ઈચ્છાના કાચઘરમાં એ કેદ થાય અંતે,
માણસનું નામ બીજું રંગીન માછલી છે.
સંજુ વાળા

પસ્તાય છે…! – ભરત ભટ્ટ ‘પવન’

સૂર્ય   થઈને   એ   હવે   પસ્તાય  છે,
રાત  એના  ભાગ્યમાં   ક્યાં  થાય  છે !

ચાંદનું    કિસ્મત    જરા    જુદું   હશે,
ધોળે   દા’ડે   એ    કદી   દેખાય   છે.

એક   પણ   શ્રોતા   નથી  માટે   હવે,
ભીંત    સામે    વારતા    મંડાય   છે.

સ્વર્ગ પણ છે જોવાલાયક સ્થળ  છતાં,
જીવતેજીવ   કોઈ   ત્યાં  ક્યાં જાય છે ?

તાપણું    તો    છે   બહાનું    નામનું,
આમ   બાકી   ત્યાં   ઘણું   રંધાય  છે.

– ભરત ભટ્ટ ‘પવન’

વડોદરાના કવિ ભરત ભટ્ટ ‘પવન’ની આ ગઝલ વાંચતાવેંત ગમી જાય એવી છે. સાવ સીધા સાદા કલ્પનોને જે માવજતથી એમણે નવાજ્યા છે એ જ વાત કાબિલે-દાદ છે. પહેલાં શેરમાં આમ તો સહજપણે વાત સૂર્ય અને એના પ્રકાશની છે. સૂર્યના નસીબમાં રાતનો અંધકાર અને આરામ ક્યાં? પણ થોડું વિચારીએ તો આ જ વાત અવતારી પુરુષોને પણ સ્પર્શતી જણાય. ભીંતવાળા શેરમાં ક્યાંક મનુષ્યની આપકથનની લાલસા ઉજાગર થતી જણાય છે. ‘મારે કંઈક કહેવું છે’ની મથરાવટી લઈ ફરતા માણસો કંઈ નહીં તો ભીંતને ય વાત સંભળાવવા બેસી જશે. ભીંત કદાચ એવા મનુષ્યોનું પ્રતીક છે જે વાત સાંભળવાની લાયકાત અથવા સમજણ ધરાવતા નથી પણ વાત કહેનારને આજે શ્રોતાની લાયકાત કે સમજણશક્તિની ચકાસણીની ખેવના જ ક્યાં રહી છે? સ્વર્ગવાળૉ શે’ર કદાચ વધુ પડતો હલકો-ફુલકો થયો છે તો આખરી શે’ર વળી એટલો જ ધીર ગંભીર પણ થયો છે.

‘લયસ્તરો’ને એમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘હથેળીમાં’ ભેટ આપવા બદલ શ્રી ભરતભાઈ ભટ્ટનો ખૂબ ખૂબ આભાર.

9 Comments »

 1. Pravin Shah said,

  July 4, 2008 @ 2:23 am

  સુંદર ગઝલ! અને વિવેચન પણ એટલું જ સુંદર!

 2. jayesh upadhyaya said,

  July 4, 2008 @ 6:02 am

  તાપણું તો છે બહાનું નામનું,
  આમ બાકી ત્યાં ઘણું રંધાય છે.
  સરસ શેર

 3. pragnaju said,

  July 4, 2008 @ 7:51 am

  ભરતની મઝાની ગઝલ્
  આ ા શેર વધુ ગમ્યો
  સ્વર્ગ પણ છે જોવાલાયક સ્થળ છતાં,
  જીવતેજીવ કોઈ ત્યાં ક્યાં જાય છે ?
  યાદ આવી
  ‘જન્નત એક ઔર હૈ જો મર્દ કે
  પહેલુ મેં નહીં, ઉસકી આઝાદ
  રવિશ પર ભી મચલના હૈ તુઝે,
  ઉઠ મેરી જાન મેરે સાથ હી
  ચલના હૈ તુઝે.’’ સમય બદલાયો છે અને હાલની કવિતા પણ બદલાઈ ગઈ છે. તેઓ પણ પરિવર્તનના કાળમાંથી પસાર થઈ રહ્યા છે. ગીતકારો હવે પહેલાં જેવા ચિંતનપ્રધાન કે માનપાત્ર રહ્યા નથી ત્યારે આ ગઝલ માણ્યા પછી લાગે છે કે આપણે જૂના યુગમાં પાછા ફઆવ્યા છીએ.

 4. sunil shah said,

  July 4, 2008 @ 10:46 am

  સૂર્ય થઈને એ હવે પસ્તાય છે,
  રાત એના ભાગ્યમાં ક્યાં થાય છે !

  ખુબ સુંદર..!

 5. Gaurang Thaker said,

  July 4, 2008 @ 9:59 pm

  સરસ ગઝલ્ ભરતભાઇ….

 6. Pinki said,

  July 5, 2008 @ 2:51 am

  સરસ વાત કરી છે ભરતભાઈએ….

  મત્લા અને મક્તાનો શેર તો ખૂબ સરસ !!

 7. bankim raval said,

  July 5, 2008 @ 12:06 pm

  આખી ગઝલ ગમી . પહેલા બે શેર તો ખુબ સરસ બન્યા છે.બ્

 8. DILIPKUMAR BHATT said,

  July 8, 2008 @ 12:04 pm

  અત્યન્ત સુન્દર.થાય છે કે રટણ કર્યા જ કરૂ.

 9. મન્સૂરી તાહા said,

  August 30, 2008 @ 11:56 pm

  સૂર્ય થઈને એ હવે પસ્તાય છે,
  રાત એના ભાગ્યમાં ક્યાં થાય છે !

  બહુ જ સરસ ગઝલ.
  ભરતભાઇ વિષે જાણવાની ખુબ જ ઇચ્છા હતી
  ને ત્યાં જ “નાશાદ’ સાહેબનું પુસ્તક અસબાબ હાથમાં આવ્યું
  ને આ ઇચ્છા સંતોષાઇ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment