ઈશ્વર એ પછી સહેજમાં સમજાઈ જશે
એકવાર અમો પોતાને સમજી લઈએ
ઓજસ પાલનપુરી

પરમ સખા મૃત્યુ :૦૮: ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૧

મૃત્યુ વિષયક ‘અમર’ શેરોનું સંકલન કરવું હોય તો બેફામ પહેલાં યાદ આવે. મક્તાના શેરમાં મૃત્યુને વણી લેવાનો એમનો ઉપક્રમ અભૂતપૂર્વ ગણાય છે. એક જ કવિ મૃત્યુની વાત કરે ત્યારે એના કેટકેટલા આયામ એ ચકાસે છે એ જાણવું હોય તો આ શેર-સંકલનમાંથી પસાર થવું ફરજિયાત છે…

બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ,
જગત છોડી ગયો હું એ પછી થઈ છે જગા મારી.

મારા મરણ ઉપર ને રડે આટલાં બધાં ?
બેફામ જિંદગીનાં બધાં દુઃખ વસૂલ છે.

કરી નક્કી ખુદાએ મારે માટે મોતની શિક્ષા.
ગુનાહ બસ એ જ કે હું જિન્દગાની લઈને આવ્યો છું.

જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત બેફામ,
કે હું આ આખી ધરતીને જ સમજું છું કબર મારી.

એમ વીતેલા દિવસને રોજ માગું છું ફરી,
કે જીવન પૂરું થયું છે ને મરણ મળતું નથી.

જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ,
ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી.

સરકતી જિંદગી, એ પણ વળી નશ્વર જગત પર છે,
હવે સમજાય છે અમને કે આ તો રેતીનું ઘર છે.

જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સૂવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.

બિચારા એ જ તો મારા મરણની રાહ જોતા’તા,
જનાજો કાઢજો બેફામ દુશ્મનની ગલીમાંથી.

મરણની બાદ પાછું એ જ જીવન માણીએ બેફામ
ખુદા પરવાનગી આપે તો જન્નતમાં જગત કરીએ.

જમાનાની હવા મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
હતાં જે ફૂલ એ ઊડી ગયાં મારી કબર પરથી.

જીવ્યો હું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મૂકીને ન કરજો મશ્કરી મારી.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે, કોઈ માનવ મસાણે છે.

કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.

ફકત એથી જ મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા થઈને.

કદાચિત્ મોત આવે એ પછી થઈ જાય એ પૂરી,
હજી હમણાં સુધી તો જિંદગી મારી અધૂરી છે.

જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?

કબરની સંકડામણ જોઈને બેફામ સમજી લો,
કે જન્નતમાં જવાના પંથ કંઈ પહોળા નથી હોતા.

વિશ્વાસ એવો મોતના રસ્તા ઉપર હતો,
બેફામ આંખ બંધ કરીને જતાં રહ્યાં.

આ ફૂલ, આ ચિરાગ, કબર પર વૃથા નથી,
બેફામ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.

બેફામ જાઉં છું હું નહાઈને સ્વર્ગમાં,
જીવન ભલે ન હોય, મરણ તો પવિત્ર છે.

વણીને શ્વાસ ને ઉચ્છવાસ બેફામ,
અદીઠું એક કફન પેદા કરું છું.

મોત જેમાં ફસાય છે બેફામ,
જિંદગી એવી જાળ લાગે છે.

નથી એ શ્વાસ કે એને સૂંઘી શકું બેફામ,
ન લાવો મારી કબર આસપાસ ફૂલોને.

એક સાથે ચીજ બે બેફામ પકડાઈ નહીં;
મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ.

મોતનીયે બાદ આ દુનિયા તો એની એ જ છે,
હા, ફકત બેફામ રહેવાની જગા બદલાઈ ગઈ.

– બરકત વીરાણી ‘બેફામ’

16 Comments »

 1. Dr jagdip nanavati said,

  December 11, 2011 @ 2:54 am

  ગઝલ રૂપ જીવનનો મક્તા મરણ છે
  કહે લોક એમાયે વાહ વાહ દુબારા

  મરેલા માનવી માફક જીવેલા આપણે
  હતી બસ આખરી ઈચ્છા કે જીવવું છે મરણ

  જીવતર કદાપિ ના, ભલા
  મૃત્યુ સદા ચિંરંજ છે
  જીંદગીમાં લઈ બધું લેવાની આદત ગઈ નહીં
  મોત પણ ખુદનું કરી પોઢી ગયો’તો સ્વાર્થી

  હતી ના કોઈ આબરૂ, કે ન ઇજ્જત
  અમસ્તી તેં પથ્થર ને ફુલોથી ઢાંકી

  ફિક્સ કઢાવી ઉભવાની મેં
  ચાર ગણી થઈ મળશે સુવા

 2. sweety said,

  December 11, 2011 @ 5:13 am

  વહા બેફામ સાબ
  મરણ વિસે આટલો સચોટ ખ્યાલ્!

 3. pragnaju said,

  December 11, 2011 @ 11:31 am

  મૃત્યુ વિષયક શેરોનું મઝાનું સંકલન

 4. Dhruti Modi said,

  December 11, 2011 @ 5:06 pm

  બેફામના મૃત્યુના શેરો ખૂબ પ્રખ્યાત છે, સુંદર સંકલન.

 5. Rina said,

  December 11, 2011 @ 11:21 pm

  awesome….

 6. Deval said,

  December 11, 2011 @ 11:49 pm

  મરીને પણ બધાની આંખ હું લુછી શકું બેફામ
  બધાના આંસુ ના ઉપયોગ માં આવે કફન મારું

  કબર કાયમ રહે બેફામ તો એમાં નવાઈ શી?
  જીવન ખર્ચી દીધું છે એટલી જાગીર ની પાછળ

  કફન નું નવું નક્કોર આ કપડું તો જુઓ બેફામ
  જવાને સ્વર્ગ માં કેવો સજાવી રહ્યો છું હું?!

  ખુદા કેવો દયાળુ છે કે આ દુઃખપૂર્ણ દુનિયા માં
  મરણ અમને દીધું બેફામ ને પોતે જીવન રાખ્યું!

  ના રખડાવશો કોઈ એના મરણ ને,
  કે બેફામ ની એ તો અંતિમ વિધિ છે.

  ભવ્ય કેવું હતું મૌત બેફામ નું,
  તે દિને દુશ્મનો માં ઉજાણી હતી.

  જો મળવું હોય, બેફામ ની કબર પર જા,
  હવે એ રખડું નથી કે તને બધે જ મળે.

 7. Deval said,

  December 11, 2011 @ 11:50 pm

  trija sher ni biji pankti ma sajavaai rahyo chhe…typing mistake 🙂

 8. વિવેક said,

  December 12, 2011 @ 1:52 am

  બેફામના બીજા શેર મૂકવા બદલ આભાર, દેવલ !

 9. Deval said,

  December 12, 2011 @ 3:04 am

  @વિવેક સર ઃ પ્લેઝર્… ઃ)

 10. Vikram thakkar said,

  December 12, 2011 @ 12:38 pm

  મોત ની ગઝલ બધાને સારિ લાગે
  પણ મોત કોઈ ને સારિ નથી લાગતી
  એનુ શૂ કારણ

 11. ધવલ said,

  December 13, 2011 @ 10:36 pm

  જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ,
  ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી.

  – વાહ !

 12. Chandrakant Lodhavia said,

  December 13, 2011 @ 11:51 pm

  December 11, 2011 at 12:30 am by વિવેક · Filed under બેફામ, મૃત્યુ વિશેષ, શેર, સંકલન

  બેફામ ના આ શેરોને વાંચતા કવિઓનો મૃત્યુ તરફ જોવાનો એક વિશેષ દૃષ્ટિકોણ સમજાય છે. દિગંબર જૈન લોકો ના સંતો તો કહે છે કે “મૃત્યુ એક મહોત્સવ” છે.

  એક એક શેર જીંદગી ને મોત ની ફીલોસોફીની સફર કરાવે છે. હવે આ શેર ઉપર વધુ લખવાની તાકાત જ રહી નથી.

  ચન્દ્રકાન્ત લોઢવિયા,

 13. Daxesh Contractor said,

  December 14, 2011 @ 2:43 pm

  વાહ .. મજાનું સંકલન.

 14. Niraj said,

  December 17, 2011 @ 9:46 am

  બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું ?
  નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
  – બરકત વીરાણી ‘બેફામ’

  આભાર!!

 15. anup desai said,

  December 20, 2011 @ 7:03 pm

  પ્લિઝ સેન્દ મિ થિસ ગઝ્લ અત મ્ય એ-મૈલ્

 16. લયસ્તરો » ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૩ said,

  December 24, 2011 @ 12:17 am

  […] બેસીએ તો એક આખું પુસ્તક તૈયાર થઈ જાય. બેફામ અને મનોજ ખંડેરિયા પછી આજે આ ત્રીજું […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment