સ્વપ્નનાં પાણી ભરાયાં વ્હાણમાં,
તું હવે આ છેદનું કારણ ન પૂછ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

રૂપકો – સિલ્વિયા પ્લાથ

હું નવ અક્ષરનું એક ઉખાણું છું,
હાથી, ભારેખમ ઘર,
બે વેલ પર ઉપર તડબૂચ.
ઓહ લાલચટ્ટાક ફળ, હાથીદાંત, ઉમદા સાગ!
આથો ચડતો જાય છે લોટ ઉભરાતો જાય છે.
બટવામાં કડકડતી નોટો ઉમેરાતી જાય છે.
હું એક સાધન, એક રંગમંચ, એક ગાભણી ગાય.
ખાધા છે મેં ભારોભાર લીલા સફરજન,
ચડી ગઈ છું ગાડીમાં હવે ઉતરાય એમ નથી.

– સિલ્વિયા પ્લાથ
(અનુ. ધવલ શાહ)

સિલ્વિયા પ્લાથના અવસાનને ગઈકાલે પચાસ વર્ષ થયા. એમની કવિતાઓ એ જમનામા વંચાતી’તી એનાથી ક્યાંય વધારે આજે વંચાય છે. એમનું આખું જીવન ઉતાર ચડાવમાં ગયું. ડીપ્રેશન સાથેની જીવનભરની લડત છેવટે આત્મહત્યામાં પરિણામી. એમના જીવન વિશે વાત ફરી ક્યારેક કરીશું, આજે આ બહુ પ્રખ્યાત કવિતાની વાત કરીએ.

કવિતા એક ઉખાણા તરીકે લખી છે. આખી વાત માત્ર રૂપકોની મદદથી કરી છે. એટલે કવિતાનું નામ પણ રૂપકો જ રાખ્યું છે. નામથી પણ કવિતાના વિષય વિશે કોઈ સંકેત મળતો નથી. એટલે પહેલી વાર આ કવિતા વાંચો અને કશી પિચ ન પડે તો ચિંતા ન કરતા 🙂

આખી કવિતા પ્રસૃતિ દરમ્યાન કવયિત્રીની અકળામણ વિશે છે. નવ અક્ષર એ પ્રસુતિના નવ મહિનાનું પ્રતિક છે. કવયિત્રીએ કવિતામાં રૂપકો પણ ગણીને નવ વાપર્યા છે. પહેલા કવયિત્રી પોતાની અવસ્થા માટે હાથી, ભારેખમ ઘર અને (રમૂજમાં) બે વેલ (જેવા પગ) ઉપર તડબૂચ (જેવું પેટ) રૂપકો વાપરે છે. પણ પછીની લીટીમાં ખરી અકળામણ આવે છે. પ્રસૃતિ પછી દુનિયાની નજરમાં સ્ત્રીની કિંમત ઘટતી જાય છે, અને એના પેટમાં રહેલા બાળકની કિંમત વધતી જાય છે. ક્યારેક તો સ્ત્રી કરતા બાળકને જ વધુ મહત્વ અપાતું જાય છે. કવયિત્રી એ વાતને અજબ બખૂબીથી કરે છે. એ તો (ફળને બદલે)  ફળની અંદરના લાલચટ્ટાક ભાગ, (હાથીને બદલે) હાથીદાંત અને (આખા  ઘરને બદલે એમાં વપરાયેલા) ઉમદા લાકડાના વખાણ કરે છે.

પ્રસૃતિ આગળ વધતી જાય છે. આથો આવતા લોટની જેમ એ ઉભરાતી જાય છે. કવયિત્રી પોતાની જાતને બટવા સાથે સરખાવે છે જેનું કામ માત્ર અંદરની નોટોને સાચવવા જેટલું જ રહ્યું છે. પોતાની જાત કવિને માત્ર (સંતાન પ્રાપ્તિના) એક સાધન, (કલાકારોને આધાર આપતા) રંગમંચ કે ગાભણી ગાય (કે જેના વછેરામાં જ લોકોને રસ છે) જેવી લાગે છે. આદમ-ઈવે એક સફરજન ખાધેલું. જ્યારે કવયિત્રીએ તો ભારોભાર સફરજન ખાધા છે. લાલ સફરજન પ્રેમનું પ્રતિક છે. કવિ એને ઉલટાવીને લીલા સફરજનની વાત કરી છે.  છેલ્લી લીટીમાં કવયિત્રીની અકળામણ ચરમસીમાએ પહોંચે છે. આ મારતી ગાડીમાંથી હવે ઊતરી પણ શકાય એમ નથી. એટલે કે પ્રસૃતિ પછી જીંદગી હંમેશાને માટે બદલાઈ જવાની છે.

માતૃત્વના એક જુદા જ પાસાની વાત અહીં છે. કવિતા તો સશક્ત છે જ. પણ આવા વિચારને પ્રમાણિક રીતે પ્રગટ કરવો એ પણ બહુ મોટી વાત છે. હવે ફરી એક વાર કવિતા વાંચી જુઓ.

10 Comments »

 1. ધવલ said,

  February 13, 2013 @ 12:04 am

  Metaphors

  I’m a riddle in nine syllables,
  An elephant, a ponderous house,
  A melon strolling on two tendrils.
  O red fruit, ivory, fine timbers!
  This loaf’s big with its yeasty rising.
  Money’s new-minted in this fat purse.
  I’m a means, a stage, a cow in calf.
  I’ve eaten a bag of green apples,
  Boarded the train there’s no getting off.

  Sylvia Plath

 2. perpoto said,

  February 13, 2013 @ 3:54 am

  માત્ર ૩૧ વર્ષ નું જીવન.
  Ariel -is very intense too.
  and the DADDY…..

 3. tirthesh said,

  February 13, 2013 @ 6:31 am

  વાહ !

 4. pragnaju said,

  February 13, 2013 @ 11:29 am

  ખૂબ સુંદર અભિવ્યક્તી
  અમારા પારસી પડોશી તેની ગર્ભવતી પત્ની માટે રમુજમા ગાંભણી શબ્દ વાપરતા!
  ત્યાર બાદ ‘ગાંભણી જ્ઞાન’થી પ્રયોગ સાંભળ્યો !
  અને મા ગુણવંત શાહે સીનીયર સીટીઝનના પ્રવચનમા…” માણસને મળતી મોકળાશ ગાભણી હોય છે. ઉત્તમ કવીતાઓ, નાટકો, શીલ્પો, ચીત્રો, ફીલ્મો, ગીતો અને કલાકૃતીઓ માનવજાતને મળ્યાં તે માટે સર્જકોને પ્રાપ્ત થયેલી મોકળાશનો ફાળો મહત્ત્વનો રહ્યો છે.” અને આજે મઝાના આસ્વાદમા ‘પોતાની જાત કવિને માત્ર (સંતાન પ્રાપ્તિના) એક સાધન, (કલાકારોને આધાર આપતા) રંગમંચ કે ગાભણી ગાય (કે જેના વછેરામાં જ લોકોને રસ છે) જેવી લાગે છે.જાણે અમારી જ વાત !
  કવયિત્રીની અકળામણ કોઇ કવિને થાય તો?

 5. M.D.Gandhi, U.S.A. said,

  February 13, 2013 @ 3:47 pm

  સુંદર કવિતા છે.

 6. Maheshchandra Naik said,

  February 13, 2013 @ 6:58 pm

  સરસ આસ્વાદ દ્વારા ઘણુ જાણવા મળ્યુ, ખાસ કરીને કવિયત્રીનો વિશેષ પરીચય મળ્યો, નવા રુપકો માટે આભાર

 7. himanshu patel said,

  February 13, 2013 @ 9:04 pm

  સારું કામ છે ભાષાકર્મને હજુ અવકાશ હતો તે છતાં,આભાર્.

 8. વિવેક said,

  February 14, 2013 @ 12:42 am

  સુંદર કવિતા… સમજૂતિ ન આપી હોત તો આખેઆખી માથા પરથી જ નીકળી જાત…

 9. Pancham Shukla said,

  February 14, 2013 @ 8:31 am

  સરસ. ખાસ અભિનંદન, કવિતાને ધીમે ધીમે ખોલી આપવા માટે.

 10. La'Kant said,

  March 5, 2013 @ 2:03 am

  સ્ત્રી એક ઉખાણું તો છે જ !
  એક ખરેખર ઉચ્ચ કક્ષાની “રીયલ” અને “જેન્યૂઈન” કલાકૃતિ અવનવા પ્રતીકો પણ…ધવલભાઈ પણ…કમાલ કરી ગયા….

  ” કવયિત્રીની અકળામણ કોઇ કવિને થાય તો? ” અંગે કહેવાનું મન થાય છે:-
  કલ્પનાશીલ …કોઈ ઉત્સુક પ્રયોગશીલ કલાકાર જણ દ્વારા જરૂર એક સરસ કૃતિ સર્જાશે..હવે..”.માણસને મળતી મોકળાશ ગાભણી હોય છે.” સાચું જ !
  આભાર
  લા’ / ૫-૩-૧૩

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment