લાગણીએ ખુદ મને પાડ્યો ઉઘાડો, લાગણી કેવી તો કે’ કે જાણભેદુ,
આપણી જાત જ નડી છે, જાત પાછી આપણી કેવી તો કે’ કે જાણભેદુ.
વિવેક મનહર ટેલર

મારી ધરપકડ કરો ! – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

સાક્ષાત્ છું ઝનૂન, મારી ધરપકડ કરો !
મારું કર્યું મેં ખૂન, મારી ધરપકડ કરો !

ના, કોઈથી ઊતરતા હોવું ગુનો નથી, પણ-
હું છું સ્વયમ્ થી ન્યૂન, મારી ધરપકડ કરો !

લીધેલ શ્વાસ તરત જ ઉચ્છવાસ થઈ ઢળે ત્યાં
છે જીવવાની ધૂન, મારી ધરપકડ કરો !

આ ખાટકીને ઠંડી ક્યાંથી પડે, જમાદાર !
આ ધાબળા, આ ઊન, મારી ધરપકડ કરો !

જે ખીણમાં વસું છું, એ ખીણની દીવાલે,
મેં ચીતર્યું બલૂન, મારી ધરપકડ કરો !

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

કોઈ ગઝલ ચિત્કાર લઈને આવે છે. આ એવી ગઝલ છે. બરછટ પીંછીના ઘેરા લસરકાઓથી કવિ છૂટા છવાયા ચિત્રો દોરી આપે છે. ટૂટેલા કાચના ટૂકડાઓ જેવા એક એક શે’રમાં તમને પોતાની જાતનું (ટૂટેલું) પ્રતિબિંબ દેખાય તો આ ગઝલ સમજાયલી ગણવી.

ગઝલમાં બહુ ઝીણી વાતો કરી છે : પોતાની નજરમાંથી પડી જવાથી મોટો ગુનો (અને સજા) બીજી કોઈ નથી. એક પછી એક અપરાધ કર્યા પછી જાડી થઈ ગયેલી ચામડીની વાત ખાટકી અને ઊન દ્વારા કરી છે. અને સ્વતંત્રતાનું સપનું જોવાના ગુનાની વાત બલૂન ચિતરવાથી કરી છે.

6 Comments »

  1. Urmi said,

    February 16, 2009 @ 11:40 PM

    વાહ… સુંદર ગઝલ. “મારી ધરપકડ કરો” રદીફ પણ નવલો અને મજાનો લાગ્યો…!

  2. વિવેક said,

    February 17, 2009 @ 12:04 AM

    સરસ ગઝલ… બધા શેર અર્થગહન થયા છે. છંદની કચાશ જોકે થોડી કઠે છે.

  3. RAMESH K. MEHTA said,

    February 17, 2009 @ 1:02 AM

    CREATIVE AND MEANINGFUL GAZAL.

  4. pradip sheth said,

    February 17, 2009 @ 2:47 AM

    નવા રદિફ સાથેની સુન્દર ગઝલ.

  5. Shah Pravinchandra Kasturchand said,

    February 17, 2009 @ 7:12 AM

    સહુની સાથે હું સહમત.
    બહુ સરસ,’નો’ બેમત.

  6. pragnaju said,

    February 17, 2009 @ 8:48 AM

    ખ્વાબની સુંદર ગઝલનાં આ શેરો-
    લીધેલ શ્વાસ તરત જ ઉચ્છવાસ થઈ ઢળે ત્યાં
    છે જીવવાની ધૂન, મારી ધરપકડ કરો !
    આ ખાટકીને ઠંડી ક્યાંથી પડે, જમાદાર !
    આ ધાબળા, આ ઊન, મારી ધરપકડ કરો !
    જે ખીણમાં વસું છું, એ ખીણની દીવાલે,
    મેં ચીતર્યું બલૂન, મારી ધરપકડ કરો !
    વા હ
    યાદ આવ્યા
    અમારા સત્યાગ્રહના દિવસો!
    પોલીસની સ્ટેશન પાસે સત્યાગ્રહીઓનું એક ટોળું …
    પોલીસની ગાડીમાં નીડરતાથી ઘૂસીને લોકો પોતાની ધરપકડ કરાવી લેતા હતા !
    અહીં કવિનો આક્રોશ ઉછાળા મારે છે. આજની પેઢીને મૂલ્યોની કદર નથી, એવી બૂમાબૂમ થાય છે. પણ મૂલ્યોને કાજે બલિદાન આપનારા માણસો એમણે તો વરસોથી જોયાજ નથી.
    અને વારંવાર આંતર વેદનાવાળા રદિફથી ચિત્કાર કરે છે
    -“મારી ધરપકડ કરો !”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment