સુખ જેવું જગમાં કંઈ નથી, જો છે તો આ જ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.
જલન માતરી

‘गमन’ ફિલ્મ જોયા પછી – ભગવતીકુમાર શર્મા

जब से गये हैं छोड के साजन बिदेसवा
કજરી સૂની સૂની અને સૂમસામ નેજવાં.

छू के जो उन को आती है बम्बई से ये हवा,
પુનરાગમનનો એય ક્યાં લાવે સંદેસવા?

पैसे, ख़तों- क़िताब, अंगूठे से दस्तख़त,
વેઢા ગણી ગણી હવે થાક્યાં છે ટેરવાં.

बम्बई की काली सडकों पर रफतारे-टॅक्सी,
હડફટમાં આવી જાય છે સ્વપ્નો નવાંસવાં.

कोडे़ बरस रहे हैं मुहर्रम में जिस्म पर,
શ્વાસોના રણમાં લોહીનાં ઊડે છે ઝાંઝવાં.

– ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્મા ભલે પોતાની જાતને આંધી વચ્ચે તણખલાંના કે તુચ્છ ઘટનાના માણસ લેખાવતા હોય, કવિ તરીકે એમનું પદાર્પણ અનન્ય છે. પત્રકાર તરીકે દિન-રાત શબ્દોની સાથે પનારો પડતો રહેતો હોવા છતાં પોતાનો કવિ તરીકેનો શબ્દ ઘસાઈ ન જાય એ માટે એમણે સતત કાળજી રાખી છે. ભગવતીકુમારની કવિતા એ પરંપરા અને આધુનિક્તાના સુભગ સમન્વયનું જ્વલંત ઉદાહરણ છે. રૂઢીની ધરતીમાંથી અરુઢતાનો છોડ કેવો ઊગે એ જોવું હોય તો એમની કવિતાઓ તરફ જોવાની ફરજ પડે. પહેલી નજરે દ્વિભાષી ભાસતી આ ગઝલમાં હકીકતે હિંદી, ગુજરાતી ઉપરાંત ક્યાંક ક્યાંક बिदेसवा જેવો વ્રજભાષી શબ્દ, ક્યાંક रफतारे-टॅक्सी જેવો ઉર્દૂ શબ્દ-પ્રયોગ તો ક્યાંક टॅक्सी જેવો અંગ્રેજી શબ્દ પણ નજરે ચડી જાય છે અને આ બધા જ એવી સાહજીકતાથી વણાઈ ગયા છે અહીં કે આ ગઝલ પ્રયોગાત્મક ગઝલ છે એવો તો ભાવકને અહેસાસ થતો જ નથી. (અને આ પ્રયોગ પાછો ઠેઠ 1979ની સાલમાં થયો છે!)

2 Comments »

 1. ધવલ said,

  March 3, 2007 @ 8:38 pm

  \’ગમન\’ માનસિક રીતે બહુ જ અકળાવનારી ફીલ્મ હતી. ભાષાના સિમાડાને તોડીને એ અકળામણને પકડવાનો અહીં પ્રયાસ છે. અને સફળ છે. પહેલી વાર વાંચો તો જરા વિચિત્ર લાગે પણ બે-ચાર વાર વાંચ્યા પછી ભાષાનો બદલાવ નડતો નથી.

  આ વાંચીને વિચાર આવ્યો… બીજી કેટલી એવી ફીલ્મો યાદ આવે છે કે જેના પર ગઝલ લખી શકાય ? … અર્ધસત્ય ? રંગ દે બસંતી ? દો બીઘા જમીન ? ગર્મ હવા ? અંકુશ ?

 2. Naimesh Nanavaty said,

  December 3, 2009 @ 1:28 pm

  અદભૂત પ્રયોગ! પણ માત્ર પ્રયોગાત્મક નહી કાવ્યાત્મક. વાહ સાથે આહ પણ પડઘાય ભાવકની દાદમા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment