તરો અવાજ એક વખત સાંભળ્યો હતો,
માનું છું તારા શબ્દમાં ટહુકાનું ઘર હશે.
મનહરલાલ ચોક્સી

ગઝલ – અશરફ ડબાવાલા

અર્જુને તો માત્ર એના લક્ષ્યની પૂજા કરી,
આપણે વીંધાયેલા એ મત્સ્યની પૂજા કરી.

બેઉ છેડા પર પતનની શક્યતા ભારે હતી;
એટલે સમજી વિચારી મધ્યની પૂજા કરી.

હું સમર્પિત થઈ ગયો નખશિખ શમણાંઓ ઉપર,
એણે તો સન્મુખ કે બસ શક્યની પૂજા કરી.

ટેવવશ તેં તો ‘તથાસ્તુ’ કહી મને ટાળ્યો હશે,
મેં તથાસ્તુમાં રહેલા તથ્યની પૂજા કરી.

છે અનુયાયી ગઝલના પંથનો ‘અશરફ’ ખરો,
એણે જીવનભર હૃદયના સત્યની પૂજા કરી.

– અશરફ ડબાવાલા

આમ તો આખી ગઝલ ધ્યાનાર્હ થઈ છે પણ મને ફક્ત મત્લાના શેર વિશે વાત કરવાનું મન થાય છે… આપણી ‘સામાન્ય’ નજરમાં રહેલી ખામીને કવિએ સરળતાથી વર્ણવી દીધી છે. આપણી સૌથી મોટી નબળાઈ મૂળભૂત લક્ષ્ય ચૂકી જઈને રસ્તામાં અટવાઈ પડવાની છે… સદીઓનો ઇતિહાસ તપાસો… આ જ નજરે ચડશે… આપણે ઈશ્વરને ભૂલી જઈ એના સાચા ભક્તોની ભક્તિ કરવા જ મચી પડીએ છીએ. સાધ્ય કરતાં સાધક મોટો બની બેસે છે… ગૉડ ભૂલાઈ જાય છે અને ઈશુ ખ્રિસ્ત કેન્દ્રમાં આવી જાય છે… ઈશ્વર ને અલ્લાહનું સ્થાન સાધુ-સંતો, કબીર કે મોહંમદ લઈ લે છે…

…અને છતાં આપણે કશું શીખતાં જ નથી…

13 Comments »

  1. સુનીલ શાહ said,

    February 27, 2010 @ 3:55 AM

    સર્વાંગ સુંદર ગઝલ…વિવેકભાઈની વાત કૉપી–પેસ્ટ.

  2. Pancham Shukla said,

    February 27, 2010 @ 9:36 AM

    અશરફભાઈની ગઝલો માણવી ગમે છે.

  3. Girish Parikh said,

    February 27, 2010 @ 10:47 AM

    “એણે જીવભર હૃદયના સત્યની પૂજા કરી.”

    આ પંક્તિ આ પ્રમાણે ન જોઈએ?
    ‘જીવનભર એણે હૃદયના સત્યની પૂજા કરી.’

    ‘જીવભર’ બરાબર લાગે છે?

  4. ડૉ.મહેશ રાવલ said,

    February 27, 2010 @ 1:33 PM

    શ્રી અશરફભાઈએ માનવવૃત્તિને x-ray સિસ્ટમમાં જોઈને જાણે આખો ચિતાર રજુ કર્યો હોય એવું લાગ્યું.
    ખાસ કરીને,તથાસ્તુમાં રહેલા તથ્યની વાત સોંસરી ઉતરી ગઈ…….

  5. manhar m.mody ('mann' palanpuri) said,

    February 27, 2010 @ 11:22 PM

    અશરફ સાહેબ ની ગઝલનો એકે એક શેર વિચારતા કરી મૂકે છે. કેટલી ઊંડી વાત કેટલી આસાનીથી કહી દીધી !!! આવી ગઝલ હું ક્યારે લખી શકીશ ?

  6. વિવેક said,

    February 28, 2010 @ 3:23 AM

    પ્રિય ગિરીશભાઈ,

    જીવનભરની જગ્યાએ ભૂલથી જીવભર ટાઇપ થઈ ગયું હતું. સુધારી લીધું છે. ધ્યાન દોરવા બદલ આભાર…

    ‘એણે જીવનભર’ જ આવશે, ‘જીવનભર એણે’ નહીં…

  7. kirankumarchauhan said,

    February 28, 2010 @ 11:31 PM

    નખશિખ સુંદર ગઝલ.

  8. preetam lakhlani said,

    March 1, 2010 @ 9:02 AM

    આ ગઝલ પ્રથમ વાર નવનિત સમ્રરપણમા લગભગ આજથી દસેક વરસ પહેલા પ્રગટ થઇ ત્યારે અને તે પહેલા મે આ ગઝલ અશરફભાઈ પાસેથી ફોન પર સાભળેલ ત્યારે જેટલી ગમી હતી આટલી જ આજે અહિ વાચુ છુ ત્યારે બે હદ ખુશ થાઉ છુ……

  9. Girish Parikh said,

    March 1, 2010 @ 6:46 PM

    છે અનુયાયી ગઝલના પંથનો ‘અશરફ’ ખરો,
    એણે જીવનભર હૃદયના સત્યની પૂજા કરી.

    અશરફની ગઝલો અને ગીતોનો હું આશિક છું. શિકાગોમાં વર્ષોના વસવાટ દરમિયાન એમના પ્રત્યક્ષ પરિચયમાં પણ આવ્યો છું.
    અશરફ ગઝલ-પંથના મોખરાના પ્રવાસી છે. એમનો ‘ધબકારાનો વારસ’ ગઝલ-ગીત સંગ્રહ મારાં પ્રિય પુસ્તકોમાંનું એક છે. ભાવકને એ સંગ્રહની બધી રચનાઓમાં સર્જકના હ્રદય-ધબકાર સંભળાશે!

    હું માનું છું કે ‘ધબકારાનો વારસ’માંના Schizophrenia અછાંદસ ગુજરાતી કાવ્ય અને એનો અંગ્રેજીમાં અનુવાદ પણ વાંચવો તમને ગમશેઃ
    http://tahuko.com/?p=1418

  10. Girish Parikh said,

    March 1, 2010 @ 6:59 PM

    આ નોંધ લેવા વિનંતીઃ Schizophrenia અછાંદસ ગુજરાતી કાવ્ય ‘ધબકારાનો વારસ’ સંગ્રહમાં છે પણ એનો અંગ્રેજી અનુવાદ એમાં નથી. ગુજરાતી કાવ્ય અને એનો એનો અંગ્રેજી અનુવાદ બન્ને http://tahuko.com/?p=1418 પર છે.

  11. Pinki said,

    March 2, 2010 @ 4:25 AM

    અર્જુને તો માત્ર એના લક્ષ્યની પૂજા કરી,
    આપણે વીંધાયેલા એ મત્સ્યની પૂજા કરી…

    સરસ મત્લા ! સરસ ગઝલ… !

  12. ઊર્મિ said,

    March 2, 2010 @ 9:39 AM

    ચોટદાર મત્લા…આખી ગઝલ જ ખૂબ જ સ-રસ લાગી… ખૂબ જ ગમી.

  13. pragnaju said,

    March 3, 2010 @ 12:30 AM

    અર્જુને તો માત્ર એના લક્ષ્યની પૂજા કરી,
    આપણે વીંધાયેલા એ મત્સ્યની પૂજા કરી.

    વાહ્

    આખી ગઝલ સ રસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment