હશે કોઈ માણસનું ઘર આ જગા પર,
અહીં કોઈ પંખી નથી કે નથી નીડ
મુકુલ ચોક્સી

હું હજી પણ ત્યાં જ ઊભો છું – શોભિત દેસાઈ

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

તને આગળ ને આગળ હું હજી જોયા કરું અથવા
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

ચણાયા કાકલૂદી પર થરતી જ્યોતના કિસ્સા
દીવાની જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

– શોભિત દેસાઈ

ચોધાર વરસતા વિષાદથી પલળેલી આ ગઝલમાં કવિ એક પછી એક શેરમાં જ્યારે ‘હું હજી પણ ત્યાં જ ઊભો છું’ ઘૂંટે છે ત્યારે હ્રદય પર ચાસ પાડતા હોય એવી લાગણી થઈ આવે છે. પોતાની લાચારીની વાત કવિ તદ્દન નિર્દયતાથી કરે છે. અહીં કોઈ ફરિયાદ નથી, કોઈ કારણ નથી, કોઈ આરો નથી કે કોઈ સહાનુભૂતિ નથી. છે તો માત્ર પલળવા, ચગળવા, કથળવા, બળવા ને છેલ્લે પીગળવાની વાત છે. મીણના પૂતળાઓને આનાથી વધારે કોઈ હક નથી.

3 Comments »

 1. Jayshree said,

  August 8, 2006 @ 2:50 am

  એવુ તે કેવું ? આટલી સરસ ગઝલ… પણ ‘વાહ..!’ . એવું લખવાની ઇચ્છા નથી થતી… આટલું દર્દ જ્યાં છલકાતું હોય ત્યાં ‘વાહ..’ તો કેવી રીતે બોલાય….??

 2. સુરેશ જાની said,

  August 8, 2006 @ 9:56 am

  શોભિત દેસાઇનો પોતાનો માનીતો શેર-

  આકાશ તો મળ્યું પણ ઊડી નથી શકાતું.
  પિજરને તોડવામાં પાંખો કપાઇ ગઇ છે.
  સરવૈયું માંડી બેઠા તો સત્ય એ મળ્યું છે,
  આ જિંદગી જ ન્હોતી, તો પણ જીવાઇ ગઇ છે.

  ત્રીજા શેરમાં ‘કથાળતો’ ની જોડણી સુધારશો.

 3. UrmiSaagar said,

  August 12, 2006 @ 4:02 pm

  I agree with Jayshree… 100%

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment