હવે તમારું જીવન લમણાઝીંક વગરનું છે,
નવા વરસનું કેલેન્ડર તારીખ વગરનું છે.
કુલદીપ કારિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિપાશા મહેતા

વિપાશા મહેતા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઉદાસી – વિપાશા

હું આજે ઉદાસ છું.
હું કાલે ઉદાસ નહીં હોઉં.
પણ આજ તો કાલ નથી.
આજે મારું મન ઉદાસ છે.
જાણે કોઈએ દરિયાનાં મોજાં આડે પથ્થરોની લાઇન મૂકી
એને રોક્યાં હોય.
આ વાંચી તમે ઉદાસ નહીં થઈ જતા.
પણ હું આજે
દરિયાના મોજાંની જેમ ઉદાસ છું.

– વિપાશા

વાંચતાવેંત વાચકને ગ્લાનિર્મય કરી દે એવું વેધક કાવ્ય. નાના-નાના વાક્યોથી બનેલું નાનકડું કાવ્ય. પ્રસન્ન હોય ત્યારે માણસ લાંબું-લાંબુ બોલે છે, ઝાલ્યો ઝલાતો નથી. પણ મન ઉદાસ હોય ત્યારે બોલવાનો પણ ભાર પડે છે. વાક્ય શરૂ થયું નથી કે તરત પતી જાય છે… કવિતાના પહેલા ચાર વાક્ય આ રીતના ટૂંકા-ટૂંકા વાક્ય છે જેમાં ત્રણવાર ઉદાસ શબ્દ પુનરાવર્તિત થાય છે. (આમ તો નવ પંક્તિની કવિતામાં ઉદાસ શબ્દ કુલ પાંચવાર ફરી ફરીને આપણા મનોમસ્તિષ્ક પર દરિયાના મોજાંની જેમ અફળાય છે)

બધી જ ટૂંકી પંક્તિઓની વચ્ચે પથ્થરોની લાઇનવાળી એક જ પંક્તિ એ રીતે લાંબી અને અધૂરી રહી છે જાણે એ પંક્તિ પોતે જ પથ્થરોની લાંબી લાઇન ન હોય ! કવિતાના સ્વરૂપ વડે ભાવ ઉપસાવવાની આ પ્રથા નવી નથી પણ અહીં ખાસ્સી અસરકારક નિવડી છે.

Comments (4)

દસ આંગળીઓ – વિપાશા

દસ આંગળીઓ
એક આડીઅવળી ડાળી
પોતામાં પકડીને આગળ ચાલતી હતી.
જરા આગળ જઈને
ફેંકી દીધી
એ આડીઅવળી ડાળી ને ઉપાડી લીધી
એક પ્લાસ્ટિક કેનને.
કદાચ એ આડીઅવળી એક ડાળીમાં ભરાઈ ગયેલા
તડકાઓ
ના સહેવાયા એ દસ આંગળીઓથી.

– વિપાશા

વીંધીને આરપાર ઉતરી જાય એવું કાવ્ય. આડીઅવળી અને તડકાઓ શબ્દનો સૂચિતાર્થ ચૂકી ન જવાય એ જો જો…

Comments (5)

રણ – વિપાશા મહેતા

રણમાં
એ નદી લાવી.
લોકો કહે
ના, નથી આવી.
લોકો કહે, નદી કેવી રીતે આવે, રણમાં ?

નદી ઉપર એણે બંધ બાંધ્યો.
લોકો કહે,
ના,
બંધ કેવી રીતે આવે, રણમાં ?

બંધ તૂટ્યો ને પૂર આવ્યું
લોકો કહે,
પૂર તે કંઈ આવે, રણમાં ?
પૂર ના આવે, રણમાં.

બધા ડૂબી ગયા, પૂરમાં.
ઘણા બધાં અવાજ આવ્યા
આવું તે કંઈ થાય અમારા રણમાં ?
આવું કાંઈ ન થાય અમારા રણમાં.

– વિપાશા મહેતા

કવિ કલમને પ્રામાણિક્તાથી પકડે ત્યારે એ પયગંબરની કક્ષાએ પહોંચે છે. ઉકેલના વિતંડાવાદમાં પડ્યા વિના જ એ સમસ્યાના મૂળ સુધી ભાવકને અને એ રીતે સમાજને લઈ જઈ શકે છે કેમકે સાચો પયગંબર જ જાણે છે કે સમસ્યાઓનો કોઈ તાર્કિક ઉકેલ હોઈ જ ન શકે. સમસ્યાના મૂળ સુધી સાચા અર્થમાં જે ઘડીએ પહોંચી શકીએ એ ઘડી જ હકીકતમાં સમસ્યાના અંતની શરૂઆત હોય છે.

પ્રસ્તુત કવિતા છતી આંખે આંધળા અને પોતાના અંધત્વને જ દૃષ્ટિ ગણીને જીવતા સમાજની ‘નોન-ફ્લેક્સિબિલિટિ’ની સમસ્યાના મૂળ સુધીનો પ્રવાસ છે.

Comments (11)