હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હેલ્પર ક્રિસ્ટી

હેલ્પર ક્રિસ્ટી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ઊભો છું – હેલ્પર ક્રિસ્ટી
શક્યતા – હેલ્પર ક્રિસ્ટી
સૂરજને ઘરમાં લાવતાં – હેલ્પર ક્રિસ્ટીઊભો છું – હેલ્પર ક્રિસ્ટી

સમયના સુકાતાં ઝરણમાં ઊભો છું,
કે હું રાખના કોઈ કણમાં ઊભો છું.

ને ત્યાં કોઈનો હાથ લંબાય ક્યાંથી ?
હું સૂરજની પાછળ કળણમાં ઊભો છું.

કમળ જેમ ખીલ્યાં છે સ્વપ્નો પરંતુ,
તિમિરના સઘન આવરણમાં ઊભો છું.

અનાગતની વાતો કરું કેવી રીતે ?
હજી છિન્ન ગતના સ્મરણમાં ઊભો છું.

ને અણસાર મારો મળી પણ ગયો છે,
હું તો પાછલી કોઈ ક્ષણમાં ઊભો છું.

ભવન આપણું સાવ જર્જર પુરાણું,
હું ખરતી ભીંતોના શરણમાં ઊભો છું.

– હેલ્પર ક્રિસ્ટી

એકે-એક શેર ખરા સોના જેવા…

Comments (4)

સૂરજને ઘરમાં લાવતાં – હેલ્પર ક્રિસ્ટી

એ બંધ બારી ખોલતાં વર્ષો વહી ગયાં,
સૂરજને ઘરમાં લાવતાં વર્ષો વહી ગયાં.

આખા ગણિતમાં ક્યારનું ભટકે છે શૂન્ય પણ,
એ એકડાને જોડતાં વર્ષો વહી ગયાં.

માથાની વચ્ચેથી હવે ફૂટ્યો છે પીપળો,
ને બોધિજ્ઞાન લાધતાં વર્ષો વહી ગયાં.

ભડકે બળી રહ્યો છે લક્કડકોટ છાતીએ,
ફાયર બ્રિગેડ આવતાં વર્ષો વહી ગયાં.

રોકી શકે તો રોક ને તોડી શકે તો તોડ,
પત્તાનું ઘર બનાવતાં વર્ષો વહી ગયાં.

– હેલ્પર ક્રિસ્ટી

મજાની ગઝલ… આપણને સહુને આપણી બંધ બારી ખોલી અજવાસ આણતાં વર્ષો નથી લાગી જતાં ? વર્ષો વહી ગયાં રદીફ મનોજ ખંડેરિયાની ગઝલ વરસોના વરસ લાગે યાદ આવી જાય…

Comments (4)

શક્યતા – હેલ્પર ક્રિસ્ટી

આયનામાં કોઈ ડૂબી જાય તો –
કાચનું આકાશ તૂટી જાય તો –

રાહમાં તો આવવાનાં જંગલો,
ક્યાંક લીલો વાંસ ફૂટી જાય તો…

તો ખજૂરી સાવ લીલી થૈ જશે,
ઝાંઝવાં ભ્રમણાનાં એ પી જાય તો.

નામ તારું ભીંત પર હું કોતરું,
પણ સમયનો હાથ ભૂંસી જાય તો…

બસ, હવે બેસીએ લીલા ઘાસમાં,
માર્ગ વચ્ચે શ્વાસ ખૂટી જાય તો…

શોધતાં અસ્તિત્વ મારું ત્યાં જડે,
શબ્દના પોલાણે કૂજી જાય તો !

– હેલ્પર ક્રિસ્ટી

માત્ર સાડત્રીસ વર્ષની અલ્પ આયુ (૧૯૫૨-૧૯૮૯) ભોગવી અકાળે અસ્ત થઈ ગયેલ સુરતના કવિ હેલ્પર ક્રિસ્ટીની આ ગઝલ જાણે કવિને આવનાર મૃત્યુની એંધાણી ન મળી ગઈ હોય એવો ભાવ લઈ આવી છે… કાચના આકાશનું તૂટવું, સમયના હાથનું ભૂંસવું, માર્ગવચ્ચે શ્વાસનું ખૂટવું અને શબ્દના પોલાણમાં અસ્તિત્વનું ઢબૂરાઈ રહેવું – કેટકેટલા સંકેતો આ એક જ ગઝલમાં!

Comments (5)