ગમતું-અણગમતું બધુંયે આવતું-જાતું રહે છે,
વ્હેણ છે, જોયા કરો – એ આંતરીને શું કરીશું ?
મનસુખ લશ્કરી

ગઝલ – શિવજી રૂખડા

ફોડ પરપોટો હવે પાષાણ પર
શું ભરોસો રાખવો પોલાણ પર.

આપણે કાંઠા ઉપર છબછબ કર્યું
કેમ જાશું લ્યો હવે ઊંડાણ પર.

મૂળ કાગળ ધ્યાનમાં લીધો નહીં
ધ્યાન આપ્યું ફક્ત બીડાણ પર.

એટલે ભૂલા પડયા,પૂછ્યું છતાં
કોઇ દી ચાલ્યા નહી પૂછાણ પર.

આમ રજકણ રોજ બમણી થાય છે
કાળજી રાખી નહી ધોવાણ પર.

ઢાળનું કારણ બહુ ગમતુ હતું
એટલે આવી ગયા નીચાણ પર.

-શિવજી રૂખડા

શિવજી રૂખડાની આ ગઝલ મહેંદીના રંગ જેવી છે. જેટલો વધુ સમય મહેંદી હાથ પર રાખો, રંગ એટલો ગાઢો આવે. દરેક શેર એકવાર સમજી લીધા પછી ફરીથી વાંચવા જેવો થયો છે. માનવસ્વભાવની મૂળભૂત નબળાઈઓ એક પછી એક શેરમાં અદભુત રીતે ઊઘડી આવી છે. આપણું પોલપણું, ઊંડાણમાં ન જઈ સપાટી પર છબછબિયા કર્યા કરવાની વૃત્તિ, અંદરના સત્ત્વને જોવાને બદલે ઉપરનો આડંબર જોવા ને પોષ્યા કરવાની મથરાવટી, અન્ય પરનો સતત અવિશ્વાસ, ઘસારાની અવગણના અને અધોગામી વૃત્તિઓ…. કવિ માનવમનના કયા દરિયામાં જઈ આ મોતી કાઢી લાવ્યા છે !

10 Comments »

  1. foram said,

    December 21, 2008 @ 1:14 AM

    વાહ!!! એક એક શેર ખૂબ સુંદર..

  2. Shaileshpandya BHINASH said,

    December 21, 2008 @ 3:34 AM

    nice……………….

  3. Shah Pravinchandra Kasturchand said,

    December 21, 2008 @ 7:15 AM

    ‘બીડાણ’ અને ‘પૂછાણ’ જેવા શબ્દો ગઝલમાં વપરાયા.
    લાવો હવે શરુ કરી દઈએ સમાજમાં ચાલુ ‘વપરાણમાં.’

  4. sudhir patel said,

    December 21, 2008 @ 4:05 PM

    બગસરાના કવિ-મિત્ર શિવજી રૂખડાની સુંદર ગઝલ માણવાની મજા આવી.
    સુધીર પટેલ.

  5. pragnaju said,

    December 21, 2008 @ 6:17 PM

    ફોડ પરપોટો હવે પાષાણ પર
    શું ભરોસો રાખવો પોલાણ પર.
    સરસ
    યાદ આવી
    ખુદિતો પાષાણ” કવિવર રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા છે, અને મજાની વાત એ છે કે આ વાર્તા ટાગોરે અમદાવાદમાં તેઓ થોડો સમય રોકાયા હતા ત્યારે લખી હતી. તેઓ તેમની ઊછરતી યુવાનીમાં અમદાવાદમાં સારોએવો સમય રહ્યા હતા!

  6. GAURANG THAKER said,

    December 21, 2008 @ 10:50 PM

    મત્લાનો શેર ખુબ સરસ…વાહ વાહ વાહ્….

  7. Pinki said,

    December 22, 2008 @ 3:50 AM

    વાહ્… સાચે જ મત્લાનો શેર અદ્.ભૂત !!

  8. uravshi parekh said,

    December 22, 2008 @ 6:42 PM

    આપણે કાન્ઠા પર છબછબ કર્યુ.
    કેમ જાશુ લ્યો હવે ઉઁડાણ પર્
    માનવ મન નિ વાસ્તવિક્તા રજુ કરી દિધી નાની એવી રચના મા..

  9. P Shah said,

    December 24, 2008 @ 12:31 PM

    પોલાણ પર વિશ્વાસ રાખવા કરતા પરપોટો જ ફોડી નાખવો સારો !
    જ્યારે ઊઁડા ચિંતનની એરણ પરથી શેર ઉતરી આવે છે ત્યારે એનો
    મિજાજ કંઈ ઓર જ હોય છે.
    કવિ ને અભિનંદન !

  10. Abhijeet Pandya said,

    January 4, 2009 @ 5:02 AM

    મૂળ કાગળ ધ્યાનમાં લીધો નહીં
    ધ્યાન આપ્યું ફક્ત બીડાણ પર

    આ શેરમાં સાની મીસરામાં ગા ખુટે છ.ે ભુલ સુધાર્વા િવનંિત..ધ્યાન આપ્યું પછી ગા આવવો
    જોઈએ તેના બદલે લ આવે છે. રચના સારી છે એ બદલ અિભનંદન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment