ઓળખું ક્યાંથી એ પડછાયાને મારા !
જે મળ્યો કાયમ મને ઊંધો ફરીને.
ભાવિન ગોપાણી

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં – રમેશ પારેખ

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારે ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડાં તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઈ ઊડ્યા કરે રે લોલ

– રમેશ પારેખ

આજે કવિ શ્રી રમેશ પારેખના જન્મદિવસે માણીએ એમનું એક ગમતીલું ગીત..

અલુણા નિમિત્તે ગોરમાનું વ્રત કરતી કન્યાનો ઉત્સાહ કદી જોયો છે ? એ જે કરે એ એને ઓછું જ પડે… ગોરમાને પૂજવા રૂના નાગલા ખૂટી પડે ને શરીરના શણગારમાં કમખાના આભલાંય એને ઓછાં જ લાગે. નેવેથી પાણીનાં રેલા દડતા હોય એમ મઘ મઘ જૂઈની વેલ માંડવે ચડી હોય અને કુંવારી કન્યા ત્રોફેલા મોર સાથે કે પછી કોઈ ચિત્તચોર સાથે મનમાં વાતો કરતી હોય એવામાં અતિથિના આવણાંની છડી પોકારતા કાગડાના બોલ પણ શરમાવી દે છે.

5 Comments »

 1. Dr. J. K. Nanavati said,

  November 27, 2009 @ 12:12 pm

  ફિલ્મ કાશીનો દિકરોમા આ ગીત રંગ જમાવે છે

  જોવા મળે તો જોવા અને માણવા જેવી ફિલ્મ છે…

 2. sudhir patel said,

  November 27, 2009 @ 1:39 pm

  ખૂબ જ સુંદર લોકગીત બની ગયેલું ગીત!
  કવિ શ્રી રમેશ પારેખને જન્મ-દિવસ પર હાર્દિક શ્રધ્ધાંજલી!
  સુધીર પટેલ.

 3. Pancham Shukla said,

  November 27, 2009 @ 7:22 pm

  ગુજરાતી સહિત્યનું અદકેરું નજરાણું. લોક્ગીતની કક્ષાનું આ લોક્પ્રિય ગીત અહીં સાંભળી શકાશેઃ

  http://tahuko.com/?p=3570

 4. Pinki said,

  December 1, 2009 @ 6:33 am

  મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ…. !

  દરેક સ્ત્રીનાં મનની વાત …!!

 5. PALLAV ANJARIA said,

  December 2, 2009 @ 12:39 pm

  can anyone provide “Junvani Doshio nu Juth” by Ramesh Parekh ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment