કદીક મન થશે અણનમ સરોને ઝૂકવાનું
આ પથ્થરો અને ઈશ્વર કશું નકામું નથી.
-રઈશ મનીઆર

અંગત અંગત : ૧૨ : વાચકોની કલમે – ૦૮

મરાઠી માનુસ હોવા છતાં ગુજરાતી ગઝલમાં પોતાનો ‘માર્ક’ છોડી શકનાર કેટલાક કવિઓમાં હેમંત પુણેકર પણ મોખરાનું સ્થાન ધરાવે છે. એમના સો ટચના સોના જેવા ‘હેમકાવ્યો‘થી આપણે સહુ પરિચિત છીએ. આજે એમની જ એક ગઝલ હારોહાર એમના કવિજીવનના વળાંકોથી પરિચિત થઈએ…

*

ગયાં સૌ સપન એ વિસારે ગયાં
નિશાના નિશાનો સવારે ગયાં

મળી છાંય દિલનેય ટાઢક મળી
બપોરે સજનના ઇશારે ગયા

સમી સાંજ ને યાદ ખંજર સમી
અમે તો તમારા વિચારે ગયા

પડી રાત રાહો નિરાંતે પડી
પ્રવાસી બધાયે ઉતારે ગયા

ભર્યા શ્વાસને લો તમે સાંભર્યા
દિવસ રાત એના સહારે ગયા

– હેમંત પુણેકર

કૉલેજકાળ (૧૯૯૬-૨૦૦૦) માં ક્યારેક અછાંદસ કવિતા લખતો. પછી ઉચ્ચશિક્ષણ અને વ્યવસાયને કારણે કવિતા સાથે સંપર્ક તૂટી ગયો. ૨૦૦૬માં વિવેકભાઈની સાઈટ “શબ્દો છે શ્વાસ મારા” જોયા પછી બ્લૉગજગતનો પરિચય થયો અને મારી જૂની રચનાઓ પોસ્ટ કરવાના ઇરાદાથી મેં મારો બ્લૉગ હેમકાવ્યો બનાવ્યો.

ગુજરાતી બ્લૉગજગતને કારણે ઘણા વર્ષો પછી હું ગુજરાતી કવિતાના સંપર્કમાં આવ્યો. લયસ્તરો અને ટહુકો જેવી સાઈટ્સ પર અનેક નામી અનામી કવિઓની કવિતાઓ વાંચવા મળી. સારી કાવ્યકૃતિઓ સાથે સંપર્ક વધ્યો અને મારી સુષુપ્ત સર્જનશીલતા ફરીથી સળવળી. ફરી કવિતા લખવાનું ચાલુ કર્યું ત્યારે ગઝલસદૃશ રચનાઓ લખતો – ફક્ત રદિફ-કાફિયા સંભાળતો – પણ છંદ વિશે બહુ જાણકારી નહોતી. મોહમ્મ્દ અલી ભૈડુ “વફા” સાહેબના બ્લૉગ પરથી છંદો વિશે જાણકારી વાંચીને ફક્ત ગમ્મત ખાતર આ રચના લખી. ત્યારબાદ છંદબદ્ધ ગઝલો લખવાનો સિલસિલો ચાલુ થયો જે આજેય ચાલે છે અને એવું લાગે છે કે હવે આજીવન ચાલુ જ રહેશે.

12 Comments »

 1. હેમંત પુણેકર said,

  December 16, 2010 @ 2:34 am

  વિવેકભાઈ, મારી વાત અહીં સમાવવા બદલ ધન્યવાદ!

  એક વાતની નોંધ કરવાની ઈચ્છા થાય છે. જ્યારે આ ગઝલ લખી ત્યારે છંદમાં લેવાતી “છૂટછાટ” અંગે કોઈ જાણકારી નહોતી. એટલે આ ગઝલમાં એક પણ ગુરુનો લઘુ કરેલ નથી. (રદીફમાં અનુસ્વારની છૂટ લેવાઈ છે પણ એ લઘુગુરુની નથી) હવે તો “છૂટછાટ” ની એવી ટેવ પડી ગઈ છે કે કદાચ આટલી ૧૦૦% શુદ્ધતા અશક્ય લાગે છે.

 2. કુણાલ said,

  December 16, 2010 @ 5:22 am

  મજાની ગઝલ .. અને કવિજીવનના વળાંકો જાણવાનું પણ ગમ્યું…

 3. Pushpakant Talati said,

  December 16, 2010 @ 5:39 am

  શ્રી હેમંત પુણેકર ભાઈ ને ;-

  સહુથી પ્રથમ નંબર ઉપર જ હેમંતભાઈ; આપની કોમેન્ટ જોઈ આનંદ થયો . આપ જણાવો છો કે – આપે આ ગઝલ લખી ત્યારે છંદમાં લેવાતી “છૂટછાટ” અંગે કોઈ જાણકારી નહોતી. એટલે આ ગઝલમાં એક પણ ગુરુનો લઘુ કરેલ નથી. – BUT FURTHER YOU STATE THAT હવે તો “છૂટછાટ” ની એવી ટેવ પડી ગઈ છે કે કદાચ આટલી ૧૦૦% શુદ્ધતા અશક્ય લાગે છે.

  તો ભાઈ આપને જણાવવાનું કે છુટછાટ UNAVOIDABLE હોય તો વાત અલગ છે બાકી આપની કલા અજમાવીને તથા થોડી મસ્સકત અને પ્રયત્ન કરીને પણ છુટછાટ વગર જ નિયમોને આધિન જ રચનાની રચના કરો તેવી મારી આપને વણ-માંગી સલાહ છે. કારણ કે નિયમોનું પણ એક આગવું મહત્વ છે. તે આપને જરૂર return આપશે. તો નિયમોનો કૈફ જાળવવા મારૂં સુચન છે.

  Please Take It Easy . – O. K. – P. M. Talati

 4. devika dhruva said,

  December 16, 2010 @ 8:24 am

  હેમંતભાઈની રચનાઓ એટલે સો ટચનું સોનુ..વાંચવાની ખુબ ગમે.એનું સાચું રસદર્શન તો જુ.કાકા જેવા મહારથી જ કરી શકે.

 5. સુનીલ શાહ said,

  December 16, 2010 @ 8:41 am

  વાત ગમી..

 6. pragnaju said,

  December 16, 2010 @ 9:57 am

  મળી છાંય દિલનેય ટાઢક મળી
  બપોરે સજનના ઇશારે ગયા

  સમી સાંજ ને યાદ ખંજર સમી
  અમે તો તમારા વિચારે ગયા
  હેમંતની આ ગઝલ સંવાદ જેવી લાગતી હોય પણ ખરેખર એ સ્વગત જેવી લાગે છે. માણસ એકલો એકલો પોતાની પ્રિય વ્યક્તિ સાથે વાત કરતો હોય, વાદવિવાદ કરતો હોય, સંવાદ કરતો હોય-એના જેવું લાગે છે.આવી અંગત લાગણી એમના શેરથી
  ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે
  પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે
  મહેનત, ધગશ અને યોગ્ય માર્ગદર્શનથી આવી સુંદર પ્રગતિ અને સિદ્ધિ માટે કોઈ ઉંમર નાની નથી હોતી.

 7. Ramesh Patel said,

  December 16, 2010 @ 12:25 pm

  શ્રી હેમંતભાઈ
  આપને આદરણીય શ્રી સુરેશભાઈ દલાલ જેવા સાહિત્યવિદે પણ બીરદાવ્યા છે અને ગુજરાતી
  સાહિત્યના એક સીતારા આપ છો. ખૂબખૂબ અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 8. rekhasindhal said,

  December 16, 2010 @ 1:06 pm

  ધન્યવાદ!

 9. dHRUTI MODI said,

  December 16, 2010 @ 2:30 pm

  સુંદર ગઝલ. જીવન વળાંકની સરસ વાત.

 10. અનામી said,

  December 16, 2010 @ 9:46 pm

  સુંદર ….બધા જ શેર સુંદર થયા છે….

 11. Pinki said,

  December 17, 2010 @ 1:09 am

  સવારથી નિશાની સફર આનંદદાયી !

  ગુજરાતી ગઝલ અને કવિતા માટે ચોક્કસ કહેવાનું મન થાય છે,
  હવે તો, દિવસ રાત એના સહારે ગયા 🙂

 12. dr.bharat said,

  December 17, 2010 @ 7:46 am

  સુંદર ગઝલ.
  શ્રી હેમંતભાઈ તથા શ્રી વિવેકભાઈ બંને માં ઘણીબધી સામ્યતા!
  સતત શીખતા રહેવું,પરફેક્ટ બનવું,સૌમ્ય રહેવું વિ.વિ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment