તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.
વિવેક ટેલર

ન શક્યો – મરીઝ

છે ફરજ પ્રેમની સાચી તે બજાવી ન શક્યો,
રહ્યો હું મુંગો છતાં ભેદ છુપાવી ન શક્યો.

જોતજોતામાં મેં દુનિયાને મનાવીય લીધી,
તમે કારણ વિના રૂઠ્યા છો,માનવી ન શક્યો.

ઝાડ તો રોપી શક્યો મારા જીવન-ઉપવનમાં,
ફૂલ કોઈ એની ઉપર હાથે ખિલાવી ન શક્યો.

જિંદગી વેડફી દીધી તેનું કારણ એ છે,
તક હતી એટલી મોટી કે પચાવી ન શક્યો.

સામે મંઝિલ હતી જોયા કીધી,જોયા જ કીધી;
હતી હિંમતમાં ઊણપ,પગ હું ઉઠાવી ન શક્યો.

એના અન્યાયની વાતો તો ઘણી કીધી ‘મરીઝ’,
હતા દુનિયાના જે ઉપકાર ગણાવી ન શક્યો.

Psychology ની દ્રષ્ટિએ રસપ્રદ ગઝલ છે. મક્તાને બાદ કરતા તમામ શેરમાં એક સમાન ભૂમિકા દ્રષ્ટિગોચર થાય છે- શું કરવાની જરૂર છે તે શાયર જાણે છે, ક્યાંક શરૂઆત પણ કરે છે, પરંતુ કંઈક ઉણપ છે…..મંઝિલને પામી નથી શકતો. શું પ્રિયતમાના સાથનો અભાવ કારણભૂત છે (….કે પછી પ્રિયતમાનો સાથ કારણભૂત છે ?!) ? ચોથા શેરમાં એક શાયર એક ઈંગિત કરે છે. Desire > Effort > Success > Fulfillment > More desires … તેમજ Desire > Effort (or lack of it) > Failure > Frustration > Inertia  … – આ વિષચક્રમાંથી ભાગ્યે જ કોઈ છૂટી શક્યું છે.

7 Comments »

  1. વિવેક said,

    July 17, 2011 @ 2:02 AM

    સુંદર ગઝલ ! બધા જ શેર સરસ !

  2. Rina said,

    July 17, 2011 @ 2:05 AM

    લયસ્તરોમાં આપ કવિતાનો આસ્વાદ કરાવો છો એ માટે આભાર.
    it really helps in understanding the poem.
    thank you so much.

  3. ધવલ said,

    July 17, 2011 @ 10:03 AM

    સામે મંઝિલ હતી જોયા કીધી,જોયા જ કીધી;
    હતી હિંમતમાં ઊણપ,પગ હું ઉઠાવી ન શક્યો.

    વાહ ! તદ્દ્ન ખરી વાત છે !

  4. DHRUTI MODI said,

    July 17, 2011 @ 5:35 PM

    સરસ ગઝલ. માનવી પોતે જ આત્મવિશ્વાસની ઊણપથી ઘણું ગુમાવે છે ઍ વાત મરીઝે પોતાની વાત કહીને ગઝલમાં સરસ રીતે રજૂ કરી છે, ઍમની નિખાલસતાને સલામ.

  5. Kalpana said,

    July 17, 2011 @ 6:44 PM

    તક ઝડપવી હોય તો તત્પરતાનો તણખો સાચા સમયે ન થયો તો પછી ગાવું રહ્યું,”સબકુછ સીખા હમને ન સીખી હોશીયારી”. તક સમય સર ઉઠાવે તે ફાવે, નહિતો નસીબ એને ઉથલાવે.
    એકદમ સાચા મનના પારદર્શક માનવી આ તક ચૂકી જતા હોય છે.
    મંઝિલ હતી જોયા કરી, જોયા કરી, જોયા કરી……

    કરુણ લઝલ
    આભાર

  6. Maheshchandra Naik said,

    July 24, 2011 @ 6:13 PM

    ટકો મળશે તક મળે નહી એવુ વડવાઓ કહેતા હતા………………….
    સામે મંઝિલ હતી જોયા કીધી, જોયા જ કીધી,
    હતી હિંમતમા ઊણપ, પગ હું ઉઠાવી ન શક્યો
    સાચી વાત સરસ ગઝલ દ્વારા………….

  7. નીરવ પટેલ said,

    August 25, 2011 @ 10:09 AM

    જોતજોતામાં મેં દુનિયાને મનાવીય લીધી,
    તમે કારણ વિના રૂઠ્યા છો,માનવી ન શક્યો.

    વાહ ! તદ્દ્ન ખરી વાત છે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment