તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.
ગની દહીંવાલા

ફૂલદાની – ગુલાબ દેઢિયા

રોજ રાત્રે છાને ખૂણે
ફૂલદાની રડે છે.
એને એ જ સમજાતું નથી કે
પોતે એવા તે ક્યાં પાપ કર્યા હશે કે
ફૂલોનું કબ્રસ્તાન બનવું પડ્યું ?

– ગુલાબ દેઢિયા

ફૂલદાની સામાન્યત: પ્રસન્નતાના પ્રતિક તરીકે વપરાય છે. હંમેશા ફૂલોથી ભરી ભરી રહેનારી ફૂલદાની સદા પ્રસન્ન જ હોય ને ! પણ કવિ અહીં એના મનની વાત ખંખોળી લાવીને એનું દર્દ છતું કરે છે. ફૂલોનું સૌંદર્ય જોનારાઓ એ વાત ભૂલી જાય છે કે આ તો આવરદા ગુમાવી બેઠેલા ફૂલો છે અને આ ફૂલદાની એમનો આખરી મૂકામ છે. ( સરખાવો : તાજા શાકભાજી )

8 Comments »

  1. વિવેક said,

    February 19, 2008 @ 1:17 AM

    માત્ર પાંચ જ લીટીમાં કેટલી ઊંડી વાત… સાચે જ… જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ…

  2. Pinki said,

    February 19, 2008 @ 5:47 AM

    ફૂલદાની શુભેચ્છા,પ્રસન્નતા,પ્રેમનું પ્રતિક ….. !!
    પણ બસ પ્રતિક માત્ર જ ……??!!!
    એની પ્રસન્નતાનો તો કોઇ ખયાલ જ નહિ ક્યારેય અને
    કદાચ એક ‘ગુલાબ’ જ તેની સંવેદનાને સ્પર્શી શક્યું કે,

    “એને એ જ સમજાતું નથી કે
    પોતે એવા તે ક્યાં પાપ કર્યા હશે કે
    ફૂલોનું કબ્રસ્તાન બનવું પડ્યું ?”

    ખૂબ જ સંવેદનાસભર કૃતિ……….!!

  3. pragnaju said,

    February 19, 2008 @ 11:27 AM

    નવો જ સરસ અંદાજ!
    હવે તો ફુલોનો ગુલદસ્તા સાથે તેને આઈ.સી.યુ અને હા.લં.મશીનની જેમ આવરદા વધારવાની પડીકી પણ સાથે હોય.ફુલદાનીનાં પાણીમાં તે નાંખીએ તો ફુલો વધુ જીવે.કરમાય પણ સડી ગંધાય નહીં! જો કે ખૂબ જ કેમીકલ નાંખેલો ખોરાક પણ એવો છે કે શબને- કબ્રસ્તાનમાં સડતા વાર લાગે!
    યાદ આવ્યો ગાલીબે અંદાઝે બયાં!
    મર મરકે મુસાફીરોને બસાયા હૈ તુઝે
    રુખ સબસે ફીરાકે મુંહ દીખાયા હૈ તુઝે
    ક્યું લીપટ કર ન સૉંઉ તુઝે એ કબ્ર?
    મૈંને ભી તો જાન દે કે પાયા હૈ તુઝે!
    કદાચ ગુલને એવો િવચાર આવતો હશે !!

  4. ધવલ said,

    February 19, 2008 @ 11:46 AM

    બહોત ખૂબ ! ગાલિબની સરસ પંક્તિઓ યાદ કરાવી !

  5. Harshad Jangla said,

    February 19, 2008 @ 12:35 PM

    વાહ પ્રગ્નાજુ
    સરસ રસસ્વાદ

  6. divya said,

    February 19, 2008 @ 12:39 PM

    અહીં કવિ ગાગર માં સાગર લઈને આવ્યા છે.. કોનું દુઃખ વધુ – ફૂલનું કે ફૂલદાનીનું ? કદાચ , દોષ બન્નેની નિયતિનો છે. એકે ખીલીને
    મુરઝાવાનું છે અને બીજાએ તેનાં સાક્ષી બનવાનું છે… આ તો નિત્યક્રમ છે.. વળી, ફૂલો તો રોજેરોજ બદલાશે પણ, ફૂલદાની તો એની એ જ ને ? એણે તો એક જ દુઃખને ફરી-ફરીને રોજ જ જીવવાનું ને ?!!

  7. લયસ્તરો » ગજરો - રમેશ પારેખ said,

    February 20, 2008 @ 9:04 PM

    […] ચાર જુદા જુદા ભાવ વાળા ‘ફૂલ’ વિષય પરના નાનાકડા, ફૂલ-શા કાવ્યનો સંપૂટ – એને તદ્દન ઉપયુક્ત નામ આપ્યું છે – ગજરો ! ત્રીજા કાવ્યમાં ફૂલ અને ફૂલદાની વિષે એક અલગ દૃષ્ટિકોણથી વાત કરી છે. બે દિવસ પર મૂકેલું ફૂલદાની કાવ્ય આ સંદર્ભમાં જોવા જેવું છે. […]

  8. Jitu chudasama 'jit' said,

    February 29, 2008 @ 3:11 AM

    વસ્તુમાં સુંદરતા અને પ્રસન્નતા જોવી એ સ્વાભાવિક છે, પરંતુ વેદના જોવા માટે સંવેદનાના ચશ્મા પહેરવા પડે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment