આપણે બીજાને બોલી નાખીએ,
આપણાથી એજ સંભળાતું નથી.
નિનાદ અધ્યારુ

ફાગણ ફટાયો આયો -બાલમુકુંદ દવે

ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે

પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.

કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીંજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!

-બાલમુકુંદ દવે

એમ તો હોળીને હજી થોડા દિવસોની વાર છે પણ ફાગણ તો આવી જ ગયો છે ને… તો બાલમુકુન્દ દવેના આ ખૂબ જ મજાનાં ફાગણિયા ગીતને માણવા માટે હોળીનાં દિવસ સુધી શા માટે રાહ જોવી ?  🙂

6 Comments »

 1. Jayshree said,

  February 25, 2010 @ 9:19 am

  મઝ્ઝાનું ફાગણગીત…
  થોડા દિવસ પહેલા ટહુકો પર જય વસાવડાનો ફાગણ ફેન્ટસી લેખ મુકેલો, એમાં આ ગીત પહેલી વાર વાંચેલું..
  http://tahuko.com/?p=7990

 2. કલ્પેશ સોની said,

  February 25, 2010 @ 12:37 pm

  માનવ મનડાં થનગન થાતા, હૈડા હરખાતા, રંગરંગાતા,
  ગુલાલ છાંટી વ્હાલથી ભેટી, તપતા દિલડાં ટાઢા કરતા.
  મનમયૂર મહેકી-ગહેકી, સૂર વહાવી તરબર થાતા,
  ફાગણના મદમસ્ત ગગનમાં, હૈયેહૈયા હિલોળ લેતા.

 3. ધવલ said,

  February 25, 2010 @ 7:18 pm

  ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
  વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.

  – વાહ !

 4. વિવેક said,

  February 26, 2010 @ 7:16 am

  વાહ… મસ્ત મજાનું રમતિયાળ ગીત છે… ગણગણવાની, સૉરી મોટેથી ગાવાની મજા પડે એવું…

 5. Pushpakant Talati said,

  February 26, 2010 @ 8:15 am

  વાહ, – ભાઈ શ્રી બાલમુકુંદ દવે ના આ ગીત માઁ તો મઝા પડી પણ સાથે સાથે શ્રી કલ્પેશભાઈ સોની ને ધવલભાઈ એ કોમેન્ટ માઁ લખેલ કડીઓ અને અન્તરાઓ થી આનન્દ અને મઝામાઁ વધારો થયો – ત્રણે ત્રણ નો આભાર તથા ધન્યવાદ.
  આમ સોનામાઁ સુગન્ધ ભેળવતા રહો તેવી વિન અભ્યાર્થના.

 6. pragnaju said,

  March 3, 2010 @ 12:55 am

  ખુબ સુંદર
  યાદ આવી
  આજ અલી મારામાં કેસૂડો ફૂટું ફુટું થાય
  મને એવું તે એવું કેમ થાય?
  રંગોને આવેલા તોફાની સપનાંને
  લુટું લૂટું થાય .
  આજ અલી મારામાં…
  રંગ ઢ્ંગ બદલીને ખુલ્લેઆમ મહાલતી
  અલ્લડ કળીઓને ટોકો
  મારામા ઊતરતા આખા યે ફાગણને
  રોકી શકાય તો રોકો
  શરમથી ઝૂકેલા ઠાવકા ફૂલોને
  ચૂંટું ચૂટું થાય.
  આજ અલી મારામાં…
  મારામાં ફૂંકાતા પૂરવના વાયરાઍ
  બદલ્યો છે જ્યારથી મિજાજ
  હોળીમાં રંગાતા રંગોએ પાડ્યો
  બસ છેડતી કરવાનો રિવાજ
  મારો એ ઉન્માદી આભલાનો હિસ્સો
  તૂટું તુટું થાય
  આજ અલી મારામાં……………………………………………………………….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment