તારી સ્પૃહાના સાગરો માઝા મૂકે છે ને
સંભવનદીનો પટ તો થતો જાય સાંકડો.
વિવેક મનહર ટેલર

આરસીમાં – શેખાદમ આબુવાલા

આરસીમાં ડાબું જમણું હોય છે,
ભૂમિતિનું એ ઉઠમણું હોય છે.

જિંદગીમાં જે નથી પૂરું થતું,
એ જ સમણું ખૂબ નમણું હોય છે.

દિનની ઈચ્છાઓનું ભારણ રાતમાં,
કોણ જાણે કેમ બમણું હોય છે.

જે ફરે છે દિવસે થૈને અનાથ,
રાત્રે જન્મેલું એ સમણું હોય છે.

દર્પણે આદમ તમે જોયૂં નહીં,
જમણું ડાબું ડાબું જમણું હોય છે.

– શેખાદમ આબુવાલા

1 Comment »

  1. વૈશાલી said,

    April 18, 2006 @ 2:09 AM

    અરીસામાં ડાબું એ જમણું દેખાય અને જમણું એ ડાબું દેખાય એ રોજબરોજની અતિસામાન્ય લાગતી વાતને ભૂમિતિ સાથે સાંકળી કાવ્યમાં ચમત્કૃતિ ક્યાં તો શેખાદમ સર્જી શકે ક્યાં રમેશ પારેખ.

    મને વિવેકનો એક શેર યાદ આવે છે:

    “પચાવીને જીવનનો મર્મ બેઠો છે એ એથીસ્તો
    બધુ દેખાય એને ઊલ્ટું, જુએ જે અરીસાને.”

    -વૈશાલી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment