્યથી શરૂ કરીને ઈશ્વર સુધી ની વેદનાદાયી યાત્રા કરાવે છે. વિનાશનો વ્યાપ ગણવા બેસનાર કેટલા મૂર્ખ હોય છે! તબાહીની ગણતરી લાશો કે ઘાયલોના આંકડાથી પર હોય છે. કોઈપણ તબાહી સંકેત છે એ વાતનો કે ઈશ્વર ક્યાંય નથી…

યેહુદા અમિચાઈનો જન્મ 03-05-1924ના રોજ જર્મનીમાં અને મૃત્યુ 2-09-2000ના રોજ ઈઝરાઈલમાં. ઈઝરાઈલમાં વર્નાક્યુલર હિબ્રુ ભાષાને સ્થાપિત કરવામાં એમનો મોટો ફાળો હતો. બાઈબલની ક્લિષ્ટ ભાષાને બદલે ઈઝરાઈલની શેરીઓની ભાષાને કવિતામાં સ્થાન આપીને એમણે લોકભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો હતો.

4 Comments »

 1. pragnajuvyas said,

  December 6, 2007 @ 2:09 pm

  વાંચતા જ અંતરને તબાહ કરે તેવું!
  ત્યાંથી એ વધુ વિસ્તરી
  વર્તુલને અનંત અને ઈશ્વરવિહોણું બનાવે છે.
  સામ્પ્રત સમયમાં પણ કેટલી પ્રસ્તુત વાત!

 2. manvantpatel said,

  December 6, 2007 @ 7:58 pm

  દુઃખદ કાવ્ય ! કહે છે કે ‘હૃદય ભરાય,ત્યારે હોઠ સીવાઇ જાય છે’.

 3. ધવલ said,

  December 6, 2007 @ 9:51 pm

  ભોંકાય એવી તીણી વેદનાથી તરબતર કાવ્ય… એમણે યુદ્ધ અને બોબ્બની ભયાનકતા પર ઘણુ લખેલું છે. પ્રસ્તુત કાવ્યનું મૂળ અંગ્રેજી (એય ભાષાંતર જ છે, કવિતા તો મૂળ હિબ્રુમાં છે.) નીચેની લીંક પર સરખામણી માટે વાંચી શકશો.
  http://www.bookwire.com/bbr/life/yehuda-amichai.html

  આ જ કવિનું આગળ મૂકેલું કાવ્ય ‘શાંત આનંદ’ મારા બહુ જ વ્હાલાં કાવ્યોમાંથી છે. એ હું વારંવાર, ને વળી વારંવાર, વાંચુ છું.

 4. Group2Blog :: Fourteen wonders of the world… said,

  December 14, 2007 @ 6:00 am

  […] Israel – Yehuda Amichai : http://layastaro.com/?p=978 […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment