હજી તું ટેકવી શકે છે તારું માથું આ ખભે,
ભલે જગત ગયું રસાતળે, હું એનો એ જ છું.
વિવેક મનહર ટેલર

હસ્તપ્રત – મનોજ ખંડેરિયા

કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.

નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.

ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ.

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

-મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયાની ગઝલોની એક નોંધપાત્ર વિશેષતા સરળ અને સહજ ભાસતા શેરોમાં રહેલું અર્થગંભીર ઊંડાણ છે. ‘પોતાની’ એક ક્ષણ પરત મળે તો કવિ બદલામાં જે માંગવામાં આવે એ આપવા તૈયાર છે. અહીં ‘મારી’ શબ્દ ખાસ ધ્યાન માંગી લે છે. વિતેલી ક્ષણ પાછી મેળવવાનું કામ જ આમ તો દુષ્કર છે પણ અહીં કવિની એક માત્ર શરત એ છે કે એ ક્ષણ પણ જો પરત મળે તો એ એમની જ પોતાની હોય. અને પોતાની ભીતર આવવા માટેનું આહ્વાન પણ કેવી સ-રસ રીતે કવિ આપે છે!

10 Comments »

 1. Jina said,

  November 20, 2008 @ 2:45 am

  ઘણા વર્ષોથી કંઠસ્થ અને હૃદયસ્થ રહેલી મનોજ ખંડેરિયાની રચનાઓમાંની એક…

 2. Bhavesh said,

  November 20, 2008 @ 2:56 am

  મને તો આ બહુ જ ગમી…

  ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
  તમે જોયું છે આ જગત માત્ર એક જ.

 3. Mansi Shah said,

  November 20, 2008 @ 6:40 am

  Too beautiful. Ekdum saras chhe.

 4. Shah Pravinchandra Kasturchand said,

  November 20, 2008 @ 8:07 am

  અભિનંદન કરું,છે શરત માત્ર એક જ.
  મનોજ પાછો ફરે, શરત માત્ર એક જ.

 5. pragnaju said,

  November 20, 2008 @ 9:44 am

  સુંદર ગઝલની ગમી જાય તેવી પંક્તી
  નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
  ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.હસ્તપ્રતનું લખાણ સામાન્યપણે માંગલિક શબ્દો અને સંકેતોથી શરુ થઈ માંગલિક શબ્દો અને સંકેતોથી પૂર્ણ કરવામાં આવે છે.શૈલીની જેમ લિપિ પણ પરિવર્તનશીલ રહી છે.પરિવર્તનના આધારે કોઈ પણ પ્રત કઈ સદીમાં લખાયેલ છે, તેનું સચોટ અનુમાન સરળતાથી લગાવી શકાય છે.આવા ગ્રંથો ઉપર ક્વચિત્ એક ખુણામાં ઝીણા અક્ષરે લખાયેલ ચોર અંક પણ જોવા મળે છે.
  યાદ આવી
  ય્કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું :
  તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી.

 6. ધવલ said,

  November 20, 2008 @ 12:11 pm

  ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
  તમે જોયું છે આ જગત માત્ર એક જ.

  – સરસ !

 7. uravshi parekh said,

  November 20, 2008 @ 12:29 pm

  સરસ..
  ઘણી ગમિ.
  સરસ રચના અને ઘણા ઉન્ડાણ વાળી.

 8. ડો.મહેશ રાવલ said,

  November 20, 2008 @ 2:44 pm

  મનોજ ખંડેરીયાની ગઝલો એ મને કાયમ આકર્ષ્યો છે વિવેકભાઈ!
  એમની અભિવ્યક્તિમાં એક અલગ જ પ્રભાવ જોયો છે મેં.
  જે એમને અન્યથી અલગ તારવે છે.
  જ્યારે પણ એમને મળવાનું થયેલું ,મેં આ વાત એમને અવશ્ય કહી’તી
  અને એમણે હંમેશની જેમ લાક્ષણિક રીતે મંદ હાસ્ય જ વેરેલું ઉત્તરસ્વરૂપે…..પણ હવે ક્યાં?
  આ પંક્તિ મને ખાસ ગમી……
  નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
  નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.

 9. mahesh Dalal said,

  November 23, 2008 @ 6:48 am

  અલ્ગારિ મનોજ્. ખુબ કહિ../// વાહ

 10. સુનિલ શાહ said,

  November 23, 2008 @ 11:56 pm

  કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
  મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.

  કેવી સરળ–સહજ વાત..!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment