જરા જેટલા સુખનું તોફાન જો,
ગઝલ નામનું ગામ વસવા ન દે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ – ગની દહીંવાલા

બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.

અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.

રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.

હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?
ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !

પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.

નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?
મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.

‘ગની’, નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.

-ગની દહીંવાલા

ગનીચાચાની એક જાણીતી ગઝલ મમળાવીએ આજે. હોઠના ગોખલાંમાં શબ્દોના કબૂતર ચૂપચાપ બેઠાં હોય અને એ ખામોશી જ પાંખોનો ફફડાટ બનવા માંડે ત્યારે સમજાય કે મૌનની ભાષા શબ્દની ભાષા કરતાં વધુ સશક્ત હોય છે. એક પછી એક શેર જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ ગઝલપંખીની પાંખોનો વ્યાપ વિસ્તરતો જતો સહેજે અનુભવાય અને ખુલતું જાય એક અસીમ આભ.

7 Comments »

 1. Rachit said,

  December 27, 2007 @ 10:09 am

  …પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.

  શું વાત છે! અદભૂત!

 2. ભાવના શુક્લ said,

  December 27, 2007 @ 11:17 am

  નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?
  મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.
  ……………………………………………………
  વેદનાઓ અને સંશયો-સમસ્યાઓ સાથેનો પ્રેમ પણ શુ ચીજ છે!!!!

 3. Pragnaju Prafull Vyas said,

  December 27, 2007 @ 11:44 am

  સુંદર ગઝલ
  તેમાં આ શેર
  પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
  ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.
  … અને આવું તો સંત જ કહી શકે…
  ‘ગની’, નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
  કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.
  ગોવિંદજીના ખાંચામાંથી ગોપીપુરા ચાર રસ્તા થઈ નીકળીએ તો કોકવાર તેમને મોંઢે જ શેર સાંભળવાનો મળે- આટલા મોટા ગજાનાને ત્યારે ઓળખી ન શક્યા તેનું દુખ રહેશે…

 4. ધવલ said,

  December 27, 2007 @ 2:36 pm

  અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
  પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.

  – સરસ વાત !

 5. hemantpunekar said,

  December 28, 2007 @ 12:35 am

  દરેક શેર સુંદર છે!

 6. Himanshu said,

  December 28, 2007 @ 7:16 pm

  This is one of my all time favorite ghazals.

  પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
  ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.

  I have always admired the લય in Gani’s ghazals.

  Himanshu

 7. shriya said,

  January 10, 2008 @ 8:13 pm

  પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
  ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.

  એકદમ સરસ વાત કરી છે, કવિએ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment