આકંઠ છલોછલ અંદર-બાહર દેહ-પ્રાણ રંગાયા છે,
તમે નથી પણ તમારા સ્મરણે થઈ રમમાણ રંગાયા છે.
વિવેક ટેલર

તાજા શાકભાજી – ક્રિસ્ટીન બર્કી-એબટ

સાંભળેલી વાત છે, લગભગ ન મનાય એવી
કે વર્ષો પહેલા આખા ને આખા ખેતરો
ખાલી શાકભાજી ઊગાડવા માટે જ વપરાતા.
ખરબચડા હાથ એક પછી એક તંદુરસ્ત છોડ પરથી
જતનથી જીવાતને ખેરવી નાખતા.
સવારમાં મઝાનું પાણી પીવડાવે,
બપ્પોર કૂણે તડકે શેકાવામાં જાય ને
સાંજ વિતે આગિયાઓ જોડે તાલ મિલાવવામાં.
આખો ઉનાળો જાય આવો – ભર્યોભયો.

પણ અમને બધાને તો યાદ છે માત્ર નર્સરી.
જ્યાં કતારબંધ ગોઠવેલા કૂંડાઓમાં ઠાંસી દીધેલા,
જાત સિવાય કોઈનું જતન ન પામેલા અમે,
મોસમ-કમોસમ પાઈપનું પાણી રોજ બે વાર પીતા રહેતા.
ખાતર અને જંતુનાશક ખાઈને
અમે ઝાંખા પ્રકાશ તરફ ઊગતા જતા.

એ બધુંય આ જગા કરતા તો સારું હતું.
હવે તો ટ્યુબલાઈટના પ્રકાશ-રંજીત,
ઠંડા, વિરક્ત વાતાવરણમાં
‘તાજા શાકભાજી’નો ઢગલો થઈને પડ્યા રહીએ છીએ અને
કૂંણા ભાઈઓને ખરીદારોની તીણી નજરથી
બચાવવાની કોશિશ કરીએ છીએ.

જૂની વાતોના નામે મનને રાજી કરે રાખો ભાઈ,
પણ કોને ખબર આમાનું કેટલું ખરું હશે ?
કદાચ આ બધી કલ્પનાઓ
અમારા વધતા જતા
પાગલપણાની નિશાની માત્ર છે
– આ કાળકોટડીમાં.

– ક્રિસ્ટીન બર્કી-એબટ

શાકભાજી ખરીદવા આપણે બધા વારંવાર જઈએ છીએ. અહીં અમેરિકામાં ‘સુપર-માર્કેટ’માં જઈએ કે ભારતમાં શાકમાર્કેટમાં જઈએ -પણ શાક લઈને પાછા આવીએ. પણ કવિ શાક ખરીદવા જાય તો કેવી અનુભૂતિ સાથે પાછો ફરે ? એ વાત આ કાવ્યમાં છે. માણસે કેટલીય વાતો આ દુનિયામાં અ-કુદરતી કરી દીધી છે, તેનો ખ્યાલ પણ આપણને આવતો નથી. આપણે જેને ‘તાજા’ ગણીએ છીએ એ શાકભાજી તો કદરૂપી, વાસ મારતી વાસ્તવિકતા જીવીને આવે છે એ વિચારવાનો આપણામાંથી કેટલા પાસે સમય છે ?

5 Comments »

  1. ધવલ said,

    January 20, 2008 @ 11:28 PM

    મૂળ અંગ્રેજી કવિતા.

    Produce Department

    The old ones tell of strange mysteries:
    large backyard plots of land devoted
    solely to growing our kind,
    gnarled hands patiently plucking
    bugs off of fragrant ancestral stems,
    watering in the morning followed by long
    afternoons luxuriating in the hot light,
    evenings spent dancing with fireflies,
    a long summer of careful tending.

    We young ones have distant memories of nurseries,
    places not where we were babied,
    but lined up in our cots, left to fend
    for ourselves, soaked by sprinklers
    twice a day, regardless of the weather.
    Dusted with pesticides and fed fertilizer,
    we grew towards the indirect light.
    Still that was better than what we suffer now.

    We huddle together in this produce
    department and try to protect
    the tenderest from probing hands.
    We mourn the fluorescent lights, the tile
    floor, the sterile, cold surroundings
    kept so spotlessly free of dirt.

    We try to stay sane by sharing our collective
    memories, but who knows the truth of these tales?
    Perhaps delirium makes us dream
    of what we will never have as we wither
    in this concentration camp for vegetables.

  2. pragnaju said,

    January 21, 2008 @ 10:09 AM

    રચના ગમી
    તેનું રસદર્શન વધુ ગમ્યું
    ભારતમાં તો અમારા કાકા ત્રણ સુત્રો કહેતા-ઓછું ખાવું,હીતકારી ખાવું અને શાક ન ખાવું!
    પણ અમે છેલ્લું સુત્ર માનતા નહીં અને બને તો ઓરગેનીક ખરીદતા કે વાડામાં ઉગાડતા.
    અહીં બને તો ઓરગેનીક ખરીદતા પણ આજે ” તાજા શાકભાજી” – ક્રિસ્ટીન બર્કી-એબટની રચના વાંચી,પહેલા જેની સતત કાળજી રાખતા તે અંગે નવી રીતે દૃષ્ટી મળી!
    અહીં ૧૨ વર્ષમાં એટલી બધી વખત આ અંગે સલાહ આપી કે હવે હું કહેવાનું શરુ કરું અને
    મારા પૌત્રો બધું બોલી જાય!
    રોજ ૫ સર્વીંગ જુદા જુદા રંગનાં ફળો-શાકભાજીના ખાવા જ.
    દરેકનું એક સર્વીંગ કેવી રીતે નક્કી કરવું?
    કેવી રીતે આપણા ખોરાકમાં આ બધું ઉમેરવું?
    મારકેટમાં પોષક તત્વોનાં ચાર્ટ કેવી રીતે સમજવા?
    કેવી રીતે ૧૦૦% ફળોનો રસ,પેક ટીનમાં ખાંડ ઉમેરેલા ફળોનાં રસ અને થીજવેલા શાકમાં ચરબીનું પ્રમાણ સમજવ્?
    આને ટ્રોલીઓલોજી કહીએ છીએ.
    અમે પ્રેમથી સાંકડી જગ્યામાં આ યાદી,જે સઘળું કહે છે- પ્રમાણે ખરીદીએ છીએ.
    એક પંજો અર્ધા કાચા પાકા કેળા.
    પાણીની બોટલો
    જુદા જુદા સ્વાદવાળા દહીંના પેકેટો.
    સલાડમાં ઉમેરવાના કાચા-પાકા શાક
    કોઈવાર પૌત્રો સાથે હોય તો કહે-“ગ્રાંડમા, ટોમેટો શાક નથી ફળ છે!”
    દરેક વખતે આશ્ચર્યથી કહેવું,”રી અ લી!”
    કવિ શાક ખરીદવા જાય તો કેવી અનુભૂતિ સાથે પાછો ફરે
    છે તેની અનુભૂિત કરાવવા બદલ અિભનંદન

  3. વિવેક said,

    January 22, 2008 @ 8:05 AM

    લાંબી દેખાઈ એટલે પહેલાં તો ટાળી દેવાનું મન થયું… પણ પછી વાંચી તો લાગ્યું કે આ જો ન વાંચી હોત તો એક વિશેષ અનુભૂતિની પ્રસાદી ચૂક્યો હોત… સુંદર કવિતા …. મૂળ કાવ્યના અનુવાદકનું નામ લખ્યું નથી… આ અનુવાદ પણ તેં કર્યો છે, ધવલ?

  4. ભાવના શુક્લ said,

    January 22, 2008 @ 11:44 AM

    શાકને ફળોને સુંઘીને, સ્પર્શીને ખરીદવાનુ તો નસીબમાજ ક્યા? પેક ટીન પર કોતરાયેલા શબ્દોને સનાતન સત્ય માની ઘેલછા ભરી પોષકતા ને ગળ્યા કરવી…
    – આ કાળકોટડીમાંથી છુટવાનો ઇલાજ શોધીએ તો…

  5. લયસ્તરો » ફૂલદાની - ગુલાબ દેઢિયા said,

    February 19, 2008 @ 12:20 AM

    […] ફૂલદાની સામાન્યત: પ્રસન્નતાના પ્રતિક તરીકે વપરાય છે. હંમેશા ફૂલોથી ભરી ભરી રહેનારી ફૂલદાની સદા પ્રસન્ન જ હોય ને ! પણ કવિ અહીં એના મનની વાત ખંખોળી લાવીને એનું દર્દ છતું કરે છે. ફૂલોનું સૌંદર્ય જોનારાઓ એ વાત ભૂલી જાય છે કે આ તો આવરદા ગુમાવી બેઠેલા ફૂલો છે અને આ ફૂલદાની એમનો આખરી મૂકામ છે. ( સરખાવો : તાજા શાકભાજી ) […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment