કાયા એની, આત્મા એનો, શ્વાસ-શ્વાસ ને સ્વપ્નો એના,
સઘળું એનું તોય મને કેમ મારું લાગે ? બોલો ને ભાઈ !
વિવેક મનહર ટેલર

નથી જોયું -મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

વિકસતા વ્હાલ જેવું વિશ્વમાં વ્હાણું નથી જોયું,
શરમની લાલી જેવું રંગનું લ્હાણું નથી જોયું.

પ્રિયાના નેન જેવું કોઈ ઠકરાણું નથી જોયું,
ઊભરતા આત્મ જેવું ઉચ્ચ નજરાણું નથી જોયું.

નથી સૌંદર્ય દેખાતું તો એ છે દોષ દૃષ્ટિનો,
તમે શું સ્નેહથી સૌંદર્ય સરજાણું નથી જોયું ?

મહકતાં ગુલ, ચહકતી બુલબુલો, બહેલી બહકતાં દિલ,
ઉષા લાવી છે એવું અન્યનું આણું નથી જોયું.

નથી જોયું જીવનમાં જોયા જેવું એમ માની લે,
યદિ તેં જીવ દેવા જોગ ઠેકાણું નથી જોયું.

રહે અદૃશ્ય પણ એની હવા યે પ્રાણ પૂરે છે,
વધારે આથી મીઠું કોઈ ઉપરાણું નથી જોયું.

ભલે ગાફિલ કહી સંગીતકારો સહુ કરે અળગો,
ગઝલ જેવું હૃદયના રંગનું ગાણું નથી જોયું.

-મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

(જન્મ: ૨૭-૭-૧૯૧૪ – મૃત્યુ: ૯-૪-૧૯૭૨)

વિકસતા વ્હાલ જેવું વ્હાણું, શરમની લાલી જેવા રંગનું લ્હાણું અને પ્રિયાના નેન જેવું ઠકરાણું — આ રૂપકો તો દિલને ખૂબ જ અડી ગયા… (સાચું કહું તો ગલગલિયા કરાવી ગયા !  🙂  )  આપણને જીવાડવા માટે આપણામાં સતત પ્રાણ પૂરે છે અને તે છતાં હવા અદૃશ્ય રહે છે;  બિલકુલ દેખાડો કર્યા વગર અદૃશ્ય રહીને અપાતું આના જેવું મીઠું ઉપરાણું જીવનમાં બીજું કંઈ હોઈ શકે ખરું ?

કવિશ્રીનાં કાવ્યસંગ્રહ ‘બંદગી’ (૧૯૭૩) માંથી સાભાર.  આ કવિએ ‘સરોદ’નાં ઉપનામથી ભજનો અને ‘ગાફિલ’નાં તખલ્લુસથી ગઝલો લખી છે.

* લયસ્તરોનાં વાચકોને લયસ્તરો-ટીમ તરફથી ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ… આગળ મૂકેલા પતંગ-કાવ્યો આજે ફરી અહીં માણો:

9 Comments »

 1. BB said,

  January 14, 2010 @ 6:28 am

  Ktali sundar ghazal . darrek antara maa ketalo bhav chhe. thank u Urmiben

 2. ખજિત said,

  January 14, 2010 @ 8:20 am

  નથી સૌંદર્ય દેખાતું તો એ છે દોષ દૃષ્ટિનો,
  તમે શું સ્નેહથી સૌંદર્ય સરજાણું નથી જોયું ?

  એકદમ સચોટ શે’ ર.

 3. dr.jagdip nanavati said,

  January 14, 2010 @ 12:50 pm

  ઉતરાણ નિમિત્તે મારી પતંગ પણ
  ઉડાડી લઉં….???

  કાપવાની છુટ છે…!!!

  ચાલ ભેરુને સંગ
  લાલ દોરીને રંગ
  ચિત્ત ચોટેના આજ કોઈ કામમાં
  મારા ઉરનો પતંગ ઉડે આભમાં
  ચોક ફળીયા સૂમ સામ
  પોળ કરતી આરામ
  ગામ રંગે ચડ્યુ છે બધું ધાબમાં
  મારા ઉરનો પતંગ ઉડે આભમાં
  લાલ પીળા ચટ્ટક
  ફુલ ખિલ્યાં અઢળક્ક
  જાણે ધરતી વરસી’તી આસમાનમાં
  મારા ઉરનો પતંગ ઉડે આભમાં
  બોર ગંડેરી પાક
  ખાવ ઉંધીયાના શાક
  સાંજ રડવડતી ખાલી સૌ ઠામમાં
  મારા ઉરનો પતંગ ઉડે આભમાં
  માર કાઈપા ની બૂમ
  પછી પકડ્યાની ધૂમ
  કોઈ દોડે લઈ ઝાંખરાંને વાંસમાં
  મારા ઉરનો પતંગ ઉડે આભમાં
  ફરરર ઉડી ગઈ લાજ
  છેડ બિંદાસી સાજ
  વહુ તાળી દે સસરાનાં હાથમાં
  મારા ઉરનો પતંગ ઉડે આભમાં
  ક્યાંક હૈયાનાં તાર
  ક્યાંક છુપો અણસાર
  પેચ લાગે છે ક્યાંક કોઈ આંખનાં
  મારા ઉરનો પતંગ ઉડે આભમાં
  ચાંદ તારાને રાત
  ઉગે સરખું પરભાત
  તોયે કરતી ઉત્પાત
  સાલી માણસની જાત
  આભ વહેંચે છે અલ્લા ને રામમાં

 4. ઊર્મિ said,

  January 14, 2010 @ 12:58 pm

  ધરતી વરસી’તી આસમાનમાં… વાહ… સુંદર પતંગ-ગીત જગદીપભાઈ… આભાર.

 5. દેવાંગ વ્યાસ said,

  January 14, 2010 @ 4:04 pm

  પ્રિયાના નેન જેવું કોઈ ઠકરાણું નથી જોયું……

  નથી સૌંદર્ય દેખાતું તો એ છે દોષ દૃષ્ટિનો,
  તમે શું સ્નેહથી સૌંદર્ય સરજાણું નથી જોયું ?………….

  નથી જોયું જીવનમાં જોયા જેવું એમ માની લે,
  યદિ તેં જીવ દેવા જોગ ઠેકાણું નથી જોયું………………

  બહુજ સુન્દર રચના….. વિવેકભાઇનો ખુબ ખુબ આભાર.. આટલી સરસ રચનાઓ અમારા સુધી પહોંચાડ્વા માટે….

 6. ધવલ said,

  January 14, 2010 @ 7:52 pm

  રહે અદૃશ્ય પણ એની હવા યે પ્રાણ પૂરે છે,
  વધારે આથી મીઠું કોઈ ઉપરાણું નથી જોયું.

  – સરસ !

 7. વિવેક said,

  January 15, 2010 @ 12:29 am

  આ સુંદર રચના તમારા સુધી ઊર્મિએ પહોંચાડી છે, દેવાંગભાઈ.. મેં નહીં!!!

 8. Pancham Shukla said,

  January 16, 2010 @ 3:45 am

  પહેલા બે શેર ખૂબ કાળજીથી જોઈએ તો એ સમયની સૌંદર્યલક્ષી ગઝલોની ગરવાઈ નજરે ચઢે છે. સહજ પ્રેમની અભિવ્યક્તિ છે. ક્યાંય પરાણે ભીંજાવાની કે ભીંજવવાની વાત નથી.

  અને આ શેરમાં એ પ્રમની સર્વવ્યાપકતા છે…..

  રહે અદૃશ્ય પણ એની હવા યે પ્રાણ પૂરે છે,
  વધારે આથી મીઠું કોઈ ઉપરાણું નથી જોયું.

 9. pragnaju said,

  January 16, 2010 @ 12:15 pm

  વિકસતા વ્હાલ જેવું વિશ્વમાં વ્હાણું નથી જોયું,
  શરમની લાલી જેવું રંગનું લ્હાણું નથી જોયું.

  મત્લામાં ખૂબ મઝા

  ન જુઓ હથેળીમાં પડ્યા છે કેટલા છાલાએ મહોર સ્મિત માટે ચુકવાયેલા દામની છેદિલ જેવું મળે તો રાખી … માશૂકોના ગાલની લાલી મહીં લાલી,અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં ….
  . શરમનો કરી ડોળ સઘળું જુએ છેકળી પાંદડીઓના પડદે રહીને,ખરું જો કહી દઉં તો વાતાવરણ .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment