એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

નસીબ -રિષભ મહેતા ‘બેતાબ’

રોજ એ બગડે ભલે ને છે મને પ્યારું નસીબ,
એક ‘દિ તો માનશે છે આખરે મારું નસીબ.

કેમ એના પર કરું ના દોસ્તો વિશ્વાસ હું ?
અંત સુધી હર પળે છે સાથ રહેનારું નસીબ.

એ ભલે વિખરે ભલે સંવરે છતાં સુંદર રહે,
કાશ! તારી જુલ્ફ જેવું હોત આ મારું નસીબ.

ઓ વિધાતા! આંસુઓથી તો નથી એને લખ્યું,
એ કહે કે કેમ લાગે છે મને ખારું નસીબ ?

એ દયાળુ કેટલો અંધકાર દીધા બાદ પણ,
ના દીધું રાત્રિને જેણે છેક અંધારું નસીબ.

બંધ મુઠ્ઠી હું કદી ના ખોલતે ‘બેતાબ’ આ,
હોત જો આ હસ્તરેખામાં જ રહેનારું નસીબ.

-રિષભ મહેતા ‘બેતાબ’

આજે જ રિષભ અંકલનો ગઝલ સંગ્રહ ‘તિરાડ’ હાથમાં આવ્યો અને ત્યારે જ મને ખબર પડી કે એમનું તખલ્લુસ ‘બેતાબ’ છે, જે એમને ડૉ. રશીદ મીરે આપેલું છે. એમની ઘણી બધી ગઝલો મને આમ તો ઘણી જ ગમી ગઈ, પરંતુ આ ગઝલ જરા વધુ ગમી ગઈ. એમાંયે પાંચમા શેરમાં રાત્રિને છેક અંધારું નસીબ ન દેવાની વાત તો એકદમ સ્પર્શી ગઈ.

5 Comments »

 1. Pinki said,

  April 2, 2008 @ 1:09 am

  બંધ મુઠ્ઠી હું કદી ના ખોલતે ‘બેતાબ’ આ,
  હોત જો આ હસ્તરેખામાં જ રહેનારું નસીબ.

  ખૂબ સરસ નવો જ અંદાજ નસીબ માટે-
  નહિ તો નસીબનું નસીબ તો ઘણું જ ખરાબ….
  વહુ અને વરસાદની જેમ ક્યારેય જશ નથી મળ્યો !!

 2. વિવેક said,

  April 2, 2008 @ 3:23 am

  સુંદર ગઝલ… બધા જ શેર મજાના થયા છે…

 3. pragnaju said,

  April 2, 2008 @ 9:22 am

  સરસ ગઝલ
  આ શેરનો આશાવાદ ગમ્યો
  એ ભલે વિખરે ભલે સંવરે છતાં સુંદર રહે,
  કાશ! તારી જુલ્ફ જેવું હોત આ મારું નસીબ.
  વિવેક યાદ આવ્યો
  પરપોટો થઈ વિલાવાનું જળમાં થયું નસીબ,
  હોવાપણાંનો દેહ ન ત્યાગી શકી હવા.
  … ત્યારે તેઓ પોતે પણ જાણે છે
  વાંસળીની જેમ કોરાવું પડે
  હોય જો રહેવું તમારે નાદમય.
  બાકી-
  અહીંથી ક્યાં ભાગીને જઈશું ?
  જ્યાં જઈશું ભાગેડુ થઈશું
  મુક્તિની આશા પોકળ છે!.

 4. vinod vashi said,

  April 2, 2008 @ 11:25 pm

  mane to aapnu lakheli badhi rachnao game chhe, khub saras sunder rachna chhe
  “kemlage chhe kharu maru naseeb” badhane avuj lagtu hase

 5. Gaurav - The Gre@t. said,

  April 4, 2008 @ 5:07 pm

  Hundreds of salaam !
  betab bhai,..
  betab tamaru takkhalus kem 6 ?
  dost hase, e taru nasib…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment