પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.
ચિનુ મોદી 'ઈર્શાદ'

ઠેસ વાગી ને – વિનોદ જોષી

ઠેસ વાગી ને નખ્ખ નંદવાયો રે, સૈ !

પડ્યા આડા ઊંબર આડી ઓસરી,
છેક છાતીમાં તૈડ પડી સોંસરી;
જડ્યો પડછાયો સાવ ઓરમાયો રે, સૈ !

મેં તો ધબકારો લીંપીને આળખી,
મારાં ભોળાં પારેવડાંની પાલખી;
એક સોનેરી સૂર સંભળાયો રે, સૈ !

હતી સાકરની સાવ હું તો પૂતળી,
દોટ કાઢીને દરિયામાં ઊતરી;
મુંને મારો મુકામ ઓળખાયો રે, સૈ !

-વિનોદ જોષી

સાસરે પગ મૂકતી પરણેતરની હૈયાવિમાસણનું ચિત્ર કવિ આબાદ તાદૃશ કરે છે. પિયરમાં આંખ મીંચીને ઊડાઊડ કરતી છોકરી માટે ઓસરી-ઊંબરા, સાસુ-સસરા બધા જ જાણે રસ્તામાં આડા ન પડ્યા હોય એમ ચાલવું પણ દોહ્યલું બની જાય છે. એક ઠેસ વાગે અને જાણે ખાલી નખ જ નથી તૂટતો, છે…ક હૈયા સુધી તિરાડ પડી જાય છે. પોતીકો પડછાયો પણ ખોવાઈ જાય છે અને જડે તો એ પારકો લાગવા માંડે છે. એક-એક ધબકારા ચીપી-ચીપીને લીપવા પડે એવામાં પ્રિયતમનો સૂર જાણે સોનાનો સૂરજ બનીને ઊગે છે અને સંસારના ખારા સાગરમાં આખરે ડૂબી-ઓગળીને જ પોતાની મંઝિલ મળે છે એની નાયિકાને જાણ થાય છે…

8 Comments »

 1. Bhavesh Shah said,

  September 14, 2012 @ 2:58 am

  વાહ વાહ સુંદર નિરૂપણ..

 2. perpoto said,

  September 14, 2012 @ 9:04 am

  ઓરમાયાનું જડવું, ઓગળીને જડવું– આ મુકામ કેવો….

 3. pragnaju said,

  September 14, 2012 @ 10:09 am

  સરસ અભિવ્યક્તી

 4. Manubhai Raval said,

  September 14, 2012 @ 10:11 am

  વિનોદભાઈ ધન્યવાદ, ખુબ સરસ વાસ્તવિકતા રજુ કરી

 5. Pravinchandra Kasturchand Shah said,

  September 14, 2012 @ 12:24 pm

  નખ્ખ નંદવાયો ‘ને
  (૧)જડ્યો પડછાયો સાવ ઓરમાયો,
  (૨)એક સોનેરી સૂર સંભળાયો
  અને
  (૩)મુંને મારો મુકામ ઓળખાયો.

 6. ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,

  September 15, 2012 @ 1:01 am

  ઠેસ વાગી ને નખ્ખ નંદવાયો રે, સૈ !
  જન્મ થી જાણીતી જગ્યાને કાયમ માટે છોડવી તે ખરેખર બહુ મુશ્કેલ અને પિડાદાયક હકીકત છે,સાવ નવો મુકામ નવા માણસો,વચ્ચે પગ અને મન બંન્ને અટવાયજ પરાણે હસતું મોં રાખી “મે તો ભૂલ ચલી બાબુલકા ઘર પીયા કા ઘર પ્યારા લગે !” માત્ર એક વ્યક્તિ ના ભરોસે – કે જેને તે વરી છે ? જ્યાં જનમ થી સાથે રહેનાર પડછાયો ખોવાય જાય , અને મળે ત્યારે અજાણ્યો – ઓરમાયો લાગે !

  જડ્યો પડછાયો સાવ ઓરમાયો રે, સૈ !
  અને સમર્પણ પણ કેવું ?! મીઠ્ઠી સાકર જેવી હું ખાર દરીયામાં ભળી જવા દોટ મૂકી – કદાચ પોતા તરફથી દરીયાની શક્ય એટલી ખારાશ ઓછી કરવાનો સંન્નિષ્ઠ પ્રયાસ !

  હતી સાકરની સાવ હું તો પૂતળી,
  દોટ કાઢીને દરિયામાં ઊતરી;
  મુંને મારો મુકામ ઓળખાયો રે, સૈ !

  નજીક ના દિવસો માં નવરાત્રી ના દિવસો શરૂ થનાર છે – ત્યારે ગરબે ઘૂમતી નાર ને નિહાળજો – પોતાની ધૂન માં – પોતાના સમગ્ર અસ્તિત્વ ને સગપણને ભૂલી ને ગરબે ઘૂમતી જણાશે – ત્યારે એ કોઈની મા,દિકરી,પત્ની કંઈજ જ નથી હોતી માત્ર શક્તિ ની ભક્તિ કરતી અને શક્તિમાં એકરૂપ થૈ જતી અનુભવશો !નારી તું નારાયણી અમથું તો નહીં જ કહેવાતૂ હોય ને !

 7. pragnaju said,

  September 15, 2012 @ 10:06 am

  સુંદર

 8. Maheshchandra Naik said,

  September 16, 2012 @ 2:24 pm

  સરસ રચના, ગંમી જાય એવી રચના…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment