રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં
સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.
રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હો કોજી

હો કોજી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મૌનનો પડઘો : ૦૯ : – હો કોજી

રોજ, ખાસ કશું જ નહીં,
સંમત થાઉં છું જાત સાથે,
કોઈ પસંદગી નથી કરવાની, નથી કશું ત્યજવાનું .
ન આગમન છે,ન તો કોઈ પ્રસ્થાન છે .
કોઈ જાંબલી વ્યક્તિ નથી,
ભૂરાં પર્વતો છે સાવ રજકણ રહિત .
હું ગૂઢ અને સૂક્ષ્મ શક્તિ પ્રયોજું છું,
પાણી વહન કરતાં, કાંધે બળતણ ઉપાડતાં.

– હો કોજી

 

Daily, nothing particular,
Only nodding to myself,
Nothing to choose, nothing to discard.
No coming, no going,
No person in purple,
Blue mountains without a speck of dust.
I exercise occult and subtle power,
Carrying water, shouldering firewood.

-Ho Koji

 

ઝેન શું છે ? – આ અંગે અસંખ્ય મતમતાંતરો પ્રવર્તે છે . Western countriesમાં ‘ન સમજાય એવી પૂર્વની એક વિચારધારા’ – આવું અર્થઘટન સામાન્ય હતું. ભારતમાં પણ આજેપણ કોઈક કવિતા અતિકલીષ્ટ હોય તો મજાકમાં એને ‘ઝેન કવિતા’ કહેવાય છે ! ઝેન વિચારધારાને સુવ્યવસ્થિતરૂપે western world માં રજૂ કરવાનું શ્રેય Dr D T Suzuki ને જાય છે. જાપાનના આ મહાવિદ્વાન અભ્યાસુ-સંતે અનેક પુસ્તકો લખ્યા છે ઝેન અને તેને લગતા વિષયો ઉપર. રસ ધરાવનાર સૌને અત્યંત રસાળ ભાષામાં લખાયેલા Essays in Zen Buddhism Volume 1,2,3′ વાંચવાની ખાસ ભલામણ છે .

‘ઝેન’ શબ્દ આવ્યો છે મૂળભૂત રીતે ‘ધ્યાન’ માંથી. ‘ ધ્યાન > ચાન > ઝાન > ઝેન’ -આ રીતે વ્યુત્પત્તિ છે . એવી વ્યાપક માન્યતા છે કે ઝેન એ બૌધધર્મનો એક ફાંટો છે . પરંતુ આ વાત નિર્વિવાદ નથી. Dr. Suzuki ના અભિપ્રાય અનુસાર ઝેન વિચારધારા ભગવાન બુદ્ધ પહેલાના સમયથી અસ્તિત્વમાં હતી,પરંતુ બુદ્ધના ઉપદેશ અને ઝેન વિચારધારા વચ્ચે એટલું અદભૂત સામ્ય હતું અને ભગવાનનો પ્રભાવ એટલો પ્રચંડ હતો કે આવી એક માન્યતા પ્રચલિત થઇ ગઈ કે ઝેન એ બૌધધર્મનો એક ફાંટો છે . એક રસપ્રદ પ્રશ્ન એ છે કે શું ભગવાન બુદ્ધના વિકાસમાં કોઈ ઝેન સાધુનો ફાળો હોઈ શકે ? – આ બાબતે કોઈ આધારભૂત સાહિત્ય નથી . પરંતુ Dr. Suzuki એક વાત સાબિત કરી આપે છે કે બૌધધર્મ અને ઝેનમાં જેટલું સામ્ય છે,તેટલી જ ભિન્નતા પણ છે .કોઇપણ ધર્મ,સંપ્રદાય,પંથ ઇત્યાદિનું મૂળ હોય છે એક inquiry – કોઈક તીવ્ર જિજ્ઞાસુ માથાનો ફરેલો માણસ કોઈ પ્રશ્નનો જવાબ મેળવવા સામા પ્રવાહે તરે છે અને તેને સંતોષ થાય તેવો જવાબ મેળવીને જ જંપે છે ત્યારે તે કરુણાથી પ્રેરાઈને પોતાના જેવા અન્યોનો પથદર્શક બને છે . આ રીતે ધર્મ કે સંપ્રદાયની શરૂઆત થાય છે. ઝેન અહીં જ જુદો પડી જાય છે . ઝેન-ઈતિહાસમાં આવી કોઈ ઘટનાની નોંધ નથી .

ઝેનને અને વાચાળતાને બાપે માર્યા વેર છે . એક અક્ષર તો ઝેનમાં એક દળદાર ગ્રંથ કહેવાય !! પ્રશ્નો છે, જવાબ આપનાર કોઈ નથી . ઝેન-ગુરુ કોઈ પ્રવચન આપતા નથી . ગુરુના જીવનમાંથી, ગુરુના વ્યવહારમાંથી જે શિષ્ય જે કંઈપણ શીખે, તે તેનું ભાગ્ય ! ઠોઠ નિશાળિયા માટે કોઈ અલગ વ્યવસ્થા નથી. ઝેનનો પાયાનો સૂર એ છે કે જો તમને પાણીની અંદર ડૂબાડી દેવામાં આવે અને તમે જે રીતે શ્વાસ લેવા તરફડો, તેવી તીવ્રતાથી જયારે તમે આત્મજ્ઞાન [ સટોરી ] માટે તરફડશો ત્યારે જ તમે તેના અધિકારી બનશો . ત્યારે તમારી યાત્રાના શ્રીગણેશ થશે . ઝેનમાં મૌન એ જ ભાષા છે . મૌન એટલે શારીરિક મૌન નહિ – વિચારોનું મૌન. સંપૂર્ણ રીતે અવિક્ષિપ્ત મન . તમામ પ્રકારના પૂર્વગ્રહો અને અભિપ્રાયોની ગંદકીથી મુક્ત મન . એવું મન કે જેને માટે પ્રત્યેક ક્ષણ એ એક નવો જન્મ છે. જેને માટે જન્મ-મૃત્યુ એક જ છે. જે પોતાના પૂર્ણ હાસ્યથી હશે છે અને હૈયાફાટ આક્રંદ પણ એ જ સહજતાથી કરી શકે છે . જ્ઞાનના ભારથી એ બેવડ વળેલો નથી- એને જ્ઞાન સાથે કોઈ લેવા-દેવા જ નથી. એ મસ્ત છે . અસ્તિત્વનો ઉત્સવ ઉજવવામાંથી એને પળની પણ નવરાશ નથી. ઝેન-ગુરુ સૌપ્રથમ ‘ગુરુ’ શબ્દની વ્યાખ્યા જ બદલીને ત્યાર બાદ જ આગળ વાત કરે છે . જીવનની ઠોસ હકીકતોમાંથી ઝેનનો વિદ્યાર્થી પાઠ શીખે છે . ઝેન એ જીવનનો સંપૂર્ણ સ્વીકાર છે – જીવન જે સ્વરૂપમાંછે તેનો સંપૂર્ણ સ્વીકાર. ઝેનની ક્રાંતિ એ બાહ્ય ક્રાંતિ છે જ નહિ, એ તમારી જીવનને જોવાની દ્રષ્ટિને બદલતી ક્રાંતિ છે. કોઈની પાસે જઈને કંઈપણ શીખવવું એ ઝેનની શીખ નથી. જિજ્ઞાસુ જો ગુરુ પાસે આવે તોપણ ગુરુ કંઈ જ કહેતા નથી . જો શિષ્ય નિરાશ થઈને ચાલ્યો જાય તો રોકતા નથી. જે સાથે રહે તેને કોઈ ઉપદેશ આપતા નથી. યોગ્ય સમયે કોઈક માર્મિક પ્રશ્ન અથવા કોયડો [koan] પૂછે છે જેનો જવાબ શોધવામાં કોઈ જ મદદ કરતા નથી. શિષ્ય જો પાત્ર હશે તો તે જાતે ઉત્તર મેળવશે . તે ઉત્તર સાચો છે કે નહિ,તે પણ તેઓ બોલતા નથી. આમ આ પંથ નિરાળો છે …… ઝેન એ પૂર્ણરીતે કોઈપણ જાણીતા માર્ગમાં બંધબેસતો નથી – જેમ કે જ્ઞાનમાર્ગ, કર્મ નો સિદ્ધાંત, ભક્તિમાર્ગ, રહસ્યમાર્ગ ઈત્યાદી . તે જ્ઞાનમાર્ગ અને mysticism ના સમન્વય સમાન છે . આત્મા નો કોઈ જ ઉલ્લેખ નથી . જીવન એ પ્રથમ અને અંતિમ શ્વાસ વચ્ચેનો ખેલ છે – ન તો તેની પહેલા કઈ છે કે ન તો પછી. ઘણા વિદ્વાનો ઝેનને શૂન્યતા નો માર્ગ કહે છે. (Philosophy of negation)

ઝેન કવિતા – શુદ્ધરૂપે ઝેન-કવિતા જેવું કંઈ છે જ નહીં . સટોરીની કક્ષાએ પહોંચતા સાધકના મુખમાંથી જે ઉદગારો સહજ સરી પડે તે ઝેન-કવિતા ! ઝેન સાધક ન હોય તેવા પ્રબુદ્ધ વ્યક્તિ એ પણ આ પ્રકારની રચનાઓ કરી છે જે આપણે આ શ્રેણી દરમ્યાન માણીશું .

ઉપરોક્ત કાવ્ય વિષે કોઈપણ સમજૂતી આપવાની ઝેન વિચારધારા સ્પષ્ટ ના પડે છે. ભાવક પોતાની રીતે પોતાનો અર્થ તારવે તેવો ઝેનનો ભાવ છે. માત્ર એક ઈંગિત કરવાની ઈચ્છા રોકી નથી શકતો – ઝેન સાધક અહીં સંપૂર્ણ awareness સાથેના રોજીંદા જીવનને જ સર્વોચ્ચ અવસ્થા વર્ણવે છે. કોઈ ચમત્કાર કે ઈશ્વરીય તત્વનો સંપૂર્ણ અસ્વીકાર છે અને જીવન જે છે તેનો કોઈ જ conditioningની ગુલામ ન હોય તેવી ચેતના દ્વારા થતો બિનશરતી સ્વીકાર છે.

Comments (8)