દર્દ હો કે ખુશી જીવનની હો,
બેયમાં આંખમાં તરે ઝાકળ.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જ્યોતિ હિરાણી

જ્યોતિ હિરાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




દીવો કરજો – જ્યોતિ હિરાણી

આભથી આ પરબારું આવ્યું દીવો કરજો
લ્યો ગાઢું અંધારું આવ્યું દીવો કરજો

પીડા જેવું ઝાંખુ ધુમ્મસ ફેલાયું છે
આવ્યું તો અણધારું આવ્યું દીવો કરજો

ભીંતોને ભેટીને ઊભા છે પડછાયાઓ
કોણ અહીં નોંધારું આવ્યું દીવો કરજો

આખો’દી પગ વાળી બેઠું જે આંખોમાં
સૂરજ ડૂબ્યે બારું આવ્યું દીવો કરજો

શબ્દો ચગળીને ઊડતું આ મૌનનું પંખી
લ્યો પાછું ઘરબારું આવ્યું દીવો કરજો

– જ્યોતિ હિરાણી

આ પાંચમાંથી કયો શેર વધુ ગમી જાય એવો છે એ નક્કી કરવું દુષ્કર બની જાય એવી મજાની ગઝલ કવયિત્રી લઈ આવ્યા છે. દીવો કરીએ ત્યારે એનું અજવાળું સતત નવા રૂપ ધરતું આપણે અનુભવ્યું છે. એ જ રીતે ‘દીવો કરજો’ જેવી મજાની રદીફ પોતે જ અનેકાનેક અર્થચ્છાયાઓ ધરાવે છે… અને એ રદીફને સાંકળી લેતા બધા જ શેર ખૂબ સાચવીને ખોલવા જેવા થયા છે.. થોડી પણ ઉતાવળ આ ગઝલને અન્યાય કરી બેસે એમ છે…

Comments (12)