પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ?
બસ, હ્રદય વચ્ચે કટારી જોઈએ
મૂકેશ જોષી

યાદગાર ગીતો :૧૨: વગડાનો શ્વાસ – જયંત પાઠક

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં

પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર.
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડાં પીયે ને
પીયે માટીની ગંધ મારા મૂળ,
અર્ધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અર્ધું તે તમરાંનુ કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

– જયંત પાઠક

સંગીત : મેહુલ સુરતી
સ્વર : દ્રવિતા ચોક્સી
[audio:http://urmisaagar.com/saagar/audio/vagda-no-swash-JayantPathak.mp3]

જયંત પાઠક (જન્મ:૨૦-૧૦-૧૯૨૦, અવસાન:૧-૯-૨૦૦૩)નો જન્મ ગોઠમાં (પચંમહાલ) થયેલો પણ કર્મે એ પૂરા સૂરતી. વડોદરામાં અભ્યાસ ને પછી મુંબઈમાં થોડો વખત ‘જન્મભૂમિ’માં કામ કર્યા પછી એ સૂરતની કોલેજમાં આધ્યાપક તરીકે જોડાયા ને છેવટ સુધી સૂરતના થઈને રહ્યા. કવિના સંસ્મરણો ‘વનાંચલ’માં વાંચો તો કવિના મૂળનો બરાબર ખ્યાલ આવે. એમણે શરૂઆતમાં ગીત, સોનેટ વધારે કર્યા. આગળ જતા ગઝલ અને અછાંદસ ખૂબ લખ્યા. આમ કવિતા બધા રૂપો સાથે એમને ઘરોબો. (કાવ્યસંગ્રહો : મર્મર, સંકેત, વિસ્મય, અંતરીક્ષ, અનુનય, મૃગયા, શૂળી ઉપર સેજ, દ્રુતવિલંબિત )

જે માટીમાં કવિ ઉછર્યા એ માટી, વગડા અને વાયરાને માટે કવિએ લખેલું આ પ્રેમગીત છે. કહે છે કે માણસને તમે એની જનમભોમકામાંથી બહાર કાઢી મૂકી શકો, પણ માણસમાંથી એની જનમભોમકાને કદી બહાર કાઢી મૂકી શકાતી નથી. જનમભોમકા માણસનો શ્વાસ બનીને હંમેશા એની સાથે જ રહે છે. અંગે અંગે વસી ગયેલાં ને રસી ગયેલા વગડા, નદી, પહાડો, માટી, વનનું આ ચિરંતન ગાન ‘વનાંચલ’ના રાષ્ટ્રગીત સમાન છે.

ગાયકી અને સંગીત વિષે મારું જ્ઞાન સીમિત છે. પણ આ ગીત એટલું સરસ થયું છે કે મારા જેવો પણ સમજી શકે કે મેહુલના સંગીતે આ ગીતને ખરા અર્થમાં જીવંત કરી દીધું છે અને અર્થને એક વધારે આયામ આપ્યો છે.

4 Comments »

  1. Jayshree said,

    December 11, 2009 @ 5:52 PM

    હાશ……………… લયસ્તરો is back..!! 🙂

    અને આમ તો આ ગીત અગણિતવાર સાંભળ્યું છે, પણ આજે લયસ્તરો પર કંઇક વધારે જ મીઠ્ઠું લાગે છે..!!

    કુદરતનો જાદુ રેલાવતા શબ્દો, અને એનો કેફ ચડાવતા મેહુલના સૂર..

  2. sudhir patel said,

    December 11, 2009 @ 8:09 PM

    શ્વાસમાં વગડાનો શ્વાસ ભરી દેતું ખૂબ જ સુંદર ગીત. ઉપરથી મેહુલના અદભૂત સંગીતે કમાલ કરી!
    સુધીર પટેલ.

  3. વિવેક said,

    December 12, 2009 @ 5:21 AM

    ગુજરાતી ગીતોના આકાશમાં ધ્રુવતારક સમું ઝળહળતું આ ગીત મેહુલના સંગીતે અને દ્વવિતાની ગાયકીના કારણે અજરામર થઈ ગયું છે… આ ગીત સાંભળું ત્યારે એકી બેઠકે ત્રણ-ચારવાર સાંભળી ન લેવાય ત્યાં સુધી આગળ વધી શકવું કદી શક્ય બનતું નથી…

    ધવલની આ વાત પણ સાચી: ‘કહે છે કે માણસને તમે એની જનમભોમકામાંથી બહાર કાઢી મૂકી શકો, પણ માણસમાંથી એની જનમભોમકાને કદી બહાર કાઢી મૂકી શકાતી નથી.’ – સો ટચની વાત… મન-ઝુરાપો વેઠી શકાય, તન-ઝુરાપો પણ વેઠી શકાય પણ વતન-ઝુરાપો વેઠવો શક્ય નથી હોતો…

  4. pragnaju said,

    December 12, 2009 @ 7:10 AM

    મેહુલનું સંગીત અને દ્રવિતાનોસ્વર

    ગ્રામ્ય લોકજીવનનો જીવંત ધબકાર

    ખૂબ મઝાનો ઝીલાયો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment