ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા,
કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી !
બેફામ

કવિતા વિશે ત્રણ રચનાઓ – જયન્ત પાઠક

(૧)
મારી પોથીનાં પાનાંમાં છે
મેં લખેલી કવિતા; ને
એનાં વચવચ્ચેનાં કોરાં પાનાંમાં છે
મેં નહીં લખેલી કવિતા – જે
વાંચશો તો
મારી લખેલી કવિતાને વધુ પામશો;
કદાચ તમને એમ પણ થાય
કે
મેં લખેલી કવિતા ન લખી હોત તો સારું
મેં નહીં લખેલી કવિતા લખી હોત તો સારું.

(૨)
કવિતા !
એકલા કવિથી એ ક્યાં પૂરી લખાય છે !
ભાવક એને સુધારીને વાંચે છે
વાંચીને સુધારે છે
ત્યારે જ તે પૂરી થાય છે !

(૩)
જેણે કાવ્ય કર્યું તેણે કામણ કર્યું !
હવે તમને પેલા પીપૂડીવાળાની પાછળ પાછળ
દોડવામાં ક્ષોભ નથી;
હવે મજા આવે છે – આગળ આગળ
દરિયામાં ડૂબકી દઈને
પાતાળલોકમાં પહોંચી જવાની !

– જયન્ત પાઠક

જેમ ઈશ્વરની, એમ કવિતાની વિભાવનાના મૂળમાં જવાની મથામણ માણસ સતત કરતો રહેવાનો. જેમ ઈશ્વર, એમ કવિતા વિશેનું સત્ય પણ દરેક કવિનું સાવ નોખું હોઈ શકે. એક જ કવિનું કવિતા વિશેનું સત્ય પણ અલગ અલગ સમયે અલગ હોઈ શકે. જયન્ત પાઠકની જ કવિતા વિશેની કવિતા અને કવિતા ન કરવા વિશે કવિતા – બંને આ સાથે ફરીથી માણવા જેવા છે.

6 Comments »

 1. vijay joshi said,

  October 28, 2011 @ 8:02 am

  અતિ સુંદર કલ્પના લપેટી છે સુંદર શબ્દોમાં.
  અહીં અમેરિકામાં આ દિવાળીમાં મેં એક હાઇકુ રચ્યું છે. પ્રસ્તુત કરું છું.
  આવી દિવાળી
  લાવી પુરાણી યાદો
  પરદેશમાં!

 2. pragnaju said,

  October 28, 2011 @ 8:57 am

  ત્રણેય અછાંદસ ખૂબ સુંદર
  જેણે કાવ્ય કર્યું તેણે કામણ કર્યું !
  જ્યારે કાવ્યો ગીત બની જાય,
  તેમા ઠુમરી નો પ્રભાવ હોય તો માનવીની તમામ સંવેદનાઓનો સમન્વય થાય છે.
  મરશિયા જેવી ભક્તિભાવથી ભરેલી રચનાઓથી લઇને ઉત્તેજના જગાવતી રચનાઓ
  પણ સામેલ થાય . વળી ક્યારેક તેમાં શાસ્ત્રીય રાગના વિવિધ રંગોનો સમન્વય થાય
  પછી તો ગામડાંના અભણ લોકો પણ ગીતો ગાય !
  જેમાં ધાર્મિક અને સામાજિક રૂઢીગતતા સામે આંતરિક દૈવત્વ અને બળવાખોર પર ભાર
  મૂકે તો કવિતાઓએ ગુ ણ વ ત્તા ય…

  પછી

  હવે તમને પેલા પીપૂડીવાળાની પાછળ પાછળ
  દોડવામાં ક્ષોભ નથી;
  હવે મજા આવે છે – આગળ આગળ
  દરિયામાં ડૂબકી દઈને
  પાતાળલોકમાં પહોંચી જવાની !

 3. Dhruti Modi said,

  October 28, 2011 @ 4:18 pm

  કવિતાની જાદુગરી જાણવાની મઝા પડી. ત્રણે અછાંદસ સુંદર થયા છે.

 4. praheladprajapatidbhai said,

  October 29, 2011 @ 4:25 am

  સરસ્

 5. Anal Shah said,

  November 15, 2011 @ 1:18 am

  વિજય ભાઈ એ ખુબ સુન્દર હાયકુ લખ્યુ.

  એકલતા મા
  સામ્પડૅ સ્વજનની
  યાદો “વિજય”

 6. vijay joshi said,

  November 15, 2011 @ 1:33 pm

  આભાર, અનલ ભાઈ.

  ૨- કવિતા
  બહુ સુંદર,
  કવિતા એટલે મનના વિચારોનો શબ્દોમાં પુનર્જન્મ!
  દરેક બાળક તેના માં બાપને તો ઉત્તમ જ લાગે, એવું જ કવિતાનું
  મને એક મારું બીજું હાઇકુ યાદ આવે છે.
  કવિ અને પંખી ઉડે બંને
  એક પાંખથી બીજો આંખથી!

  વિજય જોશી ‘શબ્દનાદ’

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment