ટૂંકી ટચરક વાત, કબીરા,
લાંબી પડશે રાત, કબીરા.

જીવ હજીએ ઝભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત, કબીરા.

ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

મનુષ્ય એક નદી છે – દિનેશ ડેકા ( અનુ. અનન્યા ધ્રુવ)

દરેક જગા દુઃખથી ભરેલી રાત છે
સાંજને સમયે
કંસના અત્યાચારથી દેવકીની દુઃખભરી રાત
નથી વીતતી નથી સવાર થતી

વેગપૂર્વક આવે છે
હૃદયની વચ્ચેથી અંધકાર

દેવકીની રાત નથી વીતતી નથી સવાર થતી

એવો જ આવે છે કોઈ સમય
માણસે સેવેલાં સપનાંને મસળીને
દાટી દે છે એની ઇચ્છા અને અભિલાષા

તો પણ મનુષ્ય એક નદી છે
દુઃખ અને યાતનાને સહીને પણ
એ નદી વહેતી રહે છે
ઉજ્જડ ખીણોમાં થઈને અનંતકાળ સુધી

મનુષ્ય એક નદી છે
એ લઈ આવે છે
દેવકીની દુઃખની રાતના બંધન કાપીને
નંદોત્સવના સમાચાર

– દિનેશ ડેકા (અસમિયા)
(અનુ. અનન્યા ધ્રુવ)

છે મનુષ્યજીવનની ઘટમાળ એવી, દુઃખ અધિક, સુખ અલ્પ થકી ભરેલી. આપણી ઇચ્છા, સપનાં અને અભિલાષા મૂલતઃ આપણને પૂરા સુખી થવા દેતા નથી. આ એક એવી કાળી રાત છે જે પસાર થવાનું નામ જ લેતી નથી જાણે કે કંસના કારાગારમાં દેવકી પર થતો અત્યાચાર ન હોય ! આ સાંજ સ્થિર જાણે કે સમયનો થીજી ગયેલો ચોસલો છે પણ મનુષ્યજીવન થીજી જતું નથી એ તો નદીની જેમ વહેતું રહે છે. ભલે આ નદી અનંતકાળ સુધી ઉજ્જડ અંધારી ખીણમાં કેમ ન વહ્ય કરતી હોય પણ એ વહ્યા કરે છે કારણ કે એને ખતરી છે કે આ નદીપારથી જ નંદોત્સવના, સુખના સમાચાર આવવાના છે…

8 Comments »

 1. અનામી said,

  March 20, 2010 @ 7:00 am

  ઠીક છે………….

 2. pragnaju said,

  March 20, 2010 @ 7:31 am

  દેવકીની દુઃખની રાતના બંધન કાપીને
  નંદોત્સવના સમાચાર
  સરસ
  સુખ અથવા દુઃખ એક ખ્યાલથી વિશેષ કશું નથી. સુખ એ કંઈ સામેની વ્યક્તિના ગળામાંથી નીકળતા અવાજ જેવી વસ્તુ નથી જે મારામાં પ્રવેશ કરે છે. સુખ કે દુઃખ એ મારી અંદર છે. મતલબ કે સુખી હોવું કે દુઃખી હોવું એ એક શુઘ્ધ માનસીક પરિસ્થિતિ છે. જે મનુષ્યનું પોતાના માનસ ઉપર નિયંત્રણ હોય તેને તમામ બાહ્ય પરિબળો ભેગા થઈને પણ દુઃખી ન કરી શકે. મતલબ કે સુખી રહેવું કે દુઃખી રહેવું એના માટે માત્ર તમે એકલા જ જવાબદાર છો. કઈ માનસીક સ્થિતિમાં રહેવું એ પસંદ કરવા તમે સ્વતંત્ર છો. આ ત્યારે શક્ય બને છે જ્યારે તમારી ઈન્દ્રીયો દ્વારા તમારા શરીરમાં અને મનમાં બાહ્ય જગત તરફથી જે કંઈ પ્રવેશ મેળવે છે તે બાબતોને કેટલું મહત્ત્વ આપવું એ નક્કી કરવાનું તમારા હાથમાં હોય.
  મનના અત્યંત ગુંચવાડાભર્યા ભાવ- પ્રતિભાવ, આઘાત- પ્રત્યાઘાતની સમજ આવી જાય તો જીવનની દુઃખી ક્ષણોમાંથી પસાર થવાનું બહુ સરળ બની જાય છે. મનુષ્યની તકલીફ એ છે કે તે એમ માને છે કે સુખ અથવા દુઃખ એ બહાર છે- બીજી વ્યક્તિ અથવા બાહ્ય જગત ઉપર નિર્ભર છે. તે માને છે કે સુખ બહારથી અંદર આવે છે. દુઃખી રહેવા માટેની આ આદર્શ માન્યતા છે. બીજી વ્યક્તિ ઉપર અથવા બાહ્ય જગત ઉપર નિર્ભર રહેવાથી જે ‘સુખ’ મળે છે તે વાસ્તવિક નથી કારણ કે એ સુખની બીજી બાજુએ દુઃખ ચોંટેલું છે. એટલે જ્યારે સુખની અપેક્ષા દુઃખ આવે છે ત્યારે મનુષ્યની તકલીફ મુંઝવણ વધી જાય છે

 3. Girish said,

  March 20, 2010 @ 9:44 am

  સરસ

 4. Girish Desai said,

  March 20, 2010 @ 11:02 am

  જીવન કેરી સરિતાના જળને કહેવાયે છે આશા
  તન મન કેરા બે કિનારા ‘ને છે કાળ તણી મર્યદા.
  ૧૨-૨૬-૦૩

 5. vihang vyas said,

  March 20, 2010 @ 11:37 am

  Saras.

 6. Girish Parikh said,

  March 20, 2010 @ 1:33 pm

  I enjoy Pragnajubahen’s writings. Please keep writing & posting.
  – – Girish Parikh
  “આદિલના શેરોનો આનંદ મન ભરીને માણો અને વહેંચોઃ
  http://www.girishparikh.wordpress.com

 7. vajesinh said,

  March 22, 2010 @ 5:10 am

  દેવકીનું રૂપક પ્રતીકાત્મક રીતે કાવ્યમાં નિરૂપાયું છે. દુખ છે, સનાતન છે. છતાં અનંતકાળથી માણસ દુખથી ડર્યા વગર એનો સામનો કરે છે. એની આ અનંતકાળ લગી સહન કરવાની પ્રકૃતિ જ અંતે નંદોત્સવ એટલે કે કૃષ્ણ જન્મોત્સવ એટલે કે આનંદોત્સવનું નિર્માણ કરે છે. પહેલા અંતરામાં દુખની નિયતિનું પ્રાબલ્ય અને છેલ્લા અંતરામાં માનવપ્રકૃતિનું મહાત્મ્ય – બંને ચેતનાઓને- વિરોધાવીને સરસ કાવ્યચમત્કૃતિ ઊભી કરી છે. ગમી જાય એવું કાવ્ય. રાજેન્દ્ર શાહ ( બીજા સંદર્ભમાં) પણ યાદ આવી જાય- ભાઈ રે, આપણા દુખનું કેટલું જોર…

 8. Pinki said,

  March 22, 2010 @ 7:52 am

  વાહ્.. સરસ કાવ્ય !

  આપણી હકારાત્મક વિચારધારાઓ જ નંદોત્સવ એટલે કે આનંદોત્સવનું સ્વાગત કરી શકે. બાકી તો દરેક જગા દુખથી ભરેલી રાત માત્ર… પણ આ રાત્રિનો અંધકાર આપણે દૂર કરવો જ રહ્યો.

  વજેસિંહભાઈએ પણ સરસ સમજાવ્યું !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment