એકેક વ્હેંત ઊંચાં બધાં ચાલતાં હતાં,
તારી ગલીમાં કોઈના પગલાં પડ્યાં નહીં.
બેફામ

યાદગાર ગીતો :૧૬: અમીં નહીં ! અમીં નહીં ! -પ્રદ્યુમ્ન તન્ના

રમતું’તું રાત્ય દંન જીભે જિનું નામ
ઈ જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ
તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઈ બીજાં
સઈ ! અમીં નહીં ! અમીં નહીં !

જેટલું સુગાળવી નજરે નિહાળી રિયાં
આવતાં ને જાતાં સહુ લોક
એટલું હસીને અમીં જૂઠી મરજાદનાં
ઓઢણ ઉતાર્યાં છડેચોક !
એ જી ઊભી બજાર બીચ વીંટ્યો કાળો કામળો
કે ઓર કો’ મલીર હવે ઓઢે ઈ બીજાં
સઈ ! અમીં નહીં ! અમીં નહીં !

ઘેર ઘેર થાય ભલે વાત્યું વગોવણીની
જીવને ના છોભ જરી થાતો,
જગના વે’વારથી વેગળો તે વ્હાલપનો
જોઈ બૂઝી બાંધ્યો છે નાતો !
એ જી ભવભવના ભાગ લેધાં આંકી લેલાડ
કે ચાંદલો ગમે તે હવે ચોડે ઈ બીજાં
સઈ ! અમીં નહીં ! અમીં નહીં !

– પ્રદ્યુમ્ન તન્ના

(જન્મ : ૦૭-૦૭-૧૯૨૯ – મરણ: ૩૦-૦૮-૨૦૦૯)

ભાવનગરના અધેવાડામાં જન્મેલા પ્રદ્યુમ્ન તન્ના ગોત્રે ઘોઘારી લોહાણા પણ બાળપણના પહેલા પાંચ વર્ષ દહાણુમાં વીત્યા. મૂળ વતનની રહેણી-કરણી અને તળપદી બોલી ગુજરાત-મહારાષ્ટ્રની સંધિ પર આવેલા એ ગામમાં એમના લોહીમાં લોહી થઈ ભળ્યા. એમ.એ. સુધીનો અભ્યાસ અને ચિત્રકળા, છબીકળા અને કવિતા પર ભારે હથોટી. ગુજરાતના મોટાભાગના લબ્ધપ્રતિષ્ઠ સામયિકોને એમની પીંછી અને કેમેરાનો લાભ કલમ ઉપરાંત મળતો રહ્યો છે. કાયમી વસવાટ ઇટાલીના કોમો શહેરમાં કર્યો અને ઇટાલિઅન યુવતી રોઝાલ્બા સાથે લગ્ન કર્યા પણ તળપદી ભાષા જે રસાળતાથી એમની કવિતામાં ઊતરી આવી છે એ વરદાન તો ગુજરાતમાં વસતા ઘણાં દિગ્ગજ કવિઓને પણ પ્રાપ્ત નથી થયું. ત્રણેક મહિના પહેલાં જ એમનો ક્ષર-દેહ નાશ પામ્યો પણ એમનો અ-ક્ષરદેહ એકમાત્ર કાવ્યસંગ્રહ ‘છોળ’ નામે આપણી વચ્ચે કાયમ રહેવાનો…

રાત-દિવસ જેનું નામ હોઠે રમતું હતું એ પ્રિયજન જીવતો જાગતો મળી જાય તો સંસારની લાજ-શરમ નેવે મૂકીને એને ઝબ્બ દઈ ઝાલવાનો જ હોય. એને પછી પડતો મેલે એ બીજા, અમે નહીં, અમે નહીંની નિતાંત પ્રણયોક્તિનું આ ગીત ભલે ૧૯૮૭માં લખાયું હોય એની પૂર્વભૂમિકા ૧૯૬૮ની છે. કવિના પોતાના શબ્દોમાં આ ગીત માણીએ:

૧૯૬૫ના સપ્ટેમ્બર દરમિયાન હું અને રોઝાલ્બા નેપલ્સમાં પરણ્યાં. ઝઝા અંતર અને ખર્ચની સમજી શકાય એવી બાધાને લઈ એકેય કુટુંબી એ ટાણે હાજર રહી શક્યું નહોતું. પત્ની સંગ ભારત પાછાં ફરતાં સંજોગોવશાત્ ત્રણેક વર્ષો નીકળી ગયાં. પહેલી જ વાર ઘરે આવતી પરદેશી વહુને જોવા કુટુંબ આખુંય ભેળું મળ્યું. બાપુએ રમૂજમાં સવાલ કર્યો, ‘દીકરી! તારે ગામ કોઈ ન જડ્યો તે મારા દીકરાનો હાથ ઝાલ્યો?!’ સવાલને સમજતાંની સાથે જ બાપુ સંગ આંખ પરોવતી એ બોલી, ‘બાપુજી ! ભાગ જાતું’તું મારે રસ્તે થઈ, ઓળખ્યું ને ઝબ્બ લીધું ઝાલી, હવે છોડે ઈ બીજા!’ સ્થળ-કાળ, દેશ-વિદેશ, રહેણી-કરણી, ધર્મ અને ભાષાની ભિન્નતાને સાંકળતા પ્રેમોદગાર થકી નીપજ્યું છે આ વ્રજ ગીત

6 Comments »

 1. pragnaju said,

  December 13, 2009 @ 4:51 am

  સરસ મઝાની રચના અને તેથી મધુર સમજુતી
  “‘બાપુજી ! ભાગ જાતું’તું મારે રસ્તે થઈ, ઓળખ્યું ને ઝબ્બ લીધું ઝાલી, હવે છોડે ઈ બીજા!’ સ્થળ-કાળ, દેશ-વિદેશ, રહેણી-કરણી, ધર્મ અને ભાષાની ભિન્નતાને સાંકળતા પ્રેમોદગાર થકી નીપજ્યું છે આ વ્રજ ગીત ” કેટલુ પ્રેરણાદાયિ રસદર્શન…
  કુદરત પોતાનાં તત્વોનાં આંદોલનો અખંડ બદલ્યા કરે છે, અને એમ કરીને સઘળા પ્રકારની આકૃતિઓ, વર્ણો અને રૂપો ઉત્પન્ન કરે છે. મનુષ્ય પણ પોતાની સૃષ્ટિમાં અર્થાત પોતાના શરીરમાં તે જ પ્રમાણે નિત્ય કર્યા કરે છે. માત્ર વિચાર કરવાથી પોતાના શરીરની ગમે તે વસ્તુનાં આંદોલનોને તે બદલી શકે છે, અને પોતાના શરીરમાં પોતાની ધારેલી ગમે તે સ્થિતિને ઉત્પન્ન કરી શકે છે. આ વિચાર દ્વારા આંદોલનોમાં ફેરફાર કરી શરીર દ્વારા દરેક પ્રકારનાં કાર્ય કરવા માટે દરેક મનુષ્ય સરખો જ શક્તિશાળી છે.પરમાત્માને મેળવવા માટે આપણે ઊર્ધ્વમનના રાજમાર્ગમાંથી પસાર થવું પડે છે. ઈમર્સન આ ઊર્ધ્વ મનને ‘અધિઆત્મા’ કહે છે. તે લખે છે કે ‘મનુષ્ય, જેમાં સર્વ કલ્યાણ અને સર્વજ્ઞાન ભરેલાં છે એવા મંદિરના પ્રવેશદ્વાર જેવો છે. આપણે સામાન્ય રીતે જેને માણસ કહીએ છીએ અને જે ખાય છે, પીએ છે, ઝાડ રોપે છે, હિસાબ-કિતાબ કરે છે, પોતાના વ્યવસાય કે મજૂરી કરે છે તે મનુષ્યનું સાચું સ્વરૂપ પ્રગટ કરતો જ નથી. એ તો મનુષ્યની બાહરી અવળી રજૂઆત કરે છે. આપણે કાંઈ તેને માન આપતા નથી. પણ જેનું આ અંગ છે તેને માન આપીએ છીએ. માણસ પોતાના કાર્ય દ્વારા આ આત્માને પ્રગટ કરે છે, અને આપણે તેને નમીએ છીએ. અધિ આત્મામાં રહેલા અનંત, ગંભીર તથા સર્વ ઈશ્વરીય ગુણધર્મો સામે આપણે નતમસ્તક થઈ જઈએ છીએ.’ આપણે આ અધિ આત્મા કે અંત:કરણના અવાજ તરફ સજાગ બનવાનું છે. તે અવાજને આપણે ઉત્તેજન આપવાનું છે; જેથી તે અવાજને આપણે પૂર્ણપણે સાંભળી શકીએ, તેને કારણે આપણા વિકારો, વિષયો, ભોગ વગેરે તરફથી આપણું ધ્યાન વિમુખ બને. આપણે કામ-ક્રોધાદિ વિકારો સામે લડવાનું નથી; તેની ઉપેક્ષા કરવાની છે. તેઓ આપણી નીચે ગતિ કરાવતાં અજાગ્રત મન સાથે જોડાયેલાં જ રહે છે. આપણે તો આપણો સઘળો પ્રયત્ન ઊર્ધ્વ મન તરફ સજાગ રહેવા માટે કરવાનો છે. જેથી ધ્યાનમાં સ્થિરતા આવે ને અચાનક એ દ્વાર ખૂલી જાય, જે સદાય ખુલ્લાં હતાં.

 2. Pancham Shukla said,

  December 13, 2009 @ 6:11 am

  અદ્ભૂત.
  આ અલગારી ડાયસ્પોરિક પ્રતિભાની જોઈએ તેવી નોંધ ન લેવાઈ એ ખરેખર દુઃખની બાબત છે.

 3. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  December 13, 2009 @ 7:57 am

  એમની કવિતાઓની નોંધ તો સાહિત્ય જગતમાં લેવાઈ છે.
  એમનાં અદભુત ચિત્રોની હવા તો સદા યે વહેતી રહેશે.ઈટાલીમાં વસવાટ પણ ભારતીય વધારે.
  માન-સન્માનના અધિકારીની જે સામાજિક નોંધ મૃત્યુ બાદ પૂરતી નથી લેવાઈ એ ખેદની વાત ખરી; પણ આપણે ભારતીયો મોડે ભૂલ સુધારવાના આદી છીએ; તો આ વસવસો પણ દૂર થઈ જશે.

 4. urvashi parekh said,

  December 13, 2009 @ 10:48 am

  સરસ અને એક્દમ અલગ શબ્દો સાથેની કવીતા..
  બહુ ગમ્યુ…
  સરસ… અને અનુભુતી સરસ રિતે સમજાવાણી છે..

 5. Chandresh Thakore said,

  December 13, 2009 @ 11:34 am

  “જગના વે’વારથી વેગળો તે વ્હાલપનો
  જોઈ બૂઝી બાંધ્યો છે નાતો !”
  વે’વારમાં વ્હાલપ નથી હોતું, અને વ્હાલપમાં વે’વાર શોભતો નથી હોતો એ સમજીને બાંધેલા સંબંધની મગરૂરી દાદ માંગી લે છે. એ અને એવી બીજી મગરૂરી “અમીં નહીં, અમી નહીં”ના પુનરાવર્તનથી અંતરમાં સોંસરી ઊતરી જાય છે!

 6. ધવલ said,

  December 13, 2009 @ 12:22 pm

  પ્રદ્યુમ્ન તન્નાના ગીતો આપણી મોટી અમિરાત સમા છે. કાળજામાં ગુજરાતનો ટુકડો રાખીને જીવવું કેવી રીતે એ એમની પાસે શીખવાનું છે. ગીતની ભાષા અલગ છે પણ છતાં અચાનક અમૃતા પ્રીતમના ગીતો યાદ આવે છે. આવા દિગ્ગજો પ્રેમને માપી બતાવે ત્યારે આપણને પોતાની પ્રેમ માપવાની નાનકડી ફૂટપટ્ટી પર શરમ આવે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment