કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે;
બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે.
હર્ષદ ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મનસુખ લશ્કરી

મનસુખ લશ્કરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આપણે - મનસુખ લશ્કરી
શું કરીશું ! - મનસુખ લશ્કરીશું કરીશું ! – મનસુખ લશ્કરી

શ્વાસની સાબિતીઓને સંઘરીને શું કરીશું ?
આંસુઓમાં ડૂબવા આંખો ભરીને શું કરીશું ?

હાથમાં તો આજ છે – તો આજને પીધા કરો,
કાલની ખાલી નદીમાં સંસરીને શું કરીશું ?

ગમતું-અણગમતું બધુંયે આવતું-જાતું રહે છે,
વ્હેણ છે, જોયા કરો – એ આંતરીને શું કરીશું ?

પાંદનો અવતાર છે, તડકા-તમસને આવકારો !
પણ ક-ટાણે પાનખર પહેલાં ખરીને શું કરીશું ?

‘શું કરીશું?’ ‘શું કરીશું ?’ શું કરે છે? ગોત ઉત્તર!
પંડને આ વૈખરીથી તંતરીને શું કરીશું !

– મનસુખ લશ્કરી

એકેએક શેર પાણીદાર… વર્તમાનનું મહત્ત્વ સમજાવતું ‘કાલની ખાલી નદી’નું કલ્પન જ આખી ગઝલનો ભાર ખભે ઊંચકી લેવા પૂરતું છે. ટકોરાબંધ ગઝલ.

Comments (3)

આપણે – મનસુખ લશ્કરી

આપણે કાંઈ થોડા ફૂલ છીએ !
કે પતંગિયું
ઊડીને આવતુંક માથે બેસી જાય
ને મન્ન ભરીને ડોલાવી જાય !

આપણે કાંઈ થોડા વૃક્ષ છીએ
કે ખિસકોલી
ખરી પડેલાં પાંદની વાત કરવા
છાતી ઉપરથી
ચઢ-ઊતર કરતી થઈ જાય !

આપણે
કદાચ આકાશ છીએ
કે જેમાં કો’ક સમડી
ચકરાવે ચકરાવે
નિ:શબ્દતાપૂર્વક પાંખથી
ઘૂંટતી જ જાય
ઘૂંટતી જ જાય
ને એને સ્પર્શ માની લેવા પડે !

– મનસુખ લશ્કરી

કવિ કહે છે કે આપણે ફૂલ જેવા નથી જે આજીવન અન્યને સુંગધ આપવા ખાતર જાતને પણ મિટાવી દઈએ. આપણે વૃક્ષ જેવા પણ નથી જે માત્ર અને માત્ર બીજાના સુખને ખાતર જ જીવે છે.  આપણે માત્ર આકાશ જેવા છીએ. મતલબ કે આપણને કાંઈ સ્પર્શી જ શકતું નથી એવા… આકાશ જેવા આભાસી.

Comments (6)