ગળતું જામ છે – ‘મરીઝ’

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

– ‘મરીઝ’

12 Comments »

  1. વિવેક said,

    March 22, 2006 @ 12:48 AM

    મારો પ્રિય શેર છે આ-
    છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
    કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

    અને આ છે ગુજરાતીના સર્વકાલીન સર્વોત્કૃષ્ટ શેરમાંનો એક-
    જિંદગીના રસને પીવામાં કરો જલ્દી \’મરીઝ\’,
    એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

  2. ધવલ said,

    March 22, 2006 @ 11:46 AM

    હા, એ જ મારો પણ પ્રિય શેર છે. મારા માટે હું એને આમ બદલીને વાંચું છું –

    છે સ્ખલન સો બસો પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
    કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

    🙂 🙂 🙂

  3. Tuhin said,

    May 23, 2006 @ 3:05 AM

    I heard this song in great voice of Begam Akhatar.Does anybody have copy of it ?

  4. Jayshree said,

    March 19, 2007 @ 4:10 AM

    ધવલભાઇ,
    બે શેર ઉમેરું ?

    મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો,
    આપ પણ એવું કહો છો કે મને આરામ છે !

    કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુખતું હશે !
    આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે.

  5. ધવલ said,

    March 19, 2007 @ 12:42 PM

    આભાર જયશ્રી !

  6. UrmiSaagar said,

    March 20, 2007 @ 1:00 PM

    આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
    આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

    આ મારો અતિ પ્રિય શેર છે!
    એનું કારણ એ છે કે જિઁદગીમાં આ શેર ‘કોઇ’ને વારંવાર કહેવાની મને ખુબ જ મજા આવે છે…
    :-))

  7. dhiraj said,

    March 24, 2011 @ 3:18 AM

    [….છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
    કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.]

    આ શેર વાચતી વખતે દરેક ને પોતાના સ્ખલન યાદ આવતા હશે…

  8. mitesh said,

    April 14, 2011 @ 12:13 PM

    I HAVE NO WORDS 4 MARIZ
    HE WAS LEGEND

  9. chandrakant shah said,

    May 10, 2011 @ 6:57 PM

    બેના
    બેગમ અખ્તરે ગાયેલ ગઝલ લાવેી આપો ને?
    ચન્દ્રકાન્ત શાહ્

  10. VIPUL PARMAR said,

    February 11, 2015 @ 2:47 AM

    એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
    એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

    આ શેર જુઓ……!

  11. Prakash khatri said,

    April 4, 2021 @ 2:10 AM

    વીતેલી ક્ષણોને કોઈ દી વાગોળી જોજો,,
    તમારા જહન માં મારું પણ નામ છે..!

  12. Starpayal Iyer said,

    November 11, 2023 @ 7:00 PM


    બેગમ અખ્તરજી એ ગયેલ આ ગઝલની લિન્ક ઉપર આપેલ છે. સાહિત્યને આટલું માણી શકનાર મિત્રો અને લાગણીઓને જીવી શકનાર મિત્રો છે, તે જાણીને ખૂબ આનંદ થયો….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment