જીવન પ્યારું હતું તો રોમેરોમે દીપ જલતા’તા,
બળી મરવું છે ત્યારે કાં નથી જડતો તિખારો પણ ?
જટિલરાય કેશવલાલ વ્યાસ \'જટિલ\'

તારી સુવાસ – હરીન્દ્ર દવે

તારી  સુવાસ અંગ થકી  ઓસરી નથી,
આશ્લેષથી  તું જાણે કદીયે સરી નથી.

ફૂલોએ  કેમ  જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો  મેં  આખે રસ્તે હજી પાથરી નથી.

શમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં  તો  હજી  બે પાંપણો ભેગી  કરી નથી.

એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ  લોકોએ  કદીય  મહોબ્બત  કરી નથી.

– હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે કોમળતાના કવિ છે. એ જ્યારે પ્રેમ-ગઝલ લખે તો કેટલી ઋજુ બને એ જ જોવાનું રહે ! ‘એમનો વાંક ક્યાં / એ લોકોએ કદી મહોબ્બત કરી નથી’ એ ઈસુ ખ્રિસ્તના કે ગાંધીના મોઢે શોભે એવો ઉદ્દાત-મન શેર થયો છે. પણ મારો પ્રિય શેર એનાથી આગલો છે. પોતે હકીકત જાણતા હોવા છતા માત્ર પ્રિયજનના કહેવાથી એને સ્વપ્ન માની લેવાની તૈયારી એ નકરો પ્રેમ છે. કોઈની આંખમાં જોવાથી હકીકત અને શમણાં વચ્ચેની સરહદ ઓગળી જાય તેનાથી વધારે સાચી પ્રેમની વ્યાખ્યા કઈ હોઈ શકે ?

8 Comments »

 1. Jina said,

  November 3, 2008 @ 2:32 am

  ફક્ત બે શબ્દો… વાહ વાહ!!!

 2. uravshi parekh said,

  November 3, 2008 @ 5:54 am

  સરસ..
  આ રસ્તે આવવાની ઉતવળ કરો નહી.
  આન્ખો મે આખે રસ્તે પાથરી નથી.
  કેટલુ ધ્યાન રખાય છે.
  અને ગમતિ વ્યક્તિ નુ કહેવુ બધુ જ માની લેવય છે.
  પછી તે ભલે મનાય તેવુ હોય કે ન હોય…

 3. ઊર્મિ said,

  November 3, 2008 @ 9:20 am

  My all-time favorite gazal…!

  બધા જ અશઆર એકદમ જક્કાસ છે…!

 4. pragnaju said,

  November 3, 2008 @ 10:36 am

  એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
  એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.
  ખૂબ સુંદર ગઝલનો આ ગમી જાય તેવો શેર

 5. Natver Mehta, Lake Hopatcong,NJ 07849 said,

  November 3, 2008 @ 10:55 am

  વાહ!!
  શુભાનઅલ્લાહ!!
  આફરિન…આફરિન…આફરિન….!!
  હરિન્દ્રભાઇ એટલે ઋજુતાના આદમી..

  તારી વાત સનમ ક્યાં કોઈને કરી છે?
  મેં તો હર પળ બસ તને જ સ્મરી છે.

  પ્યાર કોને કહે કોને ખબર છે સખી..
  છું હું અવનિ ને તું જ મારી ધરી છે.

  નટવર મહેતા
  http://natvermehta.wordpress.com/

 6. ડૉ. મહેશ રાવલ said,

  November 3, 2008 @ 12:05 pm

  કસાયેલી કલમ સામાન્ય લાગતાં વિષયને,પોતાના કસબ વડે કેવી અસામાન્યતા બક્ષી શકે એ શ્રી હરીન્દ્ર દવે ની આ ગઝલથી પ્રતિત થાય છે.અને એટલું જ સુંદર અને સહજ રસદર્શન પણ સરાહનીય થયું છે.
  વાહ ધવલભાઈ!

 7. Dr.Vinod said,

  November 4, 2008 @ 7:32 am

  વાહ વાહ અતિશય સુંદર ગઝલ . બધા જ શેર લાજવાબ છે
  સરળ શબ્દોમાં અસામાન્ય ભાવ વ્યક્ત કર્યો છે.
  ગમતી વ્યક્તિનું કેટલુ ધ્યાન રખાય છે !!
  મજા આવી ગઈ !!

 8. Pinki said,

  November 5, 2008 @ 2:56 am

  વાહ્….
  મજાની ગઝલ
  ગીતોનો રાજા, ગઝલનો બાદશાહ !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment