આ સફરમાં રહી જશે પાછળ બધું
જે બધું આગળ મને દેખાય છે
ભરત વિંઝુડા

યાદગાર ગીતો :૨૮: તો અમે આવીએ – વિનોદ જોશી

આપી આપીને તમે પીંછું આપો
        સજન ! પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નીચોવી અમે વાટકો ભર્યો
        ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
        અમે ઊંબરની કોર લગી લાવ્યાં

આપી આપી ને તમે ટેકો આપો
        સજન ! નાતો આપો તો અમે આવીએ…

કાગળની કાળઝાળ રેતી વિંઝાય
        અને લેખણમાં છોડી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
        અમે લખીએ તો લખીએ પણ શું ?

આપી આપી ને તમે આંસું આપો
        સજન ! આંખો આપો તો અમે આવીએ…

– વિનોદ જોશી

(જન્મ: ૧૩-૮-૧૯૫૫)

[audio:http://urmisaagar.com/saagar/audio/aapi-aapi-ne-tame-pichhu-aapo-sajan-Vinod-Joshi.mp3]
વિનોદ જોશી.  જન્મ બોરિંગડા-અમરેલી. મૂળ વતન બોટાદ.  ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ.  તળપદાં ગીતો માટે ખાસ જાણીતા કવિ.  ગીતોમાં ગ્રામ્યજીવનનો અદભૂત લહેકો અને લયનો અનુભવ કરાવનાર ઉત્તમ ગીતકાર.  બાળપણ સૌરાષ્ટ્રનાં ગ્રામપ્રદેશમાં વિતેલું હોવાથી તેઓ ગુજરાતી કવિતામાં તળપદાં લોકજીવનની મીઠાશને ખૂબ જ સુંદર રીતે ઘોળી શક્યા છે.  એમની ઘણી રચનાઓને એમણે નારીની સૂક્ષ્મ સંવેદનાઓથી  ખૂબ જ સુંદર રીતે સજાવી છે અને સ્ત્રીની સંવેદનાને વાચા આપી છે.  એમને ઉમાશંકર જોશી એવોર્ડ અને જયન્ત પાઠક પારિતોષિક પણ મળ્યાં છે.  

આ ગીતમાં પ્રિતમનાં બોલાવવાની રાહ જોતી પ્રિયતમા ખૂબ જ મજાની વાત કરે છે.  જો કે પ્રિયતમ સાક્ષાત ત્યાં નથી એટલે અટકળો કરીને કાગળમાં લખવાની ચેષ્ટા કરતી હોય એવું લાગે છે.   પ્રિયતમાએ એક પીંછાં જેવા આછકલા ને અલ્પજીવી સુખથી બિલકુલ ભોળવાઈ નથી જવું.  એને તો લાગણીની પાંખો જોઈએ છે, સ્નેહનાં અનંત આકાશમાં ઉડવા માટે.  માત્ર પ્રિયતમ માટે બધું છોડીને અને શમણાંઓ ઓઢીને આવેલી પ્રિયતમાને કોઈ એક-બે વાર મળેલો ક્ષણભંગુર ટેકો પણ નથી જોઈતો, એને તો શાશ્વત સંબંધ જોઈએ છે.  અને એ સંબંધમાં કળવાશરૂપી આંસુ નથી જોઈતા, એને તો સથવારાનું સ્વપ્ન સાકાર કરવા સ્વપ્નશીલ આંખો જોઈએ છે.  અને જો સ્નેહ-સંબંધો જાળવવા હોય તો પ્રિયતમે આટલું તો એને આપવું જ પડે ને !  આ જ વાત કવિ આ ગીતમાં ખૂબ જ નાજુકાઈથી કહી છે.  (તમને કદાચ આ ગીતનો આનાથી બીજો અર્થ પણ અભિપ્રેત હોઈ શકે!)

આ સાથે જ વિનોદભાઈનાં બીજા યાદગાર ગીતો યાદ આવ્યા વગર રહે જ નહીં; જેમ કે- કુંચી આપો બાઈજી, ડાબે હાથે ઓરુ સાજન લાપસી, એક કાચી સોપારીનો કટકો રે, ટચલી આંગલડીનો નખ, તું મીંઢણ જેવો કઠ્ઠણ, થાંભલીનો ટેકો ને ઓસરીની કોર, હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં, ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી, તને ગમે તે મને ગમે, વિગેરે વિગેરે…… (ક્યાંક તો મારે અટકવું પડે ને! 🙂 ) 

8 Comments »

 1. Viren Patel said,

  December 19, 2009 @ 2:45 am

  Priyatama ni laagni ni adbhut rajuaat sathe samvedna ne paamvano prayatna khub gamyo. Layastaro no aabhar.

 2. urvashi parekh said,

  December 19, 2009 @ 10:58 am

  બહુ જ સરસ અને સુન્દર..
  માંગણી કેટલી સરસ રીતે કરાઈ છે.
  કરતા આવડવી જોઇએ ખરુ ને?

 3. Girish Parikh said,

  December 19, 2009 @ 3:07 pm

  મારી સાહિત્ય સ્મરણિકા

  વિનોદ જોશીને પણ સાભળ્યા છે એમના ગીતોનું પઠન અને કોઈ કોઈ ગીતને પ્રેમથી ગાતા. એમના ગાએલા ગીતમાં એક હતું નીચેનું ગીત જેની આ પંક્તિઓ કેટલાય દિવસો સુધી મારા મનમાં (અને હોઠો પર પણ) ગુંજ્યા કરીઃ

  આપી આપીને તમે પીંછું આપો
  સજન ! પાંખો આપો તો અમે આવીએ…

  આ લખું છે ત્યારે લાગે છે કે રાધા મોરપીંછ વાળા કૃષ્ણ પાસે એમની લગોલગ આવવા પાંખો માગી રહી છે!

  અશરફ ડબાવાલા અને મધુબહેનના શિકાગોના સબર્બ શામબર્ગ (જેને હું ‘શ્યામ’બર્ગ કહું છું!) માં એમના ઘરના બેઝમેન્ટમાં એમણે યોજેલા કવિ સંમેલનમાં મેં વિનોદ જોશીને સાંભળેલા.

  વિનોદ જોશી આ વાંચતા તો હશે જ. એમને મેં અશરફ ડબવાલાના ગઝલ અને કાવ્યસંગ્રહ “ધબકારાનો વારસ” વિશે મારો લેખ ‘ “ધબકારાનો વારસ”ના ધબકારા’ આપેલો. અશરફનું પુસ્તક વિનોદભાઈની યુનિવર્સીટીમાં પાઠ્યપુસ્તક બનવાનું હતું અને મારો લેખ એમને કામમાં આવશે એમ મેં માનેલું. વિનોદભાઈ મને એ બાબતમાં girish116@yahoo.com પર ઈ-મેઈલથી જણાવશે તો આનંદ થશે.

 4. sudhir patel said,

  December 19, 2009 @ 5:08 pm

  ભાવનગરના કવિ શ્રી વિનોદ જોશીનું ખૂબ જ સુંદર ગીત!
  આધુનિક ગીત કવિઓમાં એમનું નામ અગ્રેસર છે.
  એમના જન્મના ગામનું નામ ભોરિંગડા છે એ જાણ સારું.
  સુધીર પટેલ.

 5. pragnaju said,

  December 20, 2009 @ 11:57 am

  આપી આપીને તમે પીંછું આપો
  સજન ! પાંખો આપો તો અમે આવીએ…
  વાહ્
  યાદ આવી
  પાંખો નથી, પગોથી આ પથ કાપવો કઠિન,
  … ‘હા’ કે ‘ના’માં જવાબ આપો

 6. nilam doshi said,

  December 23, 2009 @ 8:47 pm

  કુંચી આપોને બાઇ જી આ ગીત અસ્મિતાપર્વમાં સાંભળવા મળ્યું હતું..ખૂબ ખૂબ મજા આવી હતી માણવાની…

  મારા પ્રિય કવિઓમાંના એક છે વિનોદભાઇ..

  અહીં મૂકાયેલ બધા જાણીતા અને માનીતા સુંદર ગીતો બદલ આભાર

 7. વિમલ અગ્રાવત said,

  December 25, 2009 @ 9:47 am

  વિવેકભાઇ
  મારા ખ્યાલ પ્રમાણે ઉપરોક્ત ગીતના બીજા અન્તરાની પ્રથમ પંક્તિ આ પ્રમાણે છે,”કાગળમાં કાળઝાળ રેતી વીંઝાય અને લેખણમાં બેઠી છે લૂ”

 8. ઊર્મિ said,

  December 25, 2009 @ 4:58 pm

  પ્રિય વિમલભાઈ,

  આ પોસ્ટ વિવેકે નહીં પણ મેં બનાવી હોવાથી જવાબ પણ હું જ આપીશ… 🙂

  બને ત્યાં સુધી અમે કવિની મૂળ રચના જ મૂકવાનો પ્રયાસ કરીએ છીએ. સ્વરબદ્ધ થતી વખતે ક્યારેક કવિની મંજૂરી લીધા વગર તો ક્યારેક કવિની મંજૂરી લઈને ગીતનાં શબ્દોમાં ફેરફાર થતા હોય છે; કદાચ એ પંક્તિ વિશે પણ કશુંક એવું થયું હશે ! પરંતુ વિનોદભાઈનાં એકમાત્ર કાવ્યસંગ્રહ “ઝાલર વાગે જૂઠડી” માં આ ગીત ઉપર પ્રમાણે જ લખેલ છે, ખાસ આપની જાણ માટે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment