શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
વિવેક ટેલર

પાંખ – ચંદ્રેશ ઠાકોર

કાટમાળના ઢગલામાં
એક સાંકળની લોખંડી ગૂંચ ઉપર
બેઠું છે એક પતંગિયું,
સાવ નિશ્ચિંત.
પાંખ પ્રસારી, બંધ કરી, વળી પ્રસારી
ઊડી ગયું.
મૂછને વળ દેતું.

એ લોખંડ,
એ સાંકળ,
એ ગૂંચ,
એ પાંખ…

– ચંદ્રેશ ઠાકોર

લયસ્તરો માટે ખાસ આ કાવ્ય ડેટ્રોઈટથી ચંદ્રેશભાઈએ મોકલ્યું છે. કાવ્ય મને તો ગમી ગયું અને એ લયસ્તરો પર મૂકું એ પહેલા એક નવો વિચાર આવ્યો. દર વખતે હું મારા મનમાં આવે એવો આસ્વાદ કરાવું છું. એને બદલે કવિને પોતાને જ એ કામ સોંપીએ તો કેવું ? એ વિચાર ચંદ્રેશભાઈને મોકલ્યો. એમને પણ વિચાર ગમી ગયો અને એમણે તરત પોતાનો કવિતા લખવાનો હેતુ અને કવિતાની પોતાની અર્થછાયા એમના પોતાના જ શબ્દોમાં મોકલી આપી. તો આજે કવિના ખુદના જ શબ્દોમાં આસ્વાદ માણો.

સાંકેતિક, તો પણ રોજીંદી વાત છે. ચારેતરફ કાટમાળ પથરાયેલો છે – નૈતિક મૂલ્યોનો, લાભ લેવાની વૃતિનો, ભાંગી પડેલા સ્વપ્નોનો. એનાથી નીપજતી કઠોરતા, મુશ્કેલીઓ ને નિરાશાઓ માણસનો શ્વાસ એવો તો રૂંધે છે કે બહુધા માણસ હિંમત હારી જાય છે.

પણ, એમ માથે હાથ દઈને બેસવાથી આગેકદમ થોડી કરાય ?

એમાં એક પતંગિયું આવી બેસે છે – પતંગિયું પ્રતિક છે મુલાયમતાનું, સારાશનું, રંગીલાપણાનું અને નવદ્રષ્ટિનું. પતંગિયાને સાંકળમાં ન તો લોખંડ દેખાય છે ન તો બંધન દેખાય છે. પતંગિયાને તો, બસ, ઉડવું જ છે. જીવ નાનકડો છે પણ એનો પડકાર બુલંદ છે.

પાંખ એટલે માત્ર સ્વતંત્રતા નહીં. પાંખ એટલે તો બધી અંતરશક્તિનો પૂરેપુરો ઉપયોગ કરવાની તૈયારી : સ્વતંત્રતાનો આનંદનશો માણવા માટેની અનિવાર્યતા.

5 Comments »

  1. Pragnaju Prafull Vyas said,

    December 26, 2007 @ 10:46 AM

    ડેટ્રોઈટથી ચંદ્રેશભાઈએ રસદર્શન કરાવ્યું તે ગમ્યું. બાકી શિકાગો એનારબર ડેટ્રોઈટથી વીન્ડસર-કેનેડાની તો અવાર નવાર મુસાફરી કરવાની આવે ત્યારે જંકયાર્ડમાં આવું દૃશ્ય તો અનેકવાર જોયું – ત્યારે ભાંગી પડેલા મોટરના કારખાના અને તેથી ભાંગેલા મીશીગનનો વિચાર આવે! હવે
    તેમનું રસદર્શન-“એમાં એક પતંગિયું આવી બેસે છે – પતંગિયું પ્રતિક છે મુલાયમતાનું, સારાશનું, રંગીલાપણાનું અને નવદ્રષ્ટિનું. પતંગિયાને સાંકળમાં ન તો લોખંડ દેખાય છે ન તો બંધન દેખાય છે. પતંગિયાને તો, બસ, ઉડવું જ છે. જીવ નાનકડો છે પણ એનો પડકાર બુલંદ છે.
    પાંખ એટલે માત્ર સ્વતંત્રતા નહીં. પાંખ એટલે તો બધી અંતરશક્તિનો પૂરેપુરો ઉપયોગ કરવાની તૈયારી : સ્વતંત્રતાનો આનંદનશો માણવા માટેની અનિવાર્યતા.”
    નવી આશા જગાવે છે…

  2. ભાવના શુક્લ said,

    December 26, 2007 @ 11:20 AM

    આખેઆખા લોખંડના બનેલા હોઇયે તો પણ લોખંડના શરીર પર જ કોઇક અગોચર એવી પાંખોતો હોય છે જ જે અનુભવિ શકાય.. તે પાંખો તો લોખંડની સાથે પણ ઉડી શકે છે કારણકે ભારની ભ્રમણાથી મુક્ત છે. લોખંડનુ પોતાનુ પ્રકૃતિ સત્ય છે તેમ પાંખોનુ પોતાનુ એક પ્રકૃતિ સત્ય છે.
    ઑફિસમા કામના બોજાતળે પણ લયસ્તરો ને રીડગુજરાતી પર અનાયાસે ક્લિક થઈ જાય જ છે અને તેથીજ થાય છે કે સાંકળો ને પતંગિયુ સાવ એક જ છે અને તોય બન્ને પ્રકૃતિ નિભાવે છે.

  3. Pinki said,

    December 27, 2007 @ 6:00 AM

    અતિ સુંદર………. !!

    હંમેશા કોઈ પણ કૃતિ વાંચુ તો થતું કે કર્તાએ કેમ, ક્યારે અને શેના
    સંદર્ભમાં લખી હશે અને કર્તા જાતે જ કહે તો કૃતિને વધુ માણી શકાય.
    આજે લયસ્તરોએ આ ઈચ્છા પણ પૂરી કરી …… !!

    કૃતિ પોતે જ બધું કહે એ જ એની સફળતા…..
    જાવેદ અખ્તર સાહેબની આ વાતથી નહિ તો દિલાસો મેળવ્યા કરત…… ?!!

    પાંખનું આ નવું અર્થઘટન –
    પાંખ એટલે માત્ર સ્વતંત્રતા નહીં. પાંખ એટલે તો બધી અંતરશક્તિનો પૂરેપુરો
    ઉપયોગ કરવાની તૈયારી : કાબિલેદાદ છે

    ચંદ્રેશભાઈ, રસદર્શન માટે ખૂબ ખૂબ આભાર……….!!

  4. Hiral Thaker 'Vasantiful' said,

    January 6, 2008 @ 2:14 AM

    ખુબ જ સરસ.

  5. shriya said,

    January 10, 2008 @ 8:26 PM

    કવિ ચંદ્રેશભાઈને કાવ્ય ના રસામ્સ્વાદ માટે ખુબજ આભાર!!
    પ્રતિકો નો સરસ ઉપયોગ કર્યો છે કાવ્યમાં.. કાટમાળ, પતંગિયું, પાંખ, સાંકળ!

    -શ્રિયા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment