હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું
ભરત વિંઝુડા

શબ્દને – ઘાયલ

શબ્દને તોડ્યો છે મેં ફોડ્યો છે;
તોડીફોડી યથેચ્છ જોડ્યો છે.

મારી રીતે મેં બાંધ્યો છે એને,
મારી રીતે મેં એને છોડ્યો છે.

સીધેસીધો નથી જો ખોડાયો,
ઉંધે માથે મેં એને ખોડ્યો છે.

શ્વાસે શ્વાસે મેં રૂંધ્યો છે એને,
રૂંવે રૂંવે મેં એને તોડ્યો છે.

શબ્દને મેં કદી ચૂમ્યો છે કદી,
જોરથી લાફો ગાલે ચોડ્યો છે.

મેં નથી માત્ર એના ગુણ ગાયા,
ધૂમ જાહેરમાં વખોડ્યો છે.

પીઠ પર એના સોળ છે ‘ઘાયલ’
શબ્દને મેં સખત સબોડ્યો છે.

– ઘાયલ

ગુજરાતીમાં આવી ગઝલ લખવાની તેવડ રાખનાર એક જ કવિ થયો છે અને એ છે ઘાયલ. બીજા કવિઓ શબ્દને પંપાળવાની વાત કરતા હોય છે જ્યારે ઘાયલ ? એ તો શબ્દને ગુલામની જેમ રાખવાની અને યથેચ્છ વાપરવાની વાત કરે છે ! ઘાયલસાહેબની રચનાઓમાં એમની ખુમારી ચારે બાજુ દેખાય છે. એમનું આ મુક્તક જુઓ તો ખ્યાલ આવશે કે ઘાયલની ખુમારી શું ચીજ છે ! લે ! અને શાનદાર જીવ્યો છું પણ સાથે જોવાનું ચૂકશો નહીં.

આડવાતમાં, ગઝલને તદ્દન જુદા અર્થમાં જુઓ તો ઘાયલસાહેબ ઉંઝાજોડણીની છાલ કાઢતા હોય એવું નથી લાગતું ?! આ અર્થ મનમાં રાખીને ગઝલ ફરી વાંચી જુઓ 🙂 🙂 🙂

7 Comments »

 1. ડો જગદીપ ર. ઉપાધ્યાય said,

  July 4, 2007 @ 8:58 am

  શાયર ઘાયલ દ્વારા આ ગઝલમાં શબ્દને ઘવાતો, ઘાયલ થતો અને ચૂમાતો જોઇને આ શબ્દ માટે મને બે શબ્દ અને રવિ ઉપાધ્યાયની એક શબ્દરચના ટાંકવાનું (ટાઇપ કરવાનું) મન થાય છે.
  …………
  આમ જોઇએ તો નિરવતા…. નિસ્તબ્ધતા… ખામોશી એ કોઇપણ પ્રકારના સંગીતનો ‘આત્મા છે.
  આ ‘ આત્મા ‘ પર જ્યારે પ્રહાર થાય કે આઘાત પંહોચે ત્યારે એમાંથી અવાજનું અજવાળું પ્રગટે છે. પ્રગટેલાં આ અજવાળાંને આપણે સહું નાદ તરીકે ઓળખીએ છીએ. આ નાદ આપણે સાંભળીએ ખરાં પણ એનો કોઇ અર્થ જ હોતો નથી. પરંતુ આ નાદ જ્યારે સપ્તસૂરોનાં ઇન્દ્રધનુષમાંથી ગળાઇને કે ચળાઇને બહાર નીકળે ત્યારે એ સ્વરનું રૂપ લઇ લે છે. સ્વરમાંથી પછી શબ્દ, વાક્ય, કડી ,પંક્તિ,ફકરો, લેખ, નિબંધ કે કાવ્ય જેવા ભાષાના વિવિધ ઘટકો સર્જાય. આમ જો કોઇપણ શબ્દમાં સ્વર સમાણાં હોય તો કોઇ પણ શબ્દની સમજ કે એની ઓળખ આપણને સ્વરથી પડી શકે છે.
  કહેવાય છે કે નાદ ખંડીત થઇ શકતો નથી એટલે એને ‘નાદબ્રહ્મ’ પણ કહેવાય છે.
  નાદબ્રહ્મ એટલે સપ્તકના માધ્યમથી અંતીમ વાસ્તવિકતાની આપણને થતી અનુભૂતિ.
  આપણા આ જડ શરીરની ચેતના અર્થાત આપણો આ જીવાત્મા એ બ્રહ્માંડનો એક અંશ છે.
  ‘અંશ’ જો કે એક પ્રમાણસૂચક શબ્દ છે. એટલે આપણે જો આ જીવાત્માનો ‘અંશ’ તરીકે ઉલ્લેખ કરીએ તો સ્વાભાવિક રીતે, સાહજીક રીતે આપણને સહુને એક ગણતરી કરવાનું મન થાય કે આ જીવાત્મા બ્રહ્માંડનો કેટલામો અંશ છે?
  ઉત્તર મળવો મુશ્કેલ છે. કારણ આ બ્રહ્માંડ અખિલ છે, અનહદ છે, અમાપ છે, અવિભાજ્ય છે…..
  તો આનો ઉકેલ શું?
  આનો ઉકેલ આપણને ઉપનિષદના આ કથનમાં મળી શકે…..
  કથન છે ” અહમ બ્રહ્માસ્મિ…” અર્થાત … હું પોતે જ બ્રહ્મ છું
  જો હું પોતે જ બ્રહ્મ હોઉં તો આ બ્રહ્મનો ભેદ પણ મને મારાં ભીતરથી મળી શકે છે જેમ કે કોઇ શબ્દની સમજ સ્વરથી પડે

  કોઇ શબ્દોની સમજ….

  કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે,
  બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે…..
  રામ છૂપાયાં નથી રામાયણે,
  ખોલશો જો દ્વાર તો અંતરથી મળે…
  કાષ્ટ્માં અગ્નિ છતાં દેખાય ક્યાં?
  ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે……
  પ્રેમનો સાચો પરિચય ત્યાગમાં
  ફૂલની પિછાણ તો અત્તરથી પડે…
  લાગણીનું પણ સદા એવું જ છે
  ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે…
  હોય શ્રધ્ધા તો દિસે ઇશ્વર ‘રવિ’
  રામ નામે સેતુ તો પથ્થરથી બને….

  કવિ: રવિ ઉપાધ્યાય, ગાયક: પાર્થિવ ગોહિલ, સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય,

  ઓડીયો વીડીયો સી.ડી. ‘મંઝિલને ઢૂંઢવા..’

 2. પંચમ શુક્લ said,

  July 4, 2007 @ 10:28 am

  ‘શબ્દ’ એ શબ્દ કવિઓનો બહુ પ્રિય શબ્દ હોય છે. એમાંય ઘાયલબાપા ‘શબ્દ’ને એમનાં અંદાજમાં સબોડે એટલે વાંચનાર, સાંભળનાર બધ્ધાને સોળ ઉઠે જ. બહુ મજાની ગઝલ છે.

  ધવલભાઇ, આ આડવાતનું કનેક્શન પણ ક્રિએટિવ છે! It is in itself a poetry.

  આ અગાઉ ‘લયસ્તરો’ પર શબ્દ ઉપર પ્રગટ થઇ ગયેલું એક કાવ્યઃ
  http://layastaro.com/?p=694

  આ જ રીતે આદિલસાહેબ પણ કહે છેઃ

  “એકેક ચપટા શબ્દના પોલાણને,
  અંદર જઈ જોઉં તપાસું,”

 3. ઊર્મિ said,

  July 4, 2007 @ 4:33 pm

  ગઝલ વાંચવાની અને બધ્ધાની વાતો વાંચવાની ખૂબ જ મજ્જા પડી ગઈ!! 🙂

 4. વિવેક said,

  July 5, 2007 @ 5:09 am

  શબ્દ વિશે એક ગઝલ, મારી ક્ષમતા પ્રમાણે અહીં પણ-

  http://vmtailor.com/archives/73

 5. tejas mehta said,

  February 4, 2009 @ 10:31 am

  ખુબ જ સરસ કવિતા , અને આ વેબસાઇટ પણ ખુબ જ રસ જગાવનારી છે. પણ આ કવિતા ઇ-મેલ રુપે મોકલી શકાય એવિ ગોઠવ્ણ કરો.

 6. Vaibhav Desai said,

  May 13, 2009 @ 2:12 am

  લયસ્તરો .com
  કવિતઓ નો ખુબ જ સુન્દર આસ્વાદ..!!
  ખરેખર ઇન્ટરનેટ નો સચા અર્થ મા સદઉપ્યોગ ..!!
  રોજે રોજ નવિ નવિ કવિતાઓ વાચવા મળે… એ ખુબ જ રસ્પ્રદ અને આનન્દ દાઈ છે.

  Jai Ho….!!!
  વૈભવ મુકેશ દેસાઈ.

 7. Vaibhav Desai said,

  May 13, 2009 @ 2:24 am

  ક્ષિતિજ પાર જોઉ છુ તો લાગે છે,
  સપનુ દોડ્તુ મારિ પાસે આવે છે…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment