શ્વાસોના ટાંકણાથી ભીતર ના ખોતરાયું,
રહી રહીને પાછા ફરવું એથી સિરે લખાયું.

વિવેક મનહર ટેલર

સૂર્ય – લાભશંકર ઠાકર

And very luckily for you and me,
the uncivilised sun mysteriously shines
on good and bad alike, he is an artist.

પોષની શીતલ સવારે
આંખમાં કાજળ અને
મુખ પર લપેડા શ્વેત.
ત્યાં
પડતો
(ઈશુની આંખ જેવો)
સૂર્ય.
જે
થોડા દિવસ પર
સાંજના
ગંગાતટે
પાણી ભરી
પશ્ચિમ જનારી
કો’ક કન્યાના
ઘડા પર
શ્રમિત શો
બેઠેલ …
ને આજે અહીં.

– લાભશંકર ઠાકર

કાવ્યની શરૂઆત ઈ.ઈ.કમિંગ્ઝની પ્રખ્યાત પંક્તિઓથી કરી છે. કાવ્ય એ પંક્તિની મિમાંસા સમાન છે. બે તદ્દન અલગ ચિત્રો દોરીને કવિ વિરોધાભાસ ઊભો કરે છે – પહેલું ચિત્ર બજારુ સ્ત્રીનું છે. અને બીજુ ચિત્ર ગંગાતટે પાણી ભરવા આવેલી કન્યાનું છે. સૂર્ય તો બન્ને પર સરખો પ્રકાશે છે. બન્ને સૂર્યની નજરમાં સમાન છે.  કદાચ એની નજરમાં બધા સમાન છે એટલે જ એ સૂર્ય છે.

જોવાની વાત એ છે કે સૂર્યને કમિંગ્ઝ કલાકાર કહે છે. કલાકારને બધુ સરખું – ન સમાજના નિયમ, ન ઊંચ-નીચના વાડા, ન ધરમ-કરમનો ભેદભાવ. જ્યાં બધા સિમાડા ઓગણી જાય તે જ કલા એવો ગર્ભિત ઈશારો પણ એમા સમાયેલો છે.

9 Comments »

  1. P Shah said,

    June 16, 2009 @ 10:37 PM

    સુંદર રચના !

    કલાકાર ભેદભાવથી દૂર છે,
    એ જ કલાનું સાચું નૂર છે.

  2. વિવેક said,

    June 16, 2009 @ 10:43 PM

    અદભુત કવિતા…

    કમિંગ્ઝની ત્રણ પંક્તિ તો શ્રેષ્ઠતમ ગણી શકાય… આ અનુભૂતિ આપણી રોજેરોજની છે પણ આવો ઉદ્દાત વિચાર આપણને આવતો નથી… રોજિંદા જીવનના ખરબચડા શણિયામાંથી રેશમનો એક તાર પકડી પાડે એ કવિતા !

  3. mrunalini said,

    June 17, 2009 @ 2:33 AM

    ‘ન સમાજના નિયમ, ન ઊંચ-નીચના વાડા, ન ધરમ-કરમનો ભેદભાવ. જ્યાં બધા સિમાડા ઓગણી જાય તે જ કલા એવો ગર્ભિત ઈશારો પણ એમા સમાયેલો છે.’
    સૂર્યમંદિરો વિશે જાતજાતના વિવાદ ચાલ્યા કરે છે, અને ઘણી ગેરસમજો પ્રવર્તે છે. કેટલાક કહે છે કે મંદિરમાં આટલો બધો શ્રૃંગાર તે બતાવવાનો હોય ? કેટલાકને તો એ બધાં શ્રૃંગારિક શિલ્પો જોઈને એટલી બધી ઘૃણા ઊપજે છે કે તેઓ ત્યાં સુધી કહે છે કે આવાં બધાં શિલ્પોને તોડી નાખવાં જોઈએ ! જો કે મને એમ લાગે છે કે સામાન્ય રીતે લોકો ત્યાં જાય છે, તેઓ ભક્તિભાવથી જાય છે અને તેઓ મોટે ભાગે આ બધું જોવાને બદલે ભગવાનને જ જુએ છે. વળી, મને એમ લાગે છે કે પહેલાંના સાધકોએ આને જ પોતાની સાધના માની હશે કે આ બધુંયે નિર્વિકાર દષ્ટિએ જોવું.

  4. pragnaju said,

    June 17, 2009 @ 2:39 AM

    આપણી સંસ્કૃતિમા—
    સૂર્ય એટલે ઉત્તમ પ્રેરણા આપનારો. સુ + ઈર. ‘ઈર’ એટલે પ્રેરણા આપનારો. સૂર્યને જ સૂક્ષ્મ રૂપે સવિતા પણ કહે છે. ગાયત્રી મંત્રમાં એના જ વરણીય સ્વરૂપનું ધ્યાન કરીને બુદ્ધિ માટે એની પાસે ઉત્તમ પ્રેરણાની અપેક્ષા રાખવામાં આવી છે. સૂર્યનું એક નામ ‘સ્વરાટ્’ છે, જેના પરથી ‘સ્વરાજ’ શબ્દ આવ્યો. સ્વરાટ્ એટલે સ્વયંપ્રકાશી. સૂર્ય સ્વાવલંબી છે. ચંદ્રને અન્યરાજ કહ્યો. તે બીજાના પ્રકાશમાં વિરાજમાન છે. આમ ‘સ્વરાટ્’ શબ્દ બહુ સરસ અર્થ બતાવનારો છે. ‘ભાસ્કર’, ‘ભાનુ’ વગેરે શબ્દો પણ પ્રકાશસૂચક છે. સૂર્યનું સંસ્કૃતમાં એક નામ છે, ‘શંસ:’ તેના પરથી જ અંગ્રેજીમાં ‘સન’ (sun) થયું અને ફ્રેન્ચમાં ‘સોલઈ’ થયું. યુરોપની બધી ભાષાઓમાં સૂર્યવાચક શબ્દ સંસ્કૃત પરથી બન્યા છે.

  5. Dinesh Pandya said,

    June 17, 2009 @ 3:19 AM

    એક જ છોડ પરથી બે ફૂલ ચુંટાયા – એક ગજરા માં ગુંથાઈ તવાયફના કેશે ચડ્યું – બીજું પુજાની થાળીમા થઈ ભગવાનને ચડ્યું. નદીના પુરમા, વાવાઝોડામા, ધરતીકંપમા કે અિગ્નમા સારું નરસુ બધુ
    નાશ પામે છે. ઇશ્વરની લીલા ન્યારી છે.

  6. Pancham Shukla said,

    June 17, 2009 @ 8:02 AM

    Superb poems. Equally lucid- Dhaval’s insight. લા.ઠા.ના પ્રિય એવા કટાવ આંદોલનો – વાહ!

  7. Pinki said,

    June 17, 2009 @ 12:11 PM

    કદાચ એની નજરમાં બધા સમાન છે એટલે જ એ સૂર્ય છે. !!!

  8. sudhir patel said,

    June 17, 2009 @ 8:57 PM

    અંગ્રેજી અને ગુજરાતી બન્ને કવિતા ખૂબ જ સુંદર અને માણવા લાયક.
    ધવલભાઈનું સચોટ રસ-દર્શન!
    સુધીર પટેલ.

  9. Sandip Bhatia said,

    June 23, 2009 @ 6:31 AM

    … રોજિંદા જીવનના ખરબચડા શણિયામાંથી રેશમનો એક તાર પકડી પાડે એ કવિતા !

    – વાહ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment