ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ
ભરત વિંઝુડા

અસંખ્ય ઝાંઝવા – રમેશ પારેખ

અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે,
પછીથી હાથની રેખા બનીને અટકે છે.

હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું ?
વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે !

ઉઘાડી આંખમાં છલકે અસંખ્ય શમણાંઓ,
ભીડેલી પાંપણો વીંધી તમામ છટકે છે.

મરણગતિએ મળી લઈએ એકબીજાને-
એક ઘરમાં બે ખંડની જુદાઈ ખટકે છે.

દીવાલ જેવી સલામત જગાઓ શોધીને,
જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે.

– રમેશ પારેખ

આ ગઝલના ત્રણ શેર પહેલા પણ ખબર હતા. આજે અચાનક આખી ગઝલ હાથ લાગી ગઈ. ર.પા.ના શબ્દચિત્રોની વાત જ અલગ છે. ઝાંઝવા એમના ગીત અને ગઝલ બન્નેમાં વારંવાર આવે છે. અહીં તો ઘરની હવામાં ભટકતા ઝાંઝવાની કલ્પના એક જ લસરકે અતૃપ્ત ઈચ્છાઓની આખી ભૂતાવળને તાદૃશ કરી દે છે. એ પછી એ અતુપ્ત ઈચ્છાઓનું ‘લેંડિગ’ કવિ હાથની રેખાનોના ‘રન વે’ પર કરાવે છે. અપ્રાપ્ય ભવિષ્યમાં કેદ સઘળી અતૃપ્ત ઈચ્છાઓ ! પાનખરનો ભાર ઝીલી જતું વૃક્ષ વસંતનો ભાર જીરવી શકતું નથી. દિવસે જે સપના કનડે છે એ બધા રાત્રે ઊંઘને સૂનકાર કરીને છટકી જાય છે. ત્રીજા શેરને ઊંચે લઈ જતો શબ્દ છે – મરણગતિ. આ મરણગતિ એટલે શું ? મરણગતિ એટલે મરણની જેમ, એટલે કે એકવાર મળીએ તો પછી કદી છૂટા ન પડે એવું મિલન. પણ આવા મિલન માટેના બીજા બધા શબ્દોને બદલે આ શબ્દ વાપરીને કવિ શેરને કાળીમેશ ધાર કાઢી આપે છે. ને છેલ્લા શેરમાં, નિરાંત જોઈતી હોય તો દીવાલ પરના ફોટામાં જ મળશે એવો ટાઢો ડામ હળવી ભાષામાં આપીને કવિ ગઝલ પૂરી કરે છે.

12 Comments »

 1. deepak said,

  June 13, 2012 @ 12:39 am

  દીવાલ જેવી સલામત જગાઓ શોધીને,
  જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે

  વાહ!!! ખુબ સરસ…

 2. rajul b said,

  June 13, 2012 @ 1:19 am

  વેદના અને સંવેદના નો અદ્ ભુત સમન્વય..

  આ ગઝલ અહીં post કરવા માટે આભાર ધવલજી..

  રમેશ ! તારી કવિતા
  એ ઝાડને ફૂટેલું લીલેરુ પાદ છે.
  રમેશ ! તારી ગઝલ
  એ રણ પર ઊગેલો ચાંદ છે.

 3. rajul b said,

  June 13, 2012 @ 1:30 am

  રમેશ ! તારી કવિતા
  એ ઝાડને ફૂટેલું લીલેરુ પાંદ છે.
  રમેશ ! તારી ગઝલ
  એ રણ પર ઊગેલો ચાંદ છે.

 4. Pravin Shah said,

  June 13, 2012 @ 4:03 am

  અનેક રીતે સમૃદ્ધ કવિતા !
  ર.પા.ની એક માતબર ગઝલ !
  વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે !
  વાહ !

 5. sweety said,

  June 13, 2012 @ 7:26 am

  દીવાલ જેવી સલામત જગાઓ શોધીને,
  જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે.

  કેટલુ સાચુ

 6. neha said,

  June 13, 2012 @ 7:29 am

  વસન્ત ડાળી એ બેસે…ને ડાળ બટકે….
  ને મરણગતી…..નિશ્ચિત, એકધારી….ગતી…!
  અદભુત !!!!

 7. રાકેશ ઠક્કર, વાપી said,

  June 13, 2012 @ 8:24 am

  સરસ રચના !

  દીવાલ જેવી સલામત જગાઓ શોધીને,
  જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે.

 8. pragnaju said,

  June 13, 2012 @ 9:05 am

  અત્યાર સુધી ત્રણ શેરો માણેલા તમે બીજા બે શોધી લાવ્યા તેના અભિનંદન
  આજના મધુરા આસ્વાદ પછી ગઝલ માણવાની વધુ મઝા આવી પણ મન મત્લાથી આગળ વધતું નથી
  અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે,
  પછીથી હાથની રેખા બનીને અટકે છે.
  સ રસ અભિવ્યક્તી
  તેનો અણસાર પામવા મથતાને પહેલા તો ઝાંઝવા મળૅ
  અને ભક્તની વિરહવેદના શરુ થાય…
  સહજ ગુંજી ઉઠે
  હંસલા હાલો રે હવે મોતીડા નહિ રે મળે
  આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી ..મોતીડા નહિ રે મળે
  ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો, રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
  વાયરો વાયોરે ધીમો, માથે મેહુલાનો માર, દીવડો નહિ રે બળે … હંસલા હાલોરે હવે ..

  વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે, કે’જો રે ચુંદડી લાશે રે ઓઢાડે
  કાયા ભલે રે બળે, માટી – માટી ને મળે, પ્રીતડી નહિ રે બળે…હંસલા હાલોરે હવે …

  હંસલા હાલો રે હવે, મોતીડા નહિ રે મળે
  આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી ..મોતીડા નહિ રે મળે
  મોતીડા નહિ રે મળે… મોતીડા નહિ રે મળે… મોતીડા નહિ રે મળે
  અને સરળ માર્ગના દર્શન થાય!
  ભાગી જાવ દૂર શાને, આ સંસાર બનાવ્યો એણે;
  પકડ્યાં છે પગ એના શાને, તરછોડી જાય નહિ આઘો.
  ભુલા પડી ભટકો ભવરણે, છોડી ઝંઝાળ જગતની;
  મન હશે ચંગા તો ભરાશે કથરોટ ગંગા પાવન તણી.

 9. વિવેક said,

  June 13, 2012 @ 9:30 am

  સુંદર ગઝલ… પણ આસ્વાદ સાવ અનૂઠો અને મજાનો લાગ્યો…

 10. Maheshchandra Naik said,

  June 13, 2012 @ 1:33 pm

  બધા શેરો દ્વારા જીવન અને મૃત્યુની વાસ્તવિક્તાને સ્વિકરવાનુ ચિંતન મળી રહે છે….

 11. vishal said,

  June 14, 2012 @ 10:13 am

  Ek ghazal/kavita vaanchi hati, ghanaa varsho pehla, layastaro.com per.

  Chhokri e chhokra saathe hasi-majaak ne vaato kari, ane chhokra na dil ma chomasu bethu, varsaad na zaapta ne leelotari thai gai…etc. etc.

  aava kaink shabdo hata.

  Koi mane aa exact shodhi aapsho, to hu aapno khub khub aabhari rahish.

 12. naresh solanki said,

  January 29, 2013 @ 7:08 am

  સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment