શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રવીણ ગઢવી

પ્રવીણ ગઢવી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આ હવા – પ્રવીણ ગઢવી

આ-
હવા
આ –
જંગલ ઝાડી, સાગની કલગી,
કાંટાળી ઝાડી,
વાંસ ઝૂંડની જાળી
વનવાસીના વૃદ્ધ ચહેરાની કરચલી.
આ –
મહુડાની છાક,
દીપડાની છલાંગ,
ધુમ્મસની ધાબળી ઓઢી
ઘોરતા પહાડ.
આ –
તાતાતીર થકી વિંધાયેલી હાંહડી.
આ –
તડકાની તાડી
ઘટઘટ પીતાં ખાખર પાન
આ –
ખાપરીનું કોપરિયું જળ
આહ…
વાહ…
આ – હવા !

– પ્રવીણ ગઢવી

કવિના વર્ણનની કુમાશ જુઓ…  શબ્દોનો કેફ જુઓ…  અને દિલની આહ જુઓ !

Comments (8)

પડછાયો – પ્રવીણ ગઢવી

‘O, Wood Cutter,
Cut my Shadow.’

હિન્દુ બનું
બુદ્ધ બનું
મુસલમાન બનું
આ પડછાયો કપાતો નથી,
મારાથી.

કુલડી ગઈ
સાવરણી ગઈ
આ પડછાયો ખૂટતો નથી
મારાથી.

નામ બદલું
કામ બદલું
ઠામ બદલું
જાત બદલું
આ પડછાયો છોડતો નથી.

ભાષા બદલું
વેશ બદલું
ઈતિહાસ બદલું
આ પડછાયો તૂટતો નથી.

સ્મૃતિ રચું
બંધારણ રચું
કાયદા કરું
થાપણ બનું
કોઈ કાળે આ પડછાયો ભૂંસાતો નથી.

‘O, Wood Cutter,
Cut my Shadow.’

– પ્રવીણ ગઢવી
(‘પડછાયો’)

અસ્પૃશ્યતા આપણા સમાજનું સૌથી મોટું કલંક છે. એક વાર અસ્પૃશ્યની છાપ જેના નામ પાછળ લખાઈ જાય એ પછી ગમે તે કરો પૂરેપૂરી કદી ભૂંસાતી જ નથી. આ અસ્પૃશ્યતા – આ કાળો પડછાયો – આપણા બધાનું સહિયારું પાપ છે. કોણ જાણે કેટલો વધારે સમય લાગશે એને ભૂંસાતા ?

Comments (13)