જે પ્રેમ પૂરો થઈ ગયો એ ના જતાવ તું,
બાકીમાં શું હિસાબ રહ્યો એ લખાવ તું.
મેગી આસનાની

મિલનનું સ્વપ્ન – સ્નેહરશ્મિ

ત્યજીને ખોળો કો ગિરિવરતણો ને વન વનો-
તણાં ગાનો કેરા નિજ લહરમાં ઝીલી પડઘા,
કદી વા ઊંચા કો ખડક કપરા કાળ સરખા,
ગજાવીને દોડે કો તરલ મીઠી કન્યાસમ અને
ઘડીમાં ફેલાતી ઉભય તટપે, ગૌરવભરી
મહારાજ્ઞી જેવી, વહતી સરિતા જેમ ચમકે
સુણીને પ્હેલાં તો રવ ઉદધિનો – કિન્તુ ઉછળી
પછી રે’તી તે જ્યાં જ્યમ ગહનના ભવ્ય સપને,
પ્રભો ! તેવી રીતે કદી સરળ વા કષ્ટ વહતી,
કદી કાન્તારોમાં પરમ સુખના વા ખડક પે
મહા દુઃખો કેરા, ફુદડી ફરતી, જીવન-નદી
સુણે આઘાતે જ્યાં ગહન ગહરો કાળરવ ત્યાં
લખાશે ના ભાગ્યે મિલન-સપનાં તું – ઉદધિનાં ?

-સ્નેહરશ્મિ

પહાડનો ખોળો ત્યજીને અને વનોના ગીતોના પડઘા પોતાની લહેરોમાં ઝીલતી ઝીલતી નદી કદી ચંચળ કન્યાસમી ઊંચા કપરા ખડકોને ગજવતી તો કદી ગૌરવવંતી મહારાણી જેવી બંને કાંઠા છલકાવતી વહે છે અને સાગર નજીક આવતાં પહેલાં તો ઘુઘવાટા સાંભળી ચમકે છે પણ પછી ગહનમાં ભળી જવાના સપનાંનું સાફલ્યપણું નજરે ચડતા ઉછળીને દોડે છે એમ જ આ જીવનની નદી પણ કદી સરળ તો કદી કષ્ટપૂર્ણરીતે, કદી પરમ સુખના કોતરોમાં તો કદી મહાદુઃખના ખડકો વચ્ચે ફુદરડી ફરતી વહેતી રહે છે. કાળનો ગહન નાદ સંભળાય ત્યારે આઘાતથી ચમકે છે કે શું આ જીવનનદીના ભાગ્યમાં ઈશ્વરરૂપી સાગરના મિલનના સ્વપ્નનું સાફલ્ય લખાયું નથી?

4 Comments »

  1. pragnaju said,

    September 26, 2009 @ 2:55 AM

    સુણે આઘાતે જ્યાં ગહન ગહરો કાળરવ ત્યાં
    લખાશે ના ભાગ્યે મિલન-સપનાં તું – ઉદધિનાં ?
    સુંદર
    ઘણી નદીના ભાગ્યમા લખાયું જ છે
    પણ પિયર આવવાનું નથી જ!

    કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
    નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

  2. sapana said,

    September 26, 2009 @ 9:05 AM

    સુંદર રચના.
    શ્રી સ્નેહરશ્મીને મારા બાળપણમાં મળી હતી અને એના મુખે કાવ્યો સાંભળેલા.મારાં અહોભાગ્ય.
    સપના

  3. ધવલ said,

    September 26, 2009 @ 10:08 PM

    સરસ ઊર્મિપ્રધાન કાવ્ય !

  4. P Shah said,

    September 27, 2009 @ 9:23 PM

    સુંદર ઊર્મિકાવ્ય !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment