જીવી શક્યા નહીં તો ગઝલમાં ભરી લીધી,
ક્ષણ ક્ષણને માણવાની રમત કારગત રહી.
રઈશ મનીઆર

ગઝલ – ડૉ. નીરજ મહેતા

ભલે તું બાદશાહી દે
ધરાની ધૂળને ભૂલું નહીં એવી ઊંચાઈ દે

હૃદયનું ખોરડું નાનું
બધા અક્ષર પરત લઈ નાથ મુજને ફક્ત ઢાઈ દે

થશે કર અબઘડી પાંખો
ખરેખર આપવી હો તો મને ચોપાસ ખાઈ દે

ધર્યો ચોખ્ખો જ ઉરકાગળ
ગઝલ આપી ન દે તો કૈં નહીં નાની રૂબાઈ દે

બધું ફાવી ગયું ‘નીરજ’
કવન રંગીન રાખીશું ભલે કાળી સિયાહી દે

– ડૉ. નીરજ મહેતા

શેરના ઉલા મિસરા (પહેલી કડી)માં લગાગાગાના બે આવર્તન અને સાની મિસરા (બીજી કડી)માં એનાથી બેવડા આવર્તનો લઈને ચાલતી આ ગઝલને શું કહીશું? દોઢવેલી ગઝલ? વિષમ છંદ ગઝલ?

ગઝલના બંધારણને જે નામ આપવું હોય એ આપીએ પણ મને તો કવિનો ખુમારીદાર મિજાજ ગમી ગયો. સમૃદ્ધિના શિખરે પણ છકી ન જવાની ચિવટાઈ સ્પર્શી ગઈ. નાના અમથા હૃદયમાં બીજું કશું ન માઈ શકે તો કંઈ નહીં, માત્ર પ્રેમના અઢી અક્ષર જ સમાઈ શકે તોય કવિ ખુશ છે. અને જિંદગી પાસેથી ભલે દુઃખ અને વેદનાની કાળી શાહી કેમ ન મળે, કવિ એના કાવ્યોને રંગીન ઓપ જ આપવા માંગે છે… સાહિરના લબ્ધપ્રતિષ્ઠ શેરથી સાવ વિપરીત પણ કદાચ વધુ ઉજળી વાત છે આ. (દુનિયાને તજુર્બાતોં હવાદિશ કી શક્લમેં, જો કુછ મુજે દિયા હૈ, વો લૌટા રહાહૂઁ મૈં)

15 Comments »

  1. SMITA PAREKH said,

    January 9, 2010 @ 1:30 AM

    બધા અક્ષર પરત લઇ,નાથ મુજને ફક્ત ઢાઈ દે.
    ખરેખર! કવિની ખુમારી સ્પર્શી ગઈ.

  2. kirankumar chauhan said,

    January 9, 2010 @ 1:42 AM

    સરસ ગઝલ. સુંદર પ્રયોગ.

  3. kanchankumari parmar said,

    January 9, 2010 @ 5:15 AM

    ધરુ હુ આંખો નો ઉજાસ; સ્વપનો ખિલે નહિ તો ક્ંઇ નહિ…આતમનો પમરાટદે

  4. Pinki said,

    January 9, 2010 @ 6:30 AM

    ધર્યો ચોખ્ખો જ ઉરકાગળ
    ગઝલ આપી ન દે તો જૈં (કૈં ?) નહીં નાની રૂબાઈ દે !

    સરસ વાત… !
    આઝાદ ગઝલ જ કહી શકાય પણ તેનું કયું નામ ?!
    સુજ્ઞજનો વધુ માહિતી આપી શકે તો સારું.

  5. સુનીલ શાહ said,

    January 9, 2010 @ 6:32 AM

    કવિનો પ્રયોગ, પ્રયાસ ગમ્યો. સુંદર અભિવ્યક્તિ.

  6. ઊર્મિ said,

    January 9, 2010 @ 11:22 AM

    ભલે તું બાદશાહી દે
    ધરાની ધૂળને ભૂલું નહીં એવી ઊંચાઈ દે

    હૃદયનું ખોરડું નાનું
    બધા અક્ષર પરત લઈ નાથ મુજને ફક્ત ઢાઈ દે

    વાહ… સરસ મજાનો પ્રયોગ….મજા આવી ગઈ… આ બે શે’ર તો ખૂબ જ ગમ્યા !

    ડૉ.નીરજને અભિનંદન.

  7. sudhir patel said,

    January 9, 2010 @ 12:53 PM

    સુંદર ગઝલ!
    ‘ગઝલ-વિશ્વ’ ના એક અંકમાં પ્રકાશિત ડો. હનીફ સાહિલના લેખમાં આ પ્રકારની ગઝલને ‘આઝાદ-ગઝલ’ કહી છે. એ ઉદાહરણ સાથેનો વિસ્તૃત લેખ છે. આ પ્રકારની ગઝલમાં છંદના આવર્તનોની વધઘટની આઝાદી જોવા મળે છે. અન્યથા ગઝલના બધા નિયમો (કાફિયા, રદીફ, વ.) જળવાય છે.
    સુધીર પટેલ.

  8. Girish Parikh said,

    January 9, 2010 @ 1:28 PM

    હૃદયનું ખોરડું નાનું
    બધા અક્ષર પરત લઈ નાથ મુજને ફક્ત ઢાઈ દે

    ઉપરની પંક્તિઓ વાંચતાં તેજસ્વી વિદ્યાર્થી નરેન્દ્રનાથે રામકૃષ્ણ પરમહંસને બધું જ ભણતર ભુલાવી દેવાની કરેલી આજીજી યાદ આવી. નરેન્દ્રનાથ આગળ જતાં સ્વામી વિવેકાનંદ બન્યા.

    – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
    તા. ક. ગિરીશનું સર્જાતું જતું પુસ્તકઃ “આદિલની ગઝલોનો આનંદ”.

  9. Pancham Shukla said,

    January 10, 2010 @ 7:59 AM

    સરસ આઝાદ ગઝલ. અસરકારક અને કુદરતી લાગે એવો પ્રયોગ.

  10. Mukund Joshi said,

    January 10, 2010 @ 10:22 AM

    ગઝલની બાદશાહી અને દિલની ખુમારી છતી કરતી સરસ આઝાદ ગઝલ .

  11. Pinki said,

    January 11, 2010 @ 12:17 AM

    શ્યામ સાધુની એક આઝાદ ગઝલ
    જેમાં સાની મિસરાને અનુલક્ષીને આવર્તનમાં વધઘટ કરવામાં આવી છે.
    http://webmehfil.com/?p=990

    તો સુધીર અંકલની એક સરસ પિરામીડ ગઝલ.
    http://webmehfil.com/?p=984

  12. Pinki said,

    January 11, 2010 @ 1:21 AM

    શ્યામ સાધુની એક આઝાદ ગઝલ
    જેમાં સાની મિસરાને અનુલક્ષીને આવર્તનમાં વધઘટ કરવામાં આવી છે.
    http://webmehfil.com/?p=990

    તો સુધીર અંકલની એક સરસ પિરામીડ ગઝલ.
    http://webmehfil.com/?p=984

  13. pragnaju said,

    January 16, 2010 @ 1:04 PM

    કવન રંગીન રાખીશું ભલે કાળી સિયાહી દે
    વાહ્
    તારી વીણાનો સડજ સૂર, પાવન કરે મુજ કવન ઉર, તારા ચરણની ધૂળ થવા ભાગ્ય દે, હે મા શારદા !…

  14. Dr. Kedar said,

    January 16, 2010 @ 1:32 PM

    ખુબ સુન્દર નવતર ગઝલ …. નિરજ ને ખૂબ અભિનન્દન…

  15. Kirtikant Purohit said,

    January 18, 2010 @ 8:52 AM

    એક ખરેખર આઝાદ મિજાજની ઉમદા અસરકારક ગઝલ.કાવ્યબાનીમાઁ સૌથી વધુ મહત્વ તો ઉર્મિનુઁ જ હોવુઁ ઘટે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment