ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે - વિતાવી નહીં શકે.
મરીઝ

કેમ છો ? – ચિનુ મોદી

                                               કેમ છો ? સારું છે ?
દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
આમ  જ  પૂછવાનું  કામ  મારું  છે ?
                                               કેમ છો ? સારું છે ?

અંકિત  પગલાંની  છાપ  દેખાતી  હોય
અને મારગનું નામ ? તો કહે: કાંઈ નહીં,
દુણાતી   લાગણીના   દરવાનો   સાત
અને દરવાજે કામ ? તો કહે: કાંઈ નહીં;
દરિયો  ઉલેચવાને  આવ્યાં  પારેવડાં
ને  કાંઠે  પૂછે   કે   પાણી  ખારું  છે ?
                                               કેમ છો ? સારું છે ?

પાણીમાં   જુઓ   તો   દર્પણ  દેખાય
અને  દર્પણમાં  જુઓ  તો  કોઈ નહીં,
‘કોઈ નહીં’ કહેતામાં ઝરમર વરસાદ
અને  ઝરમરમાં  જુઓ તો કોઈ નહીં;
કરમાતાં   ફૂલ   ખરતાં  બે  આંસુઓ
ને   આંખો  પૂછે  કે  પાણી  તારું છે ?
                                               કેમ છો ? સારું છે ?

– ચિનુ મોદી

કવિ એવી અવસ્થાની વાત કરે છે કે જ્યાં કોઈ ખરો રસ્તો કે ખરી લાગણી બતાવે નહીં, ને કામ લાગે એવો સહારો પણ આપે નહીં અને પૂછે રાખે ‘કેમ છો ? સારું છે ?’ અંદરનો ખાલીપો જોઈને આંખ ભરાઈ આવે ત્યારે પોતાને એવો સવાલ થાય, આ આસું ખરેખર મારાં છે ? – આ ખાલીપાની ચરમસિમા છે. પણ આ બધા અર્થવિસ્તાર કોરે મૂકી ગીતને ખાલી બે વાર મોટેથી વાંચી જુઓ – ગીતની ખરી મઝા તો એમા છે !

8 Comments »

 1. ઊર્મિ said,

  February 3, 2009 @ 10:07 pm

  અરે વાહ… ખૂબ જ મજાનું ગીત.. વાંચતાવેંત ખૂબ જ ગમી ગયું! અને “કેમ છો ? સારું છે ?” નાં સાવ સરળ અને રોજીન્દા શબ્દોની ધ્રુવપંક્તિ ખરેખર કમાલની લાગે છે…!

 2. pragnaju said,

  February 3, 2009 @ 10:12 pm

  ંદર ગીત
  અંકિત પગલાંની છાપ દેખાતી હોય
  અને મારગનું નામ ? તો કહે: કાંઈ નહીં,
  દુણાતી લાગણીના દરવાનો સાત
  અને દરવાજે કામ ? તો કહે: કાંઈ નહીં;
  મઝાની પંક્તીઓ
  યાદ આવી
  લાગણી મારી સતત રણભેર છે,
  ક્યાં કદી ઈચ્છા બધી થઈ જેર છે ?

 3. વિવેક said,

  February 4, 2009 @ 1:55 am

  મસ્ત મજાનું ગીત… લયમાં જેટલું પ્રવાહી છે, સ્વાદમાં એટલું જ ગળચટ્ટું…

 4. ડો.મહેશ રાવલ said,

  February 4, 2009 @ 2:30 am

  સુંદર ગીત,
  અને એમાંય આ પંકતિ…
  પાણીમાં જુઓ તો દર્પણ દેખાય
  અને દર્પણમાં જુઓ તો કોઈ નહીં,
  વાહ!

 5. mahesh Dalal said,

  February 4, 2009 @ 6:12 am

  ગજબ નિ કલ્પ્ ના .. દિલ મા ઉતરિ … સમર્થ કવિ ..
  તમે ચિનુ..

 6. urvashi parekh said,

  February 5, 2009 @ 4:07 pm

  સરસ છે.
  કેટલુ ઉપર ઉપર નુ હોય છે કે છો? સારુ છે.

 7. Prashant said,

  February 5, 2009 @ 5:04 pm

  બહૂ ખબર ના પડી , છતા બે લિટી મારા તરફ થી …..

  આકાશ મા જુવો તો વાદળા દેખાય ,
  ને વાદળ મા જુવો તો કાઈ નહી

  ના પુછશો હવે કેમ છો? સારુ છે?
  અહીયા કોણ તારુ અને મારુ છે.

  – પ્રશાન્ત ‘અજ્ઞાની’

 8. kirankumar chauhan said,

  February 5, 2009 @ 10:21 pm

  khoob sundar geet !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment