ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;
વિધાતાથી કોઇ કસર થૈ ગઇ છે.
ગની દહીંવાલા

રુબાઈ – ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)

ઓ પ્રિયે ! પરિકરના જેવું આ જીવન છે આપણું,
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું;
વર્તુલો રચવા સુધીની છે જુદાઈની વ્યથા,
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું.

*

ડંખ દિલ પર કાળ-કંટકના સહન કીધા વગર,
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર;
કાંસકીને જો કે એના તનના સો ચીરા થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રુયાની જુલ્ફ પર.

*

એમ લાગે છે કે આ કુંજો પણ ખરો પ્રેમી હશે,
કો સનમની રેશમી જુલ્ફોનો એ કેદી હશે;
હાથ આ રીતે વળે ના ડોક પર કારણ વિના,
યારની ગરદનનો મારી જેમ એ ભોગી હશે.

*

અ સનમ-દરબાર છે, ઓ દિલ તજીને સૌ ભરમ,
બાઅદબ દાખલ થઈ જા, ઓગળી જાશે અહમ;
પ્યારના હાથે ફનાનો ઘૂંટ જ્યાં પીધો કે બસ,
થઈ જશે આવાગમનના સર્વ ઝઘડાઓ ખતમ.

-હકીમ ઉમર ખૈયામ નીશાપુરી

ઈસવીસનની અગિયારમી સદીમાં ઈરાનમાં થઈ ગયેલા ઉમર ખૈયામની રુબાઈયાત આજે પણ વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓમાં મોખરે સ્થાન પામે છે. એમનું મૂળ નામ ગ્યાસુદ્દીન ફત્હ ઉમર. ખૈયામ એમનું તખલ્લુસ. ખૈયામનો એક અર્થ તંબુ સીવનાર પણ થાય છે. (એમના પૂર્વજોનો એ ધંધો હતો). જન્મ ઈરાનના ખોરાસન મુકામે નીશાપુર ગામે. યાદદાસ્ત તીવ્ર. જ્યોતિષ, ખગોળશાસ્ત્ર, વાયુશાસ્ત્રમાં નિષ્ણાત. સુલતાન જલાલુદ્દીન મલેક શાહના દરબારમાં રાજજોષી તરીકે રહ્યા. હિજરી સન ૫૦૬માં પ્રાર્થનાના શબ્દો હોઠ પર રાખીને ૧૦૯ વર્ષની વયે દેહત્યાગ. એમની રુબાઈઓમાં ઈશ્વરીય પ્રેમ અને જીવન જીવવાની ફિલસૂફી સાકી, સનમ, શરાબના પ્રતીકો બનીને ઉપસી આવે છે.

આજે ‘વેલેન્ટાઈન ડે’ નિમિત્તે એક તરફ રૂમીની દાર્શનિક રુબાઈઓ માણીએ અને બીજી તરફ ખૈયામની પ્રણયોર્મિથી ચકચૂર રુબાઈઓનો ગુલાલ પણ કરીએ. શૂન્ય પાલનપુરીએ એમની રુબાઈઓના કરેલા અનુવાદ વિશે એવું પણ કહેવાય છે કે જો ઉમર ખૈયામ પોતે આ અનુવાદો વાંચે તો પોતાની તમામ રુબાઈઓ શૂન્યને જ અર્પણ કરી દે.

5 Comments »

  1. Pinki said,

    February 14, 2008 @ 8:22 AM

    વાહ્.. વિવેકભાઈ,
    ખરેખર મહેફિલ જામી ગઈ …!!

    Happy Valentine’s day to layastaro !!!

  2. pragnaju said,

    February 14, 2008 @ 10:08 AM

    ઉમર ખૈયામ ની રુબાઈઓનું તો ઘણાએ ભષાંતર કર્યું છે પણ સૌથી વધુ ન્યાય આપ્યો હોય તો શુન્ય પાલનપુરીએ…
    વેલેન્ટીન દિને મઝા આવી ગઈ
    તેમાં આ અનુભૂતી થાય તેવી રૂબાઈ…
    અ સનમ-દરબાર છે, ઓ દિલ તજીને સૌ ભરમ,
    બાઅદબ દાખલ થઈ જા, ઓગળી જાશે અહમ;
    પ્યારના હાથે ફનાનો ઘૂંટ જ્યાં પીધો કે બસ,
    થઈ જશે આવાગમનના સર્વ ઝઘડાઓ ખતમ.
    ખરી મઝા લેવી હોય તો
    いつまで有る無しのわずらいになやんでおれよう?
    短い命をたのしむに何をためらう?
    酒盃に酒をつげ、この胸に吸い込む息が
    出て来るものかどうか、誰に判ろう?
    શીખવું પડે!

  3. dharmesh Trivedi said,

    February 14, 2008 @ 1:25 PM

    સાત્વિક પ્રેમ ના મહિમા નો ગૌરવવન્તો દિન—“વેલનટાઇન ડૅ” આપને આપ્ના સૌ રસ્વન્તા વાચકો ને તથા સાચા પ્રેમ ને જાણનાર ને મુબારક….ધર્મેશ ત્રિવેદિ

  4. પ્રતિક ચૌધરી said,

    August 31, 2008 @ 2:11 AM

    બિલફુલ સાચી વાત કહી વિવેકભાઈ……..
    “જો ઉમર ખૈયામ પોતે આ અનુવાદો વાંચે તો પોતાની તમામ રુબાઈઓ શૂન્યને જ અર્પણ કરી દે. “

  5. Bharat barai said,

    November 12, 2020 @ 2:48 AM

    ઊમરખયામ ની રુબાયત-અનુ સુન્યપાલનપુરી..
    જોઇયે છે..કેવીરીતે, કયાં થી મલી સકે???
    મારા વોટસપ પર જાણ કરો..
    9824695191

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment