બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર,
ઉપર-ઉપરથી ફકત હાલચાલ નોખા છે.
વિવેક ટેલર

પહેલા એ લોકો… – માર્ટિન નાઈમુલર

નાઝીઓ જ્યારે સામ્યવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સામ્યવાદી નહોતો.

એ લોકો જ્યારે સમાજવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સમાજવાદી નહોતો.

એ લોકો જ્યારે કામદાર યુનિયનવાળાઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું કામદાર યુનિયનવાળો નહોતો.

એ લોકો જ્યારે યહુદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું યહુદી નહોતો.

એ લોકો જ્યારે મને પકડવા માટે આવ્યા,
ત્યારે બોલવા માટે કોઈ બચ્યું જ નહોતું.

– માર્ટિન નાઈમુલર
(અનુ. ધવલ શાહ)

માર્ટિન નાઈમુલર નાઝી જર્મનીમાં પાદરી હતા. આજે હિટલરના અત્યાચારોનો બધા વિરોધ કરે છે પણ આશ્ચર્યની વાત એ છે કે એ વખતે આખુ જર્મની હિટલરની સાથે હતું. એના અત્યાચારનો બધા સક્રિય કે નિષ્ક્રિય રીતે ટેકો કરી રહ્યા હતા. જે થોડા લોકોએ હિટલરની પ્રવૃત્તિઓનો વિરોધ કરેલો એમાંથી માર્ટિન નાઈમુલર એક હતા. એમને પણ પકડી લઈને કોનશનટ્રેશન કેમ્પમાં મોકલવામાં આવેલા પણ કોઈ રીતે એ બચી ગયેલા. પાછળથી એમણે આખી જીંદગી યુદ્ધ અને અત્યાચારનો વિરોધ કરવામાં કાઢેલી.

હિટલર માણસ શેતાન હતો એ સમજી શકાય એવી બાબત છે. પણ એની શેતાનિયત ચાલી એનું મોટુ કારણ એ કે લાખો માણસોમાંથી મૂઠીભર માણસો સિવાય કોઈએ એનો વિરોધ ન કર્યો. બધા ‘મારે શું?’ કરીને બેસી રહ્યા.

અન્યાયનો વિરોધ ન કરવો એ પણ અન્યાય કરવા જેટલું જ મોટું પાપ છે.

મૂળ કવિતા અને વધુ માહિતી

15 Comments »

 1. pragnaju said,

  March 3, 2010 @ 12:18 am

  મારા મનની વાત!
  એ લોકો જ્યારે યહુદીઓને પકડવા માટે આવ્યા,
  ત્યારે હું ચૂપ રહ્યો;
  હું યહુદી નહોતો.

  એ લોકો જ્યારે મને પકડવા માટે આવ્યા,
  ત્યારે બોલવા માટે કોઈ બચ્યું જ નહોતું.
  જાણે અજાણ્યે તે વખતની પરિસ્થિતીનો અભ્યાસ ન હોય તો ગાડરિયા પ્રવાહમા કેવો અન્યાય કરી બેસીએ?

 2. કલ્પેશ ડી. સોની said,

  March 3, 2010 @ 1:40 am

  કવિ પોતાની ભૂલ કબૂલ કરે છે. પ્રમાણિક છે. પોતાની અંદર વિધાયક પરિવર્તન કરવા આત્મનિરીક્ષણ જરુરી છે. ત્યારબાદ આપણે જેવા છીએ તેવા આપણને સ્વીકારીને આપણામાં બદલ લાવવાનું શરુ કરી શકાય. જરુરી નથી કે જાહેરમાં તમે એ બધું કબૂલ કરો.
  ‘મારે શું’ ની સંકુચિત વૃત્તિ પ્રત્યેકમાં ઓછેવત્તે અંશે રહેલી જ હોય છે. તેને દૂર કરવા માટે જ આપણને જીવન મળ્યું છે.
  ગઝનીનો મહંમદ આખું ભારત ચીરીને સોમનાથ મંદિર લૂંટવા પહોંચ્યો. રસ્તામાં સેંકડો રાજ-રજવાડા આવ્યા. દરેક રાજાને ખબર હતી કે મહંમદ શું કરવા જઈ રહ્યો છે, છતાં કોઈએ તેને પડકાર્યો નહિ. સત્તર વખત એણે મંદિર લૂંટ્યું. સૌએ વિચાર્યું, ‘મારે શું?”

 3. વિવેક said,

  March 3, 2010 @ 2:16 am

  કેટલા સરળ શબ્દોમાં કેવી હૃદયદ્રાવક હકીકત!!!

  સદીઓ બદલાતી રહેશે, યુગો બદલાતી રહેશે, લોકનાયકો બદલાતા રહેશે પણ માનવમનની તાસીર એની એ જ રહેશે- મારે શું?

 4. Girish Desai said,

  March 3, 2010 @ 8:33 am

  આવું જ આજે પણ બની હ્યું છે ને?આ લાંચીયા પ્રધનોને સાથ આપનાર તો પ્રજાજનોજ છે ને?

 5. ઊર્મિ said,

  March 3, 2010 @ 9:19 am

  ખૂબ જ ધારદાર વાત… અને જોરદાર અનુવાદ !

  (આ અનુવાદકનું નામ હવે વારંવાર અહીં દેખાવું જ જોઈએ હોં ! 🙂 )

 6. Girish Parikh said,

  March 3, 2010 @ 3:50 pm

  અન્યાયનો સામનો કરવાનો ઉપદેશ તો શ્રી કૃષ્ણે ગીતામાં આપ્યો જ છે. પણ કેટલાક નાના અન્યાય હોય છે અને કેટલાક મોટા હોય છે. દાખલા તરીકે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાંથી પાછા આવ્યા ત્યારે રાજકોટમાં કોઈ અંગ્રેજ સરકારના અમલદારે એમનું અપમાન કર્યું હતું, અને ગાંધીજી એના પર કામ ચલાવવા માગતા હતા, પણ કોઈ હીતેચ્છુએ સલાહ આપી કે એના કરતાં અંગેજ સરકારને જ ભારતમાંથી હટાવો, અને પછી ગાંધીજીએ પછી શું કર્યું એ આપણે જાણીએ છીએ.

  અલબત્ત, હિટલરના અન્યાયનો સામનો કરવાનું કામ મોટું હતું, અને એ કાર્ય પોતપોતાની રીતે કરનાર સૌ કોઈને હ્રદયના ધન્યવાદ.

 7. sudhir patel said,

  March 3, 2010 @ 7:03 pm

  ધવલભાઈ, ચોટદાર કવિતાનો સુંદર અનુવાદ!
  અભિનંદન!
  સુધીર પટેલ.

 8. urvashi parekh said,

  March 3, 2010 @ 8:03 pm

  ઘણી મોટી વાત થોડા એવા શબ્દો માં કવી એ સચોટ રીતે કહી છે.
  અનુવાદ સુન્દર છે તેથી જ કાવ્ય ને સરસ રીતે માણી શકાણુ,
  ધવલભાઈ અભીનંદન..

 9. akur vyas said,

  March 3, 2010 @ 9:09 pm

  ભાવાનુવાદ સારો થયો છે.કેવળ એક વાતની નોંધ લેવાની મૂળ વાંચ્યા પછી તે એ કે આ જ્યારે- ત્યારે
  પૂર્વશરતની વિભાવનાર્થી રંગાયેલા શબ્દો છે તેથી વાક્ય રચનામાં કાર્ય-કારણ અસર ઉભી કરે છે, પરિણામ વક્ય રચના શીથીલ થાય છે .-જ્યારે આ હોય ત્યારે જ આવું થાય એ અણસારે.
  કોઇ પણ કવિતા cause-effect પ્રવ્રૂત્તિ નથી, કવિતા સ્વયમ હયાતી છે,સેલ્ફ્સ્માંથી ઉદભવેલી”રાજેન્દ્રબાની” છે.પોતાનામાંથી ઘડાઈ ઉદભવેલી બાની.તેથી તો પાબ્લો નેરુદા કહી ગયા-
  ” i utter therefore i am.”

 10. કિરણસિંહ ચૌહાણ said,

  March 3, 2010 @ 11:29 pm

  જોયું ને! આવું થાય. હવે તો સહકાર એ જ વ્યવહાર.

 11. વિવેક said,

  March 4, 2010 @ 12:41 am

  પહેલાં તેઓ કમ્યુનિસ્ટોને માટે આવ્યા અને હું કશું બોલ્યો નહોતો કારણ કે હું કમ્યુનિસ્ટ નહોતો.
  પછી તેઓ કામદાર યુનિયનવાળાઓને માટે આવ્યા અને હું કશું બોલ્યો નહોતો કારણ કે હું કામદાર યુનિયનવાળો નહોતો.

  -આ પ્રમાણે કવિતાનું શબ્દશઃ ભાષાંતર કરી શકાય. કવિતાનો શબ્દશઃ અનુવાદ કરવો કે જે તે ભાષા અને સંસ્કૃતિને અનુરૂપ સાંચામાં ઢાળીને ભાવાનુવાદ કરવો – આ બેમાંથી શું શ્રેષ્ઠ છે એ હજી નક્કી કરી શકાયું નથી. વિશ્વભરની કોઈપણ ભાષામાં આ મુદ્દે એકમત સ્થાપી શકાયો નથી એટલે દરેક માણસ પોતાની રીતે આ મુદ્દાને સ્પર્શે અને વફાદારીપૂર્વક સંનિષ્ઠતાથી કામ કરે એ જ યોગ્ય છે…

  આ કવિતાનું શબ્દશઃ ભાષાંતર અને ધવલે કરેલા ભાવાનુવાદ વચ્ચે શું ફરક છે અને બેમાંથી શું વધુ યોગ્ય છે એ નક્કી કરવાનું ભાવકો પર જ છોડીએ…

  ‘જ્યારે’ પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

  ‘ત્યારે’ પ્રથમ ગઝલની રજુઆત થઈ હશે…
  – જ્યારે અને ત્યારે આપણી ભાષામાં ઓગળી ગયેલ કાર્યકારણ પ્રયોગો છે એના કારણે કવિતા શી રીતે શિથિલ થઈ ગઈ એ મને સમજાયું નહીં… મારી નજરે તો અહીં જ્યારે-ત્યારે વાપરવાથી કવિતાનું ખરું ગુજરાતીકરણ થયું છે…

 12. Pancham Shukla said,

  March 4, 2010 @ 8:43 am

  નાનકડા પણ વેધક કાવ્યનો એવો જ સરસ અનુવાદ. પ્રતિભાવ વિમર્શ પણ અનુવાદ વિશે અગત્યની બાબતો ઉજાગર કરે છે.

 13. Girish Parikh said,

  March 4, 2010 @ 12:23 pm

  મૂળ કાવ્યની ધવલની ગુજરાતીમાં સુંદર રજૂઆતને માણવા ‘જ્યારે’ ‘ત્યારે’ ની જંજાળમાં પડવાની મને જરૂર લાગતી નથી!

  એક બીજી વાતઃ ગુજરાતી કાવ્યોને અંગ્રેજીમાં અવતાર આપવા અંગે મેં ઘણું વિચાર્યું છે. થોડાંક ગુજરાતી કાવ્યોનાં રૂપાંતર/અનુવાદ પણ કર્યાં છે. ‘લયસ્તરો’ને નમ્ર વિનંતી કરું છું કે જ્યારે શક્ય હોય ત્યારે (‘જ્યારે’ ત્યારે’ વાપરું છું!) ગુજરાતી કાવ્યોના અંગ્રેજીમાં રૂપાંતર કે અનુવાદ (અને આસ્વાદ) પણ આપે. આ રીતે નવી પેઢીઓ પણ ગુજરાતી કાવ્યોમાં રસ લેતી થશે.
  કોઈ કોઈ કોમેન્ટમાં મેં લખેલું કે નોબેલ પ્રાઈઝ જીતી શકે એવા ગુજરાતી કવિઓ છે. આંતરરાષ્ટ્રિય અપીલ વાળાં એમનાં કાવ્યોના અંગ્રેજીમાં ઉત્તમ રૂપાંતર કે અનુવાદ થવાં જોઈએ. મને આ કાર્ય માટે ‘લયસ્તરો’ વેબ સાઈટ યોગ્ય લાગે છે. ભાવકોના વિચારો જાણવા આતુર છું.

  – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
  E-mail: girish116@yahoo.com

 14. preetam lakhlani said,

  March 4, 2010 @ 4:04 pm

  મિત્રો, જેમ કારણ વિના લોકો ગઝલમા ગઝલત્વને એક બાજુ હડસેલીને છ્દની વાતો વાગોડીને ગઝલના આત્માને એક કોર ફેકી દે છે ત્યારે ખરેખર દુઃખ થાય્ છે, અહિયા કોઈએ કારણ વિના ખોટા સાચા વિધાન કરવા કરતા કાવ્યમા કેટલો આનદ છે તે માણોને મારા ભાઈ, શુ આ કાવ્ય પ્રેમિ માટે ઓછુ છે કે એક બીજી ભાષાની સુન્દર કવિતા આપણને ભેટ રુપે મળે છે…..ધવલભાઈ મારી દષ્ટિએ આ અનુવાદ કાવ્ય જેટલો જ લાજવાબ છે, અને કોઈ મ્રિત્રને ન ગમે તો તેને તેની રિતે અભિપ્રાય આપવાનો પણ હક્ક છે!!!!!!!!!૧

 15. Rina said,

  July 18, 2011 @ 1:55 am

  awesome….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment